કુતુબમિનાર પર કમળ .
એક નહીં પણ અનેક પરિબળો છે જેને કારણે અરવિંદ કેજરીવાલે ઘરભેગા થવું પડયું છે. લગભગ ૧૭૭ દિવસની લાંબી જેલ યાત્રા પછી હવે તેમને માટે નવી જેલ યાત્રાનો નકશો તૈયાર થઈ રહ્યો છે અને આ વખતની સફર અગાઉથી અલગ જ પ્રકારની હશે એ નક્કી છે. ભારતીય જનતા પક્ષે નવી દિલ્હીની રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રીનો કોઈ ચહેરો જાહેર ન કર્યો હોવા છતાં વડાપ્રધાન મોદીના નેતૃત્વ પર વિશ્વાસ રાખીને રાજધાનીના નાગરિકોએ આ વખતે અજમાયશી ધોરણે ભાજપને મત આપ્યા છે. કેજરીવાલની સમસ્યાઓ એના પોતાના પક્ષમાં અને દિલ્હી પ્રશાસનમાં એટલી બધી હતી કે સંયોગો તેમને ઓક્ટોપસની જેમ વીંટળાઈ વળેલા હતા. એમાંથી મુક્ત થવાનો રસ્તો આસાન ન હતો. છતાં તેમનામાં પુખ્ત રાજસ્વીતાની એટલી બધી ઘટ જોવા મળી કે તેઓ અધિક વિશ્વાસ અને ઘમંડમાં ત્યાં સુધી તરતા રહ્યા જ્યાં સુધી આખું જહાજ ડૂબી ન ગયું.
આટલા ખરાબ સંજોગો વચ્ચે પણ તેમની અહંકારી ગર્જનાઓ ચાલુ રહી હતી જેને કારણે સામાન્ય મતદાર અને તેમની વચ્ચેનો સેતુ તૂટી ગયો હતો. ભારતીય જનતા પક્ષે બહુ ઓછી મહેનતે કેજરીવાલ પાસેથી ઇન્દ્રપ્રસ્થ આંચકી લીધું છે. વડાપ્રધાન મોદી પોતે આપખુદશાહીના પુરસ્કર્તા છે અને શાસન પ્રણાલિકામાં તેઓને વનમેન શો જ માફક આવે છે. તેમ છતાં તેમની પાસે તેમની પોતાની ટીમમાં રાજકારણમાં જેને સોનાના સિક્કા કહેવાય એવા નવરત્નોને ટીમ છે. એની સામે કેજરીવાલે એકલ-દોકલ સિતારાઓથી ચલાવી લેવું પડયું એટલે જેલવાસ દરમિયાનના તેમના લાંબા ગુપ્તવાસમાં દિલ્હી પ્રશાસનમાં સ્થગિતતા જેવી સ્થિતિ ઊભી થઈ. આતિશી જેવા તેમના સાથીદારોએ કામ કરવાનું ચાલુ રાખ્યું પરંતુ સૂર્યાસ્ત પછીના અંધારામાં તેમને લોકાભિમુખ વહીવટ આવડયો નહિ. અણ્ણા હજારે જેવા પોતાના ગોડફાધરના નામે સતત જંગ જીતતા આવેલા કેજરીવાલને ભાજપે માત્ર દર્પણ બતાવીને કહ્યું કે 'આપ' આવા છો અને પછી એ વાત ભાજપે જુદી જુદી રીતે સતત પ્રજાને કહી.
ચૂંટણી સમયે, આપનો રંગ ઝાંખો દેખાઈ રહ્યો હતો કારણ કે તેનો મોટાભાગનો સમય આરોપોનો જવાબ આપવામાં જ પસાર થઈ રહ્યો હતો. દિલ્હીની સમસ્યાઓ માટે તે કેન્દ્રને દોષિત ઠેરવી રહી હતી, પરંતુ જનતા જોઈ શકતી હતી કે આપ સરકાર પોતાના હિસ્સાનું કામ પણ કરી રહી નથી. દિલ્હીના લોકોએ પોતાની સમસ્યાઓ ઓછી થવાને બદલે વધતી જોઈ. આખરે ભાજપે દિલ્હીમાં સત્તા કબજે કરી. તે ૨૭ વર્ષ સુધી દિલ્હીમાં સત્તાની બહાર રહી. દિલ્હીમાં ભાજપ સત્તામાંથી બહાર થયા પછી, કોંગ્રેસે સતત ૧૫ વર્ષ સુધી શાસન કર્યું. ઈ. સ. ૨૦૧૩ની વિધાનસભા ચૂંટણીમાં, અણ્ણા આંદોલનમાંથી ઉભરી આવેલી નવી નવેલી આમ આદમી પાર્ર્ટીએ ૭૦ માંથી ૨૮ બેઠકો જીતીને ચમત્કાર સર્જયો હતો. જે કોંગ્રેેસને આપે સત્તામાંથી બહાર કાઢી હતી, તેણે જ ભાજપને સત્તાથી દૂર રાખવા માટે સરકાર બનાવવામાં મદદ કરી હતી. મુખ્યમંત્રી બનેલા અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ સાથેના મતભેદોને કારણે ૪૯ દિવસ પછી રાજીનામું આપી દીધું.
આ પછી, રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું અને ઈ. સ. ૨૦૧૫ માં જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ ત્યારે આમ આદમી પાર્ટીએ ૬૭ બેઠકો જીતીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. આ બધું એટલા માટે વધુ મહત્ત્વનું છે કારણ કે મિસ્ટર મોદી ઈ. સ. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ચિક્કાર બહુમતી સાથે વડા પ્રધાન બન્યા હતા. તેવી જ રીતે, ઈ. સ. ૨૦૨૦ માં પણ આપે ૬૨ બેઠકો જીતી હતી અને તે પણ ત્યારે, જ્યારે ઈ. સ. ૨૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને પ્રચંડ બહુમતી મળી હતી. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં આપ મુશ્કેલીમાં હોય તેવું લાગતું હતું, કારણ કે કેજરીવાલ સહિત તેના ટોચના નેતાઓ ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં ગયા હતા. આનાથી ભ્રષ્ટાચાર સામે લડતા નેતા તરીકે કેજરીવાલની છબીને ભારે નુકસાન થયું.
મુખ્યમંત્રી નિવાસસ્થાનના શૃંગાર-સજધજ પાછળ ૪૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચથી પણ જનતાને એવું લાગ્યું કે કેજરીવાલની કથની અને કરણીમાં ફરક છે. એવું લાગે છે કે કેજરીવાલે અણ્ણા હજારેની સલાહ પર ધ્યાન આપ્યું ન હતું કારણ કે રાજકારણ એક અંધારિયો ઓરડો છે, જેમાં સ્વહિતવચનો સંભળાતા નથી. ભ્રષ્ટાચાર સામે લડવાનો દાવો કરનારી પાર્ટી પર જ કૌભાંડોનો આરોપ લાગ્યો, તેનાથી મોટી વિડંબના બીજી કોઈ નથી. જો કે કેજરીવાલે એવું કહેવાનો પ્રયાસ કર્યો કે તેમના પર ખોટા આરોપો લગાવીને તેમને બદનામ કરવામાં આવ્યા છે, પરંતુ પરિણામો દર્શાવે છે કે જનતાએ તેમના ખુલાસાને સ્વીકાર્યો નથી.