જર્મની-ભારત સંબંધચક્ર .
આંતરરાષ્ટ્રીય સંબંધોના વિકાસમાં ચાણક્ય નીતિ અને કૂટનીતિ પણ અગત્યનો ભાગ ભજવે. તડજોડ અને દુશ્મનના દુશ્મનને દોસ્ત બનાવવાની ફાવટ ભાજપને પહેલેથી છે, પણ એ કામ અત્યારે દેશની સરહદોની બહાર કરવાનું છે. જો કોઈ બે ભાગીદારો વચ્ચે ફૂટ પડાવવી હોય તો એમાંથી એક ભાગીદારને એવી ઓફર કરવી પડે કે તે ના પાડી શકે નહીં. લાલચ બુરી બલા હૈ- પણ એ આપણા માટે. બીજાને લાલચ આપીને આપણો સ્વાર્થ સાધી જ શકાય. ચીનનું વર્ચસ્વ ઘટાડવું પડે એમ છે. ચીનને શક્તિશાળી થતું રોકવું હોય તો તેની પ્રગતિ અટકાવવી પડે. તેના માટે ચીનના ઘરાકોને ભારતે પોતાના તરફ ખેંચવા પડે. ચીનનું એક તગડું ભાગીદાર એવમ્ ઘરાક છે - જર્મની.
જર્મનીના ભારત સાથે સુમેળભર્યા સંબંધો રહ્યા છે. જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે તાજેતરમાં જ ભારતની મુલાકાત લીધી હતી અને બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ બેઠક એટલા માટે થઈ રહી હતી, કારણ કે જર્મની ચીન પર તેની નિર્ભરતા ઘટાડવા માગે છે. જર્મની ભારતને આર્થિક અને વ્યૂહાત્મક વિકાસ માટે મુખ્ય ભાગીદાર તરીકે જુએ છે. પણ ભારતે જર્મનીના મુખ્ય પાર્ટનર બનવાની જરૂર છે. જર્મનીની હાલત અત્યારે થોડી પાતળી છે. આર્થિક મંદીનો સામનો કરી રહેલું જર્મની ચીનમાંથી ભારતમાં રોકાણ શિફ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ વ્યૂહરચના, જેને ઘણી વખત 'ચાઇના પ્લસ ૧' તરીકે ઓળખવામાં આવે છે, તેનો હેતુ ચીનના બજાર પર જર્મનીની નિર્ભરતા ઘટાડવાનો છે. ભારતમાં રોકાણ કરવા માટેની સરળતા મળે છે અને ઓછા મહેનતાણામાં કુશળ કામદારો મળી રહે છે.
ભારત ચીન કરતા એક આકર્ષક વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. ભારતીયોનો સ્વભાવ ચીનાઓ જેટલો આક્રમક નથી તે પણ ભારતનો પ્લસ પોઈન્ટ છે. જર્મનીની વસ્તી ઓછી છે માટે જર્મન અર્થતંત્ર નિકાસ પર ખૂબ આધાર રાખે છે. ચીન સાથેના વેપાર સંબંધિત વિવાદો સહિત તાજેતરના તણાવોએ જર્મનીના વિકાસને નુકસાન પહોંચાડયું છે. ઉદાહરણ તરીકે, યુરોપિયન યુનિયને ચાઇનીઝ ઇલેક્ટ્રિક વાહનો પર ટેરિફ લાદ્યો, જેના જવાબમાં ચીને યુરોપિયન બ્રાન્ડ્સ પર ટેક્સ લાદ્યો. યુક્રેન-રશિયાના યુદ્ધને કારણે એનર્જી માટે રશિયા અને વેપાર માટે ચીન જેવાં સિંગલ-સોર્સ અર્થતંત્રો પર અતિશય નિર્ભરતાના જોખમો પણ હવે રહી રહીને જર્મનીને દેખાયા.
જર્મનીનું વર્કફોર્સ વૃદ્ધ થઇ રહ્યું છે અને ઘટી રહ્યું છે, જેના કારણે મજૂરની અછત સર્જાઈ છે. જર્મનીને તેના શ્રમબળને સ્થિર રાખવા માટે દર વર્ષે લગભગ ૪,૦૦,૦૦૦ ઇમિગ્રન્ટ્સની જરૂર પડે છે. આ વર્ષે જ જર્મનીએ ભારતીય અરજદારો પર નોંધપાત્ર ધ્યાન કેન્દ્રિત કરીને સ્કીલ્ડ વર્કર વિઝાની સંખ્યા ૨૦,૦૦૦થી વધારીને ૯૦,૦૦૦ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. જર્મની ભારતીયોને આવકારી રહ્યું છે.
ઈ. સ. ૨૦૨૨માં ભારતમાં જર્મનીનું સીધું રોકાણ લગભગ ૨૭ બિલિયન ડોલર હતું. જોકે, ચીનમાં જર્મનીએ કરેલા રોકાણની સરખામણીએ કઈ જ ન કહેવાય. જર્મન કંપનીઓને ભારતના વિકસતા બજારમાં વધુને વધુ રસ છે, જેમાંની ૮૨% કંપનીઓ આગામી પાંચ વર્ષમાં આવક વૃદ્ધિની અપેક્ષા રાખે છે. ઘલ્લન્ ૨૦૨૬ સુધીમાં ભારતમાં ૫૦૦ મિલિયન યુરોનું રોકાણ કરવાની યોજના ધરાવે છે જેથી તે તેજીવાળા ઈ-કોમર્સ સેક્ટરનો લાભ લઈ શકે. યુરોપ ખાતે ભારત જર્મનીનું ટોચનું વેપારી ભાગીદાર છે. તે બંને વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ૨૦૨૪ની શરૂઆતમાં ૨૬ બિલિયન ડોલર સુધી પહોંચશે. જર્મનીની ભારતમાં લગભગ ૨,૦૦૦ કંપનીઓ કાર્યરત છે.
જોકે આખું ચિત્ર ફૂલગુલાબી નથી. ઘણી જર્મન કંપનીઓ આશાવાદી હોવા છતાં ભારતમાં વેપાર કરવાના અમુક પડકારો તો રહેશે. જેમ કે, ભારતમાં વ્યાપ્ત અમલદારશાહી, સંરક્ષણવાદી નીતિઓ અને જટિલ કર નિયમોને સમજતા અને કામ પાર પાડતા વાર લાગશે. ૬૦% થી વધુ જર્મન વ્યવસાયોએ ભારતમાં મંજુરી મેળવવાથી લઈને ટેક્સ રેજીમ સુધીના ઘણા અવરોધોનો ઉલ્લેખ કર્યો છે, પણ ચીન કરતાં અહીં વ્યવસાયની સરળતા છે તે યુરોપ સ્વીકારે છે. નિષ્ણાતો કહે છે કે ભારત સાથે જર્મનીની ભાગીદારી મુખ્યત્વે આર્થિકથી વધુ વ્યૂહાત્મક જોડાણમાં બદલાઈ ગઈ છે. આ પરિવર્તન સુરક્ષા અને લશ્કરી સહયોગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને ચિહ્નિત કરવામાં આવ્યું છે, જે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં મોટી ભૂમિકા ભજવવામાં જર્મનીના રસને પ્રતિબિંબિત કરે છે.