ભારતીયો વિરુદ્ધ જાતિવાદ .
પશ્ચિમી દેશો અને એમાં પણ ખાસ કરીને યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતીયોને નિશાન બનાવતી રંગભેદની માનસિકતામાંથી ઉદભવતા સંઘર્ષોમાં તાજેતરમાં ચિંતાજનક વધારો થયો છે. આ સંઘર્ષો પશ્ચિમી સમાજનું છીછરાપણું ઉજાગર કરે છે. અમેરિકા આર્થિક રીતે વિકસિત અને તકનીકી રીતે ખૂબ પ્રગતિશીલ દેશ હોવા છતાં એ દેશમાં વસવાટ કરતા લોકોના સમુદાયો વચ્ચે સામાજિક વિભાજન વધ્યું છે. નકશા અને આંકડા મુજબ તો યુનાઇટેડ સ્ટેટ્સ અજેય દેખાય છે. તેની અર્થવ્યવસ્થા ઝડપથી મજબૂત થઈ રહી છે અને ચીન જેવા હરીફોને પાછળ રાખી રહી છે. ચીન કરતા અમેરિકામાં રેશિયો મુજબ યુવાનોની સંખ્યા વધુ છે. ખાનગી ક્ષેત્ર અને મજબૂત બજારો પૂરા જોશથી આગળ વધી રહ્યાં છે, પણ આ બધી સિદ્ધિઓ ઉપર સામાજિક અસ્થિરતાનો ઘેરો પડછાયો પડે છે.
શ્વેત અમેરિકનોના સમુદાયોમાં અસંતોષની લાગણી પ્રવર્તે છે. તેમના હક્કનું કોઈ છીનવી રહ્યું છે એવી નિરાશા અમેરિકન નાગરિકોને ઘેરી વળી છે. આ હતાશા રાજકીય રીતે ડોનાલ્ડ ટ્રમ્પની 'મેક અમેરિકા ગ્રેટ અગેઇન' ઝુંબેશ જેવી હિલચાલ દ્વારા વધુ દ્રઢ થઈ છે. બીજા દેશના લોકો પ્રત્યે અણગમો જેને ઇંગ્લિશમાં ઝેનોફોબીયા કહેવાય છે. પશ્ચિમી દેશો ઝેનોફોબિક થઈ રહ્યા છે. ભારતીયો કે અમેરિકામાં જન્મેલા ભારતીય-અમેરિકનોને નિશાન બનાવતા જાતિવાદી હુમલાઓ વધી રહ્યા છે. હુમલાઓ વધવાનું કારણે ટ્રમ્પે આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ બાબતે વ્હાઇટ હાઉસના વરિષ્ઠ નીતિ સલાહકાર તરીકે શ્રીરામ કૃષ્ણનની નિમણૂક કરી. ભારતીયો માટે આ પૂર્વગ્રહ પ્રેરિત દુશ્મનાવટ નવી નથી. ઐતિહાસિક રેકોર્ડ્સ તપાસીએ તો ૧૯૧૦ના 'ડેટ્રોઈટ ટાઈમ્સ' ના અહેવાલમાં, ભારતીય ઈમિગ્રન્ટ્સને 'પૂર્વનો મેલ' તરીકે બદનામ કરવામાં આવ્યા હતા. તે યુગની ભાષા આજની દુશ્મનાવટને પણ પ્રતિબિંબિત કરે છે. અમેરીકાની ટેકનોલોજી ઇન્ડસ્ટ્રી માટે બહુ જરૂરી એવા H1B વિઝા જેવા મુદ્દાઓ પર અમેરિકનો ભારતીયોને દુશ્મન જેવા માનવા લાગ્યા છે.
મોટાભાગના ભારતીયો સૌથી વધુ કુશળ અને કાયદાનું પાલન કરનારા ઇમિગ્રન્ટ્સ છે, પણ અમેરિકનો સાથે આર્થિક સ્પર્ધા થતી હોવાને કારણે ત્યાંની સ્થાનિક પ્રજાનો આક્રોશ ભારતીયો ઉપર ઠલવાય છે. કાયદેસર રીતે યુએસમાં પ્રવેશ્યા હોવા છતાં અને AI અને ITજેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોવા છતાં, ભારતીયો પર 'અમેરિકન નોકરીઓની ચોરી' કરવાનો આરોપ છે. ટ્રમ્પને ભારતીયો સામે વાંધો નથી, પરંતુ તે ગેરકાયદે ઇમિગ્રેશનનો સખત વિરોધ કરે છે. હવે ટ્રમ્પ સરકારનું એક સેક્શન લીગલ ઇમિગ્રન્ટ્સને પણ નિશાન બનાવે છે જેમાં ખાસ કરીને ભારતીયોનો સમાવેશ થાય છે જે H1B વિઝા પ્રોગ્રામ પર પ્રભુત્વ ધરાવે છે. ભારતીય પ્રોફેશનલ્સ, જેઓ સિલિકોન વેલીના કર્મચારીઓનો ત્રીજા ભાગનો હિસ્સો ધરાવે છે, તેઓ અમેરિકાની ટેકનોલોજીના સંવર્ધન માટે જરૂરી છે.
વિરોધાભાસ જુઓ કે ઇલોન મસ્ક જેવા લોકો પોતે એક સમયે H1B વિઝાધારક હતા તે હવે ભારતીયોનો વિરોધ કરે છે, કારણ કે તે લોકોને હવે લોકલ ટેલેન્ટનો અભાવ લાગે છે. તેમ છતાં કટ્ટર અમેરિકનોના હુમલાઓ અટક્યા નથી. તેમનો ગુસ્સો ઉચ્ચ કુશળ ભારતીય વ્યાવસાયિકો દ્વારા 'આઉટક્લાસ' થઈ ગયા હોવાની લાગણીથી પ્રેરાયો છે. ચોંકાવનારી બાબત એ છે કે જમણેરી અમેરિકનો અને ડાબેરી અમેરિકનો ભારતીયો વિરુદ્ધ એક થઈ ગયા છે. જમણેરી વિચારધારામાં વંશીય શ્રેષ્ઠતાનું તત્વ રહેલું જ હોય, પણ ત્યાંની ડાબેરી વિચારસરણી પણ ભારતીયોને નુકસાન કરી રહી છે. તે બંને પક્ષો ભેગા મળીને ભારતીયોને શોષણ કરનારાઓ તરીકે ચીતરી રહ્યા છે.
ઉદાહરણ તરીકે, 'ધ ન્યુયોર્ક ટાઈમ્સ' જેવા મીડિયા આઉટલેટ્સે એવી માન્યતાઓને દ્રઢ કરી નાખી છે કે H1B વિઝાધારકો અમેરિકી કર્મચારીઓની નોકરી લઈ લે છે, કારણ કે તેઓ સસ્તા પગારે કામ કરવા તૈયારી દર્શાવે છે. ભારતીયો અને એમાં પણ ખાસ કરીને હિન્દુઓ ઘણા મોરચે રંગભેદની નીતિનો સામનો કરે છે. અમેરિકામાં સૌથી ધનાઢય અને સૌથી વધુ શિક્ષિત ઇમિગ્રન્ટ જૂથ તરીકે, તેઓ ડાબેરીઓ અને જમણેરીઓ દ્વારા પ્રમોટ કરાયેલી થિયરીને ખોટી સાબિત કરે છે. તેમની સરેરાશ ઘરગથ્થુ આવક સરેરાશ યુ.એસ. નાગરિક કરતાં બમણી છે. અમેરિકાના ટેકનોલોજી, વિજ્ઞાાન અને વ્યવસાય ક્ષેત્રોમાં તેમનું યોગદાન અજોડ છે.