આપ આએ બહાર આઈ .
ભારત અને અમેરિકા વચ્ચેના પરસ્પર સંબંધો હવે એવા તબક્કે નથી રહ્યા કે તેમને કોઈ ચોક્કસ પક્ષ કે નેતાના નેતૃત્વમાં વિશેષ સ્નેહ ધરાવતી સરકારની જરૂર હોય. તેમ છતાં, જો ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ તરીકે પુનઃચૂંટણીને દ્વિપક્ષીય સંબંધોની દ્રષ્ટિએ એક રોમાંચક ઘટના માનવામાં આવે છે, તો તે કારણ વગર નથી. હજુ બંને દેશો વચ્ચેના સંબંધોના ઘણા એવા અધ્યાયો બાકી છે જેમાં ટ્રમ્પની વ્હાઇટ હાઉસમાં હાજરીની સીધી અસર પડશે. જો બાઈડેન મુખ્યત્વે બ્રિટિશરોની નીતિને અનુસરનારા હતા. તેમનામાં અમેરિકા માટેના સ્વતંત્ર વિઝનનો ઘોર અભાવ હતો. ભારત અને કેનેડાના વણસતા જતાં સંબંધોમાં બ્રિટનના વિદેશ વિભાગના ઈશારે જ અમેરિકાએ ભારત પર માછલા ધોવાની કેનેડાને વ્યવસ્થા કરી આપી હતી. કેનેડાએ ભારતીય વિદ્યાર્થીઓ પ્રત્યે કિન્નાખોરી દાખવતા એક પછી એક નવા ફરમાનોનો સિલસિલો અદ્યાપિ ચાલુ જ રાખેલો છે.
ટ્રમ્પ કોઈ રીતે બ્રિટનના કહ્યાગરા નથી, તેઓ સ્વબુદ્ધિ ધરાવે છે. ઉંમર તો ટ્રમ્પની પણ વધુ છે પરંતુ તેઓ બાઈડન જેવા ઘરડા ઘોડા નથી. જ્યારથી યુક્રેન યુદ્ધ શરૂ થયું છે ત્યારથી ભારતે સ્પષ્ટ નીતિ જાળવી રાખી છે કે તે યુદ્ધની વિરુદ્ધ છે, પરંતુ તે રશિયા સાથેની તેની જૂની મિત્રતા સાથે સમાધાન કરવા જઈ રહ્યું નથી. વ્યાપક રીતે કહીએ તો તમામ પક્ષોએ ભારતના આ વલણને સ્વીકાર્યું છે, તેમ છતાં બાઈડન સરકારે આ અંગે પોતાની નારાજગી વ્યક્ત કરવાની એક પણ તક ગુમાવી ન હતી. હવે ટ્રમ્પના આગમન બાદ અનેક કારણોસર આ મોરચે રાહતની આશા છે. સૌથી પહેલા તો ટ્રમ્પે પોતે કહ્યું છે કે તેઓ રશિયન રાષ્ટ્રપતિ પુતિનને પસંદ કરે છે. બીજું, યુક્રેન યુદ્ધ પર તેમનું જાહેર વલણ પણ બાઈડેનથી અલગ રહ્યું છે.
ટ્રમ્પે અવાર નવાર યુદ્ધ અટકાવવાની વાત કરી છે અને એને એ ખબર જ છે કે એમ કંઈ યુદ્ધ અટકવાનું નથી. સામંતશાહીના જમાનાનો નિયમ હજુ યથાવત છે કે બે નાનાઊરજવાડાં લડે એમાં મોટાને ફાયદો જ હોય. ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન ચીન સાથેના વેપાર યુદ્ધની પૃષ્ઠભૂમિને જોતાં, તે પાયાવિહોણું નથી કે ભારત-પેસિફિકમાં ચીનની વધેલી આક્રમકતા પર તેમનું વલણ બાઈડન સરકાર કરતાં વધુ કડક હોઈ શકે છે. તેમની નજરમાં ભારતનું મહત્વ ત્યાં વધુ હશે. જો કે, તે ક્વાડ જેવા ફોરમને વ્યૂહાત્મક સ્વરૂપ આપવા પણ ભાર આપી શકે છે, જેનો ભારત ઇનકાર કરી રહ્યું છે. એક સમયે બ્રિટિશ એમ્પાયરમાં એ તાકાત હતી કે એ દુનિયાનો ઈતિહાસ અને ભૂગોળ બન્ને બદલી શકે. પછી અર્વાચીન યુગમાં એ તાકાત અમેરિકા પાસે આવી પરંતુ હવે એ ચક્રવર્તી પદના દાવેદાર તરીકે ચીનનો નૂતન અભ્યુદય થઈ રહ્યો છે. આ સંયોગો ટ્રમ્પ માટે કસોટીકારક છે.
જૂની પેઢીના મીડિયામેન અને પછીથી વાણિજયપતિ બની ગયેલા ડોનાલ્ડ ટ્રમ્પ માટે હવે સ્વયં હાસ્યાસ્પદ થઈને બીજાની મજાક ઉડાવવાનો સમય નથી. આ સમય ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ છે. ચીન પ્રત્યે ટ્રમ્પના સંભવિત કડક વલણની આડઅસર તરીકે ભારતને વધુ સારી તકો મળે તો નવાઈ નહીં. ચીનથી દૂર થઈ રહેલી ઘણી કંપનીઓ ભારતને વિકલ્પ તરીકે જોઈ શકે છે. કોઈ પણ રીતે, ટ્રમ્પના આગામી કાર્યકાળમાં અમેરિકા અને ભારત વચ્ચે સંરક્ષણ સહકાર વધવાની અપેક્ષા છે. ટ્રમ્પને જ્યારે પણ મોકો મળ્યો છે ત્યારે તેમણે મિસ્ટર મોદીના નેતૃત્વની વિધવિધ રીતે પ્રશંસા કરી છે. પરંતુ એમની એ ભાવના હકીકતોમાં ક્યાં સુધી પહોંચે છે તે જોવાનું રહે છે.
તમામ અપેક્ષાઓ વચ્ચે ટ્રમ્પના આ કાર્યકાળને લઈને કેટલીક નક્કર આશંકા પણ છે. સૌથી મોટો પ્રશ્ન અમેરિકા જવા ચાહતા ભારતીયો તરફના તેમના વલણ વિશે છે. તે જોવાનું રહે છે કે શું તેમની સરકાર માત્ર ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને જ ટાર્ગેટ કરે છે અથવા કાયદેસર રીતે આવતા ઉચ્ચ કુશળ વ્યાવસાયિકો માટે પણ મુશ્કેલી ઊભી કરે છે કે નહિ. જો કે, સૌથી મોટી વાત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ, પીએમ મોદી અને ભારત વચ્ચે મિત્રતાની ભાવના છે. જો તમે સકારાત્મક વલણ રાખો તો સંબંધોના માર્ગમાં આવતા નાના-નાના અવરોધો દૂર થતા જ રહે છે. ભારતના પક્ષે પણ થોડો આત્મવિચાર જરૂરી છે. ભારતના ભલા માટે ટ્રમ્પ ચીન તરફ આકરા બને પણ ખુદ ભારત જો ચીન પરની પોતાની ટેકનિકલ અને ઔદ્યોગિક નિર્ભરતા ઓછી ન કરી શકે તો એનો કોઈ અર્થ નથી.ભારતીય પ્રજાને હવે આખી દુનિયા ઓળખે છે કે ચીનની વિરુદ્ધ બોલવામાં આપણે નંબર વન છીએ ને ચીની ઉત્પાદનોની આયાત કરવામાં પણ નંબર વન છીએ. એટલે ચીન પર જે આર્થિક ઘા મારવાનો છે એ માટે ભારતનો હાથ ઊંચો થતો જ નથી.