આમાર ભંગાર બાંગ્લા .
ભારત એટલો મહાન દેશ નથી કે શત્રુતા રાખનારા દેશને દાણાપાણી આપે. બાંગ્લાદેશમાં શાળાઓ બંધ છે અને શિક્ષકોના પગાર થતા નથી. દેશમાં પુરવઠા લાઈન ખોરવાઈ જતાં ભારતમાંથી થતી આયાતો અટકી ગઈ છે. બાંગ્લાદેશના વેપારીઓ પાસે જુના લ્હેણા બાકી હોય ત્યાં હવે આ સંયોગોમાં નવો માલ કેમ મોકલવો? એક જમાનાની ઉક્તિ હતી કે આમાર સોનાર બાંગ્લા - એની હાલત હવે ભંગાર જેવી થવા લાગી છે. પાંચમી ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ વિદ્યાર્થી-નેતૃત્વ હેઠળના બળવા દ્વારા શેખ હસીનાને સત્તા પરથી દૂર કરવામાં આવ્યા પછી, બાંગ્લાદેશના નવા શાસકો, નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની લશ્કર સમર્થિત વચગાળાની સરકારે એમની પ્રજાને નવી શરૂઆતનું વચન આપ્યું, પરંતુ એક નવી ઝળહળતી સવારની વાત ભૂલી જાઓ, ૧૭ કરોડ લોકોની વસ્તી ધરાવતો આ દેશ છ મહિના પછી પણ સ્થિર રાજકીય વ્યવસ્થાથી હજારો માઈલો દૂર છે.
હજુ હમણાં જ દેશભરમાં અરાજકતાનો ખુલ્લેઆમ દેખાવ જોવા મળ્યો જ્યારે એક ટોળાએ ધનમંડીમાં એના પ્રથમ રાષ્ટ્રપતિ શેખ મુજીબુર રહેમાનના નિવાસસ્થાનને તોડી પાડયું. આનું કારણ એ સમાચાર હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતમાં નિર્વાસિત જીવન જીવી રહેલા શેખ હસીના બાંગ્લાદેશ સહિત વિશ્વ સમુદાયને સંબોધવા એક ભાષણ પ્રસારિત કરવાની યોજના બનાવી રહ્યા છે. વિરોધીઓએ બંગબંધુ મેમોરિયલ મ્યુઝિયમનો નાશ કરવાની તેમની યોજનાનો તરત જ ઓનલાઈન પ્રચાર શરૂ કર્યો. જોતજોતામાં હસીના વિરોધીઓ એકત્રિત થવા લાગ્યા. ખોદકામ કરનારા મશીનો અને બુલડોઝરનો ઉપયોગ કરીને, તેઓએ તે ઇમારત પર હુમલો કર્યો જ્યાં ૧૯૭૫માં સુરક્ષા કર્મચારીઓની હાજરીમાં રાષ્ટ્રપિતાની હત્યા કરવામાં આવી હતી. હવે તો શેખ હસીના અને અન્ય અવામી લીગ નેતાઓના નિવાસસ્થાનોમાં પણ તોડફોડ કરવામાં આવી છે.
વચગાળાની સરકારે કડક કાર્યવાહીનું વચન આપ્યું હતું અને યુનુસે શાંતિ જાળવવા હાકલ કરી હતી, પરંતુ ત્રણ દિવસ પછી, સુરક્ષા દળોએ આવામી લીગના સભ્યોને નિશાન બનાવ્યા, જેમાં એક જ દિવસમાં ૧,૦૦૦થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી. આ હુમલાઓ કોઈ એકલદોકલ ઘટના નથી. યુનુસ અને વિદ્યાર્થી વિરોધીઓએ હસીના પર સરમુખત્યારશાહી ચલાવવાનો આરોપ લગાવ્યો છે. યુનુસે સુધારેલી સંસ્થાઓ, પારદર્શિતા અને જવાબદારી સાથે નવા બાંગ્લાદેશનું નિર્માણ કરવાનું પણ વચન આપ્યું છે, પરંતુ શેખ હસીનાની હકાલપટ્ટીના છ મહિના પછી, વચગાળાની સરકારે તેના સુધારા એજન્ડા પર બહુ ઓછી પ્રગતિ કરી છે અને હજુ સુધી સામાન્ય ચૂંટણીઓનું સમયપત્રક જાહેર કર્યું નથી. ચિત્તાગોંગ પહાડી પ્રદેશમાં હિન્દુ અને ખ્રિસ્તી લઘુમતીઓ તેમજ અહમદિયા મુસ્લિમો અને આદિજાતિ લઘુમતીઓ સામે ટોળાઓ દ્વારા હિંસાની વારંવાર ફરિયાદો મળતી રહી છે.
આજ સુધીમાં એક સોથી વધુ લોકો માર્યા ગયા છે અને ઓછામાં ઓછા ૧૧,૦૦૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં શેખ હસીનાને સત્તા પરથી દૂર કરવા તરફ દોરી ગયેલી ઘટનાઓનું રિપોર્ટિંગ કરવા બદલ હત્યાના આરોપોનો સામનો કરી રહેલા ૧૪૦ પત્રકારોનો પણ સમાવેશ થાય છે. સરકારે સત્તાવાર કાર્યક્રમો અને બ્રીફિંગ માટે જરૂરી ૧૫૦થી વધુ દૈનિકો અને સાપ્તાહિકોની પ્રેસ માન્યતાઓ પણ રદ કરી છે. અવામી લીગની વિદ્યાર્થી પાંખ છાત્ર લીગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાન્યુઆરીમાં પ્રકાશિત થયેલા હ્યુમન રાઇટ્સ વોચના અહેવાલમાં બાંગ્લાદેશની આજની ભયાનક પરિસ્થિતિનો કોઈ ઉલ્લેખ નથી અને બધી વાતો ગોળગોળ ભાષામાં કહેવામાં આવી છે. એનો અર્થ એ છે કે માનવાધિકાર પંચ સ્પષ્ટ રીતે નોબેલ વિજેતા નેતાઓની મૂર્ખતા પર બયાન આપવાની તાકાત ધરાવતું નથી. આવી સ્થિતિ એ દેશના સૌથી વિષમ દિવસોની આપમેળે જ આગાહી ઉચ્ચારે છે. યુનુસ વહીવટીતંત્ર અને વિદ્યાર્થી નેતાઓ હજુ પણ શેખ હસીનાને અરાજકતા અને હિંસા માટે દોષી ઠેરવવાની કથાઓ કહેતા રહે છે. આ વારતાઓ કરવાનો આ સમય નથી, પરંતુ ચાલાકીપૂર્વક યુનુસ સરકાર જવાબદારીનો સંપૂર્ણ ત્યાગ કરવા માટે કોઈ ને કોઈ યુક્તિ કામે લગાડતી રહે છે. જો હિંસા અને અરાજકતા ચાલુ રહેશે તો બાંગ્લાદેશ વધુ સારી વ્યવસ્થા તરફ આગળ વધી શકશે નહીં. શાસક તરીકે, યુનુસની પ્રાથમિક જવાબદારી કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે. આ ઉપરાંત, તેમણે સુધારા પ્રક્રિયા ઝડપી બનાવવી જોઈએ અને ચૂંટણીઓની જાહેરાત કરવી જોઈએ જેથી બાંગ્લાદેશને શક્ય તેટલી વહેલી તકે ચૂંટાયેલી અને કાયદેસર સરકાર મળી શકે.