વધતી ડમી શાળાઓ .

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
વધતી ડમી શાળાઓ                                        . 1 - image


નિયમિત શાળા શિક્ષણ પ્રણાલીને સમાંતર ચાલતા કોચિંગ સેન્ટરોમાં અભ્યાસનું આજે એક એવું દુષ્ટ ચક્ર રચાઈ ગયું છે કે ઘણી વખત નિયમોનું પાલન કરવું જરૂરી માનવામાં આવતું નથી. દુર્ઘટના એ છે કે નિયમિત શાળેય શિક્ષણના સ્થાને હવે મોંઘાદાટ કોચિંગ સેન્ટરો મેદાનમાં આવ્યા છે અને શાળાઓ તો નામમાત્રની થવા લાગી છે. જે કેટલીક શાળાઓમાં પ્રવેશ લઈને એ શાળાના વર્ગોમાંથી મુક્તિની સુવિધા આપવામાં આવે છે તેના કારણે પણ આજે સમસ્યા સર્જાઈ રહી છે. આમાં, શાળા શિક્ષણ પ્રણાલીના નિયમોને ધ્યાનમાં રાખવામાં આવતા નથી. આને 'ડમી શાળાઓ' કહેવામાં આવે છે, જ્યાં વિદ્યાર્થીઓ પોતાની નોંધણી કરાવે છે પરંતુ વર્ગોમાં હાજરી આપવાની અથવા તેમની હાજરી ચિહ્નિત કરવાની જરૂર નથી. જેમાં ફરજિયાત હાજરી અને અન્ય શિક્ષણ સંબંધિત પ્રમાણપત્રોની વ્યવસ્થા ડમી શાળા દ્વારા કરવામાં આવે છે.

આ સમસ્યાને દૂર કરવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSE એ ગયા સપ્તાહે રાજસ્થાન અને દિલ્હીમાં ૨૭ ડમી સ્કૂલોનું ઓચિંતું નિરીક્ષણ કર્યું હતું. બોર્ડે કહ્યું કે તમામ સંલગ્ન શાળાઓ તેની માર્ગદર્શિકાનું સખતપણે પાલન કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે અને આ નિરીક્ષણ પછી જે શાળાઓ બેદરકારી અથવા નિયમોની અવગણના કરતી જોવા મળશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. તમામને આકરી નોટિસ પાઠવવામાં આવી છે. આવી ફરિયાદો અગાઉ પણ મળી હતી કે વાલીઓ તેમના બાળકોને સારી શાળામાંથી કાઢીને ડમી શાળાઓમાં દાખલ કરે છે. અને ખરેખરું શિક્ષણ તો એ બાળકોને કોચિંગ ક્લાસમાં અપાવવામાં આવે છે. ખરેખર, સારી શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ૮૦ ટકા હાજરીનો નિયમ લાગુ પડે છે, પરંતુ કોચિંગમાં ભણતા વિદ્યાર્થીઓ શાળાએ જવા માંગતા નથી. જ્યારે ડમી સ્કૂલમાં એડમિશન લીધા બાદ તેમને સ્કૂલે જવાની જરૂર નથી અને તેઓ માત્ર કોચિંગ સેન્ટરમાં અભ્યાસ કરે છે.

આ રીતે, તેમના બાળકોના ભવિષ્યને સુધારવાના પ્રયાસમાં, માતા-પિતા જાણતા-અજાણતા તેમના બાળકોને નાની ઉંમરે ભ્રષ્ટાચારમાં સામેલ કરે છે. આ સમસ્યાને દૂર કરવા માટે, કોચિંગ ક્લાસ અને શાળાના સમયને લગતી માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી હતી, પરંતુ આ સમસ્યા યથાવત રહી હતી. શાળાના અભ્યાસક્રમની અવગણના કરીને, માત્ર ચોક્કસ સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોચિંગનો અભ્યાસ કરવાના લાંબા ગાળાના પરિણામોનો અંદાજ લગાવી શકાય છે.

યુવાનનું વ્યક્તિગત કલ્ચર એટલે પોતે હાથમાં લીધેલા કામને સારામાં સારી રીતે પૂરું કરવાની કુનેહ. આ કુનેહ અંતઃકરણની નિષ્ઠામાંથી આવે છે. યુનિવર્સિટીઓમાંથી એ શીખવા મળે નહિ. હા, ભણતા - ભણતા કોઈ માથાભારે ગુરુજન મળી ગયા હોય અને વિદ્યાર્થીને આકરા પાણીએ તપાવીને કડક હાથે ઘાટ ઘડયો હોય તો વાત જુદી છે. પરંતુ એવી શક્યતા નહિવત્ છે. કારણ કે યુવા પેઢી કોઈ શિક્ષક ત્પ્રશિક્ષકને એવા અધિકાર આપતી જ નથી કે તે જીવન શિક્ષણની નાજુક કેડીઓ પણ સફર કરી શકે.

સુપર થર્ટી ફિલ્મમાં એક શબ્દ પરદા પર સંભળાય છે, કોચિંગ માફિયા ! ફિલ્મમાં તો હાયર સ્કેલના કોચિંગ માફિયાનું જગત બતાવ્યું છે. પરંતુ દેશની અવિધિસરની શિક્ષણ પ્રણાલિકામાં નાના - નાના અનેક કોચિંગ માફિયાઓ ફેલાયેલા છે. તેમનું કામ મુખ્યત્વે રેન્કિંગ વધારવાનું છે. સંસ્કાર જગત સાથે એમને કોઈ સંબંધ હોતો નથી. તેઓ જાણે કે એક ડેટા ટ્રાન્સફર મશિન છે. તેઓ વિદ્યાર્થીને યાદ રહી જાય એ રીતે પોતાની પાસેના માહિતી સંપુટ વિદ્યાર્થીઓના મનમાં મૂકી આપે છે. સુપર થર્ટી ફિલ્મમાં ઋત્વિક રોશન પોતાના વિદ્યાર્થીઓને જે રીતે ભણાવે છે એ તો અજબ જ્ઞાનમાર્ગ છે.

એવા જ્ઞાનના વહેતા ઝરણાંઓ કે પરબ હવે રહ્યા નથી. દિગ્દર્શક વિકાસ બહેલે ફિલ્મ ખરેખર તો આનંદકુમાર નામના અસલ ભારતીય ગણિતશાસ્ત્રી પર બનાવી છે, પરંતુ આવા આનંદકુમારો લાખોમાં નહિ, કરોડોમાં એક હોય છે. એટલે બાકીના જે કોચિંગધામો છે એમાં યુવક- યુવતીની સંસ્કારિતા અપગ્રેડ થવાના કોઈ ચાન્સ નથી. યુગ ડેટાનો છે. ડેટા જ દેવતા, ડેટા જ ઇશ્વર, ડેટા સબ કા આધાર એ સામ્પ્રત સત્ય છે, પરંતુ એકલો ડેટા, જિંદગી નિભાવી શકે નહિ. કોર્પોરેટ જોબ મેળવવામાં યુવાવર્ગ જે તકલીફ અનુભવે છે એનું એક કારણ સ્કીલ અને સ્કીલ સંબંધિત તાલીમનો અભાવ છે. કોચિંગ ક્લાસ સંસ્કાર કઈ રીતે આપે છે તે તપાસનો વિષય છે.


Google NewsGoogle News