મોસમ પરિવર્તનનું વિષચક્ર .
આ વખતે શિયાળાએ બહુ જમાવટ કરી. હજુ પણ ઠંડી ચાલુ રહેવાની છે. નાગરિકોને તો ઉત્તરાયણ જાય પછી ઠંડી પણ જશે એમ લાગે, પણ ખેડૂતનો પરિવાર જાણતો હોય કે હોળીનું તાપણું તાપ્યા વિના શિયાળો કદી ન જાય. તિથિ પ્રમાણે હમણાં જ વસંત પંચમી ગઈ, પરંતુ પાનખર હજુ પૂરી થઈ નથી. આ જે ઋતુઓનું વેરિવખેર થયેલું ટાઈમ ટેબલ છે એ પણ ગ્લોબલ વોર્મિંગને કારણે છે. ખરેખર તો હેમંત ઋતુ જ શિયાળાને ભોગવવાની અને ખુલ્લા આભ તળે આનંદ લેવાની મોસમ છે. અરબી સમુદ્રનું સ્વરૂપ બદલાયું છે. વૈજ્ઞાાનિકોએ જાહેર કર્યું છે કે ઘણાં વર્ષોથી જેના ઢોલ વગાડવામાં આવે છે તે ગ્લોબલ વોર્મિંગના પ્રથમ પરિણામની હવે શરૂઆત થઈ ગઈ છે. સમુદ્રની સપાટીમાં આંશિક વધારો થયો છે.
એનું કારણ એ છે કે ઉત્તર અને દક્ષિણ ધ્રુવનો બરફ પીગળવા લાગ્યો છે. હિમશીલાઓ વિખૂટી પડીને તરવા વાગી છે. પર્યાવરણવિદો જોકે એ વાત કહેવાનું એટલું બધું પુનરાવર્તન કરી ચૂક્યા છે કે 'વાઘ આવ્યો રે વાઘ'ની જેમ હવે જ્યારે ખરેખર વાઘ આવ્યો છે ત્યારે એ તરફ હજુ આમ જનતાનું ધ્યાન ગયું નથી. વિશ્વભરની ઋતુઓના ચક્રમાં ફેરફાર શરૂ થયા છે. ભારતમાં છ ઋતુઓ છે, પરંતુ વિદ્વાન સંશોધકો કહે છે કે દુનિયાના અન્ય કેટલાક દેશોની જેમ ભારતમાં પણ ભવિષ્યમાં સમર અને વિન્ટર થઈ જશે. વરસાદ પણ વિન્ટરમાં, બરફ વર્ષા પણ વિન્ટરમા અને તડકો સમરમાં! જો કે આ ફેરકાર થતા હજી દાયકાઓ અને સદીઓ વીતી જશે.
હિમાલયના પવનો આ વખતે રહસ્યમય રીતે દિશા બદલી રહ્યા છે. હવામાનશાસ્ત્રીઓ તો હજુ પણ એને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વ્યાખ્યામાં સમાવે છે, પરંતુ એવું નથી. વિશ્વના દરેક સમુદ્રના પવનો હવે વમળ જેવા ચક્રાકાર અને એ જ આગળ જતાં ચક્રવાતમાં રૂપાંતરિત થાય છે. આ વખતે અરબી સમુદ્ર પર પવનોના ઝંઝાવાત વારંવાર સર્જાય છે અને વિખેરાય છે. એમાંના કેટલાક પવનો વાતાવરણમાં શૂન્યાવકાશનું પણ સર્જન કરે છે. એ શૂન્યાવકાશમાંથી જ વરસાદી તોફાન બનીને નવાં નવાં નામે વાવાઝોડાં આવતા રહે છે. શિયાળો આરોગ્યની ઋતુ છે, પરંતુ માત્ર એમને માટે કે જેઓ આહાર વિચારમાં સર્વ સામાન્ય નિયમોનું પાલન કરે છે. દુનિયાની કોઈ પણ પ્રજાનું આરોગ્ય જોવું હોય તો એટલી જ તપાસ કરવાની રહે કે શિયાળામાં દવાખાનાઓ અને હોસ્પિટલો ખાલીખમ રહે છે?
આજકાલ ગુજરાતમાં જાહેર સ્વાસ્થ્યની સમસ્યાઓ છે. ખોરાકમાં જેઓ બહુ જ સાવધાની રાખતા નથી, તેમનામાં લાંબા ગાળા સુધી આપત્તિ નોંતરનારા નાના નાના અનેક રોગો પ્રવેશી જવાની સંભાવના છે. અત્યારે પવનની દિશા ઉત્તરથી દક્ષિણ હોવી જોઈએ, પરંતુ એમ છે નહીં. મધ્યરાત્રિ પછી થોડીવાર માટે પવન શિયાળાની દિશામાં પ્રવેશે છે. સવાર થતાં સુધીમાં તો પવન ફરી પૂર્વ-પશ્ચિમના થઈ જાય છે. પવન માટે પૂર્વ પશ્ચિમનો માર્ગ તો માત્ર ઉનાળામાં જ કુદરત પસંદ કરે છે. હજુ તો આ ઋતુઓમાં આવતાં પ્રારંભિક પરિવર્તનો છે.
આ ક્રમમાં જે ફેરફાર થઈ રહ્યો છે હવે તે માનવશરીરની આંતર રચનામાં મોટો ઉત્પાત મચાવનાર છે. આ સંકટમાં એ જ લોકો બચી શકે છે કે જેઓ અલ્પાહારી હોય. અને સર્વ પ્રકારના સંયમ જેમણે સિદ્ધ કરેલા હોય. એનો અર્થ એ છે કે હવે આરોગ્ય સાચવવું એ રમતા રમતા સચવાઈ જતી વસ્તુ નથી. પ્રાકૃતિક આહાર લેતો મનુષ્ય જ પ્રકૃતિના બદલાતા રૂપરંગ સાથે અનુકૂલન સાધી શકશે. આપણા સમાજે અને આખી દુનિયાએ એક વાત હવે સ્વીકારવી પડશે કે આરોગ્યની ચાવી ડોક્ટર પાસે નથી, કિસાન પાસે છે. ડોક્ટર પાસે તો અશુદ્ધ આહારથી થતા રોગોના ઉપાયો અને ઉપકરણો છે. ડોક્ટર જો સંનિષ્ઠ હોય તો એ માનવમિત્ર છે. જો ડોક્ટરમાંથી સેવાભાવના બાદ થઈ જાય તો એ લોકોના દુઃખમાંથી પોતાનું સુખ શોધતો સામાન્ય શખ્સ બની જાય છે.
આરોગ્યનો ખરો દાતા તો અન્નદાતા જ હોઈ શકે અને એ જ છે. આપણે ત્યાં સમાજ ખેડૂતોને કેમ વીસરી જાય છે તે એક ન સમજાતો કોયડો છે. જે માતા બાળકને જન્મથી પરિપોષણ આપે છે એ માતા બાળકના ઘડતર માટે સો શિક્ષક સમાન કહેવાય છે. એ બાળક મોટું થાય કે પછી પશુપાલકો માતાની જવાબદારી ઉપાડે છે. અનાજ, કઠોળ, શાકભાજી અને ફળફળાદિની વિરાટ દુનિયામાં ખેડૂત એ બાળકને લઈ આવે છે અને જીવનભર નિભાવે છે. આ ખેડૂત કેમ સો શિક્ષક સમાન નહીં એ તો કહો. માણસના અસ્તિત્વની આધારશિલા એક તો ઓક્સિજન છે એ હમણાં બધાને ખબર પડી પણ બીજી આધારશિલા ખેડૂતો છે એ ક્યારે ખબર પડશે?