તૂટતા પુલોનો દેશ .

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
તૂટતા પુલોનો દેશ                                              . 1 - image


ઈ.સ. ૧૯૪૭થી આપણે ક્યાં જવા નીકળ્યા હતા અને પોણી સદીની લાંબી યાત્રા પછી આપણે ક્યાં પહોંચ્યા છીએ? શું દેશમાં સજ્જનોની ઓછપ દરેક ક્ષેત્રમાં છે? આપણને કેસર ઘોળ્યા દૂધના કટોરા પર પણ વિશ્વાસ નથી? બાળકોના નિષ્ણાત તબીબોએ એમ કહેવાની શરૂઆત કરી દીધી છે કે માતાના અમૃતમય આહાર પછી બાળકને બહારનું દૂધ ન આપશો, એને ફળફળાદિ, લીલાં શાકભાજી, કઠોળ અને થોડો સુકામેવાનો ભુકો આપશો તો ચાલશે. ડોક્ટરોનો બ્રાન્ડેડ દૂધ પરનો વિશ્વાસ પણ ઓછો થઈ ગયો છે. દેશનાં લગભગ તમામ ક્ષેત્રોમાં એકડે એકથી કામની શરૂઆત કરવી પડે એવી હાલત તરફ આપણે ધકેલાઈ રહ્યા છીએ. દરેક ચોમાસુ આપણા દેશના તમામ જાહેર બાંધકામો સામેનો પડકાર છે. આટલાં વરસો પછી મેટ્રો સિટી એટલે શું એ જ બૃહદ્ મુંબઈ મહાપાલિકાને સમજાયું નથી. એક પૂલ તૂટયો ને બીજો પુલ તૂટવાની ચેતવણી મુંબઈ પોલીસે ટ્વિટર પર જાહેર કરી જેથી બ્રહ્મપુત્રાના ઘોડાપુર જેવા ટ્રાફિકના પ્રવાહને વિવિધ દિશાઓમાં ડાયવર્ટ કરવો પડયો. 

આરોગ્ય, શિક્ષણ, આંતરિક સુરક્ષા... બધે જ નજર દોડાવો તો વારંવાર રોકાઈ-રોકાઈને નજર થાકી જાય એવા ભ્રષ્ટાચાર અને ગેરરીતિના પડાવો છે. બળાત્કારનું જાણે કે સમર્થન કરતા હોય એમ પોલીસ સ્ટેશનમાં પીડિતાને દુષ્ટ બુદ્ધિથી પ્રશ્નો પૂછતા ને ઊંચા પદે પહોંચી ગયેલા જમાદારો કાશ્મીરથી કન્યાકુમારી (વાયા અમદાવાદ) વારંવાર લોકનજરે ચડે છે અને પ્રજા ખિન્ન થઈ જાય છે. તેઓ પ્રજા અને પોલીસ વચ્ચેનો પુલ તોડી રહ્યા છે. શાળા સંચાલકો ખાનગી શૈક્ષણિક પ્રણાલિકાઓને ઔદ્યોગિક એકમની જેમ ચલાવે છે. ઓગણીસમી સદીના આરંભે જાપાનના ટોકિયોમાં ઈટાઈબાશી પુલ તૂટયો હતો જેમાં પંદરસો નાગરિકોએ જિંદગી ગુમાવી હતી, પરંતુ એ દુર્ઘટનાને જાપાન પછીથી થયેલા પહેલા અને બીજા વિશ્વયુદ્ધ પછી પણ ભૂલ્યું ન હતું અને આજે પણ જાપાન સરકાર દરેક પુલમાં બ્રિજ સેન્સર લગાવે છે જે એની ક્ષમતાની મર્યાદા પ્રમાણે તૂટતા પહેલા સાવધાની માટે મોટા અવાજે એલાર્મ વગાડે છે. પરંતુ આવો એલાર્મ વાગે જ નહીં એની સાવધાની દરેક પુલમાં રાખવામાં આવે છે.

જાપાન માત્ર ઉગતા સૂર્યનો જ નહીં, ભૂકંપનો પણ દેશ છે છતાં એ ટેકનોલોજી અને સંનિષ્ઠ એન્જિનીયરોની મદદથી આગોતરી સાવચેતીથી દુર્ઘટનાઓને અંકુશમાં રાખી શકે છે. આપણે ત્યાં ભારતમાં ટેકનોલોજીની સમસ્યા તો પછીની વાત છે અને આવનારાં વર્ષોમાં જાપાન જેવા બ્રિજ સેન્સર પણ ગોઠવાઈ જશે, પરંતુ દરેક પુલનું બાંધકામ ચાલતું હોય ત્યારે કરપ્શન સેન્સર કોણ મૂકશે? આપણા દેશમાં દરેક ક્ષેત્રમાં વિદ્વાનોનો સમુદાય હજુ પણ છે, પરંતુ એમના ઉપર રાજકારણીઓનો જે કબજો છે એને કારણે પુલો તૂટતા રહે છે, રસ્તાઓ ફરી ફરી બાંધવા પડે છે. નોટબંધી અભિયાન વેળાએ ગુજરાતની સહકારી બેન્કોમાં જમા થયેલા નાણાં બધા ભલે રાજકારણીઓના નહીં હોય તોય જેટલા છે એટલા તો વિજય માલ્યા અને નિરવ મોદીથી ય વધારે હોવાની દહેશત છે. નેતાઓ જાણતા નથી કે તેમની અને પ્રજાની વચ્ચેનો પુલ પણ તૂટી રહ્યો છે.

અગાઉ એકવાર મુંબઈમાં અંધેરીનો પુલ તૂટી પડતા રીક્ષા અને ટેક્સી ચાલકોએ કેવું વર્તન કર્યું હતું? તેઓએ એકાએક મનગમતા ઊંચા ભાડા લેવાનો ક્રમ અજમાવ્યો. ટેક્સીવાળાઓએ ચિક્કાર રૂપિયાની ડિમાન્ડ કરી કહ્યું - જર તુમ્હાલા યેણ્યાચી ઈચ્છા અસેલ તર મગ ઈથે યા ઈથે રાહા! તમારે આવવું હોય તો આવો નહિતર અહીં ને અહીં પડયા રહો! પુલ પડે છે તે ભારતીય પુલ છે, મુંઝાયેલો પ્રવાસી નગરજન પણ ભારતીય છે અને તેની તકલીફમાં પોતાના ધંધાનો 'વિકાસ' જોઈ રહેલો ટેક્સી ડ્રાઈવર પણ ભારતીય છે. અંધેરીમાં એક સાથે અનેક ભારતીય પરિબળો અને પદાર્થોનું અણધાર્યું સંમિલન યોજાઈ ગયું!

દેશ એક એવા વળાંકે આવીને ઊભો છે કે પ્રજા પોતે સ્વમૂલ્યાંકન નહીં કરે તો ચોતરફના ભ્રષ્ટ વંટોળમાં એ એના રહ્યાસહ્યા જાહેર જીવનના સંસ્કાર પણ ગુમાવી દેશે. જેના હાથમાં મહાનગરોના વહીવટ છે એમણે હવે તો દુનિયા જોયેલી જ હોય. સાન ફ્રાન્સિસ્કોના એક જમાનાના ચીફ સીટી પ્લાનર મિસ્ટર એલન જેકબ, જેમણે અમદાવાદના સી.જી. રોડની ડિઝાઈન બનાવીને વિશિષ્ટ પાર્કિંગ વ્યવસ્થા શીખવાડી છે, તેઓનું તો એ મહાન જ્ઞાાાનસૂત્ર છે કે જનસંખ્યા વધવાની સાથે જો રસ્તાઓ પહોળા કરવામાં ન આવે અને એ કામ સતત થતું ન રહે તો કુદરતી આપદાઓ અને બાંધકામ દુર્ઘટનાઓમાં વિનાશ વધતો જાય છે. મુંબઈ સહિતના દેશના અનેક મહાનગરો અને એલન જેકબનું વિધાન આજે સામસામે ઊભાં છે.


Google NewsGoogle News