ઘર ઘર કી કહાની .
દેશમાં બેરોજગારી જ એટલી છે કે પહેલી નજરે એમ લાગે કે શહેરી શું અને ગ્રામીણ શું ? પરંતુ તાજેતરના નવા સંશોધનો અને સર્વેક્ષણો બતાવે છે કે શહેરી બેરોજગારીમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. શહેરી જીવનરીતિ જ એવી છે કે એમાં અમુક હદથી વધારે કરકસર લોકોને ફાવતી નથી. કારણ કે અનિવાર્ય ખર્ચ જ બહુ વધારે હોય છે. આજે ખ્યાલ આવે છે કે કરોડોનો નફો અને એનાથીય વધુનો વેપાર કરનારા પ્રાચીન ગુજરાતી વેપારીઓની જીવનશૈલી કેટલી સાદગીપૂર્ણ હતી. તેજી અને મંદી તો બજારનું ચક્ર છે ને એ ફરતું જ રહે છે. એનો પ્રભાવ જીવન પર ન પડે એની સાવધાની રાખવા માટે જ જૂની પેઢીઓ સર્વ ઠાઠમાઠથી સદા મુક્ત રહેતી હતી. કલિકાળનો એક આવો પણ કોરોનાકાળ જેવો પેટાકાળ હશે તે કોઈ જાણતું ન હતું. હવે ડોનાલ્ડ ટ્રમ્પને કારણે નવી વૈશ્વિક સંભવિત મંદીએ આંતરરાષ્ટ્રીય ક્ષિતિજે દેખા દીધા છે. નોકરી વાંચ્છુક યુવાનોએ સાવ નવેસરથી પોતાની ફાઇનાન્સિયલ જિંદગી પર વિચારવાનો હવે અવસર આવી ગયો છે. બેરોજગારી હવે ભારતમાં ઘર ઘર કી કહાની છે.
વ્હોટ વરિઝ ધ વર્લ્ડ નામના નવા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય શહેરી નાગરિકો બેરોજગારીને સૌથી મોટી સમસ્યા તરીકે જોવા લાગ્યા છે. વિદ્યા પ્રવૃત્તિ અને યુનિવર્સિટીઓ પરની તેમની શ્રદ્ધા સાવ ઓસરી ગઈ છે. શહેરી લોકોએ એ રહસ્ય જાણી લીધું છે કે કંઈ પણ ભણતર પૂરું કરો અને ગમે તેટલી શૈક્ષણિક મહેનત કરો તો પણ છેવટે તો તમારે અભ્યાસને આધારે નહિ પરંતુ તમારી પોતાની જુદી જ તાકાતને આધારે નોકરી મેળવવાની છે. આ જુદી જ તાકાત એટલે સાવ બોટમ લાઈનથી કોઈ પણ કામ ઉપાડી લેવાની તૈયારી. એવું પણ નથી કે બજારમાં કામ નથી. કામ છે પરંતુ એને દિલથી કરનારા યુવાનો લઘુમતીમાં છે. થોડી ચાલાકી કે ઓવર કોન્ફિડન્સ કે ઊંચી ઊંચી વારતાઓ ક્યાંય ચાલતી નથી. સખત કામ કરવાનું અને ચોકકસ પરિણામો લાવી આપવાના હોય તો જ હવે નોકરીનું સપનું જોઈ શકાય. દેશના વિરોધ પક્ષો કે પ્રાદેશિક પક્ષો પાસે પણ બેરોજગારી અંગેનો કોઈ ડેટા નથી કે એમની કોઈ રજૂઆત નથી. લાખો નોકરીઓ આપવાની દંતકથા હવામાં તરતી રહે છે.
દુનિયામાં પચાસથી વધુ દેશો બેરોજગારીનો ગંભીર રીતે ભોગ બની ચૂક્યા છે. ભારતીય અર્થતંત્રની હાલત બિસ્માર છે. પરંતુ બેરોજગારીની હાલત તેનાથી પણ વધુ કંગાળ છે. ભારતીય અર્થતંત્ર માટે પ્રાર્થના કરી શકાય પરંતુ રોજગારીની સ્થિતિ ઉપર તો દયા ખાવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. એમાં પણ રોજગારની હાલત બે અંતિમ છેડાઓ વચ્ચે પીસાઈ રહી છે. ગ્રામ વિસ્તારની બેરોજગારી એક અલગ પ્રશ્ન છે અને શહેરીજનો ઉપર લટકતી બેરોજગારીની તલવાર અલગ સવાલ છે. બંને પ્રદેશના યુવાનો અને વયસ્કો જે નોકરી ઉપર પોતાનો ઘરસંસાર ચલાવે છે તે નોકરી પણ અત્યારે તો ડામાડોળ થઈ રહેલા ભારતીય અર્થતંત્રને કારણે અસ્થિરતા અનુભવી રહી છે. નોકરી કરવા કરતા નોકરી જતી રહેવાનો તણાવ ભારતના નોકરિયાતો ઉપર વધુ છે. આ વખતની ચૂંટણીનો પ્રચાર બતાવે છે કે દેશના યુવાનો હવે રાજકીય પક્ષોના ચમચા બનવા તૈયાર નથી. તેઓ વિધવિધ પક્ષો સાથે છેડો ફાડીને વ્યક્તિગત રોજગારી મેળવવામાં ધ્યાન આપવા લાગ્યા છે.
પહેલા યુવાનો કહેતા કે અચ્છી જોબ મિલ જાયે તો અચ્છા હૈ. હવે તેઓ કહે છે કે કોઈ ભી એક જોબ મિલે તો અચ્છા હૈ યાર ! આઝાદી પછી પહેલી વખત એવો સમય આવ્યો છે જેમાં નોકરી શોધવા માટે અને મળેલી નોકરી હાથમાંથી ચાલી ન જાય એ માટે સમાન કશમકશ કરવી પડે છે. વ્હોટ વરિઝ ધ વર્લ્ડના અહેવાલમાં આશ્ચર્યજનક રીતે એક તારતમ્ય એવું પ્રગટ થયું છે કે અનેક વિકરાળ પ્રશ્નો અને રાજનેતાઓની ખતરનાક રીતે પથરાયેલી શતરંજ વચ્ચે પણ સિત્તેર ટકા લોકો એમ માને છે કે ભારત અત્યારે સાચા રસ્તે આગળ ધપી રહ્યો છે. એટલે કે જે રીતે દેશનું સંચાલન થાય છે અને જે ઘટનાક્રમો જાહેર જીવનમાં આકાર લઈ રહ્યા છે તે યોગ્ય જ છે અને એ પ્રક્રિયા દ્વારા જ ભારત નવી ઊંચાઈએ પહોંચશે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના રોજગારી ઉપરના આંકડા આવતા રહે છે, જેને કેન્દ્ર સરકાર પણ નકારી શકતી નથી.