પોષની કાતિલ ઠંડી .
પોષની કાતિલ ઠંડી સમગ્ર ભારત પર છવાઈ ગઈ છે. હવે થોડા દિવસોમાં પોષની રમણીય પૂનમનો ઉદય થશે. શિયાળામાં પૂર્ણિમાની મધ્યરાત્રિએ ચન્દ્ર અગાસીમાં ઢોળાયેલો પડયો છે. એના પરમ શીતળ અભિષેકને ઝિલનારું કોઈ નથી. એક તો ચન્દ્ર સ્વયં શીતળ છે. એના દર્શન કરતા શિશુને એ બરફનો નિઃરંગી ગોળો લાગે. વળી રાત્રિઓ પણ બરફિલી હવાઓમાં જલપરીની જેમ તરી રહી છે. કોઈના ઘરની છતમાંથી ચાંદરડું થઈને ભીતર જંપી ગયેલી વયઃસંધિતાના ગાલ પર ઝબક અવતરવું એ ચન્દ્રનો એક અલગ અવતાર છે. ગામકાંઠાના તળાવના થીજી જવા આવેલા જળ પર રાતભર ચન્દ્ર વિહાર કરે છે. ચન્દ્રબિંબના તિલકથી સરોવરો જાણે કે રાજ્યાભિષેક પામ્યા હોય એવા યૌવનસભર દેખાય છે. પૂનમની રાતનો આનંદ માણનારો એક અલગ ચાહક વર્ગ છે પરંતુ શીતકાળની પૂર્ણિમાના સૌન્દર્યનો આસ્વાદક તો લાખોમાં કોઈ એક હોય છે.
શિયાળાની રાતના જાગરણ કરનારા કોણ હોય છે ? જેનો પતિ પરદેશ ગયો છે એવી કોઈ વિરહિણી પ્રોષિત ભર્તૃકા હોય... દેશાવર ગયેલો દીકરો આજે આવવાનો હોય એવી માતા હોય... સાસરિયે ગયેલી દીકરી દુઃખી હોય એવો કોઈ મુંઝવણથી ઘેરાયેલો પિતા હોય... જે હજુ પોતાને જ સમજી ન શકતી હોય એવી કોઈ બારી પાસે ઊભા રહી ક્ષિતિજને તાકતી નવયૌવના હોય...! વયોવૃદ્ધ માતપિતાની સેવામાં જોડાયેલા પરિવારજનો પણ જાગતા હોય. ચન્દ્ર એકલયાત્રિક છે. અસંગનો રંગ સદાય શ્વેત અને શાન્ત હોય છે એની નભજાહેર પ્રતીતિ છે આ ચન્દ્ર.
પ્રાકૃત કવિએ લખ્યું કે પૂર્ણિમાની રાતે બિલાડી, ખાલી વાટકામાં દૂધ હોવાનો ભ્રમ થતાં એને વારંવાર વ્યર્થ ચાટી રહી છે ! એક તો શીતકાળ અને એની પણ રાત્રિ ને એના પર ચાંદનીનો ચંદન શો શીતળ લેપ...! દિશાઓમાં શૂન્યતાનો ઉજાસ પથરાયો છે. પંખીઓના બચ્ચાં માળાની બહાર ડોકિયું કરીને વહેલી સવારના અણસારે ક્યારેક કલબલ કરે છે ને એની માતા એને પોતાની પાંખોના ઘેરાવામાં ઢબુરી દે છે.
વહેતી નદીઓના ઘુનાઓની સપાટી પરના તરંગોમાં આકાશ ઝલમલ થતું ને ચન્દ્રિકા પોતાનો આકાર ઘડવાની મથામણમાં ઊંચક-નિચક થતી દેખાય છે, જાણે કે પોતાના ઉચ્છવાસને સાંભળતી કોઈ વનલતા ન હોય શેરીઓમાં ભલે નિરખનારું કોઈ ન હોય પણ ધૂળની રૂપેરી ચાદરમાં રસ્તાઓ છુપાઈ ગયા છે. લીંપણ કરેલા ઘરના ચોખ્ખા આંગણામાં બાળક મેલાઘેલા પગલા પાડે એમ શેરીના શ્વાન રજતપટ સરીખા પંથે ધન્યતાની, લટાર લગાવી રહ્યા છે. ગામ આખું જેમાં સંતાયું છે એ રજાઈનો ટુકડો પણ એના ભાગે આવે એમ નથી. રાતે શ્વાનની આંખો તો કહેવા ખાતરની જ હોય, એ તો કાન પર જ રાત જીવે છે.
એની આંખને ચાંદનીના આ આસવની શી તમા ? સહુ સમાન રીતે જ અભાન છે ને એકલી ગામ વચ્ચેથી વહી જાય છે એક રૂપેરી નદી ! જે સવાર થતાં સુધીમાં સમુદ્રને નહિ, આભને ઓળંગીને ચન્દ્રમાં ફરી પાછી વિલીન થઈ જાય છે. ચન્દ્ર સાથે જેને સંબંધ નથી એ સૌન્દર્યના અનુપાનમાં સહુથી દરિદ્ર છે. જેના ચિદાકાશમાં સદાય ચન્દ્રતેજ મુખરિત હો એના સંગાથની વેળા સદાય નિંરાતનો અનુભવ આપે છે. માતાના ખોળેથી ઉતરી પિતાની આંગળીએ જગતના ચોકમાં પગ મૂક્યા પછી એ ચન્દ્રકિરણ શી નિંરાત પ્રિયજનના નેત્રપલ્લવમાં મળે, સાધુની વાણીમાં મળે કે દૂરથી સંભળાતા એકતારામાં મળે. એય મળે તો મળે. યુવાની પસાર કરી ચૂકેલી પત્નીને ચાહવામાંથી મળે કે વીસરાયેલું કોઈ ગીત ફરી હૃદય ગુંજી ઉઠે તો એમાં પણ મળે. ચન્દ્ર આપણી રાત્રિઓની એક નિંરાતવી શોભા છે. આ શીતકાળમાં એ દ્વિગુણિત થઈ મનને આહલાદક અનુભવ આપે છે.
રાત્રિના સૌન્દર્યથી વિમુખ થવા જેવું નથી. મોબાઈલ ફોન આવ્યા પછી અપરાધ વિના પણ લોકો નીચું માથું રાખીને જિંદગી પસાર કરી રહ્યા છે. માથું ઊંચું રાખવા જેવું છે. ઘણીવાર ઘરમાં પથરાયેલો બાળકોનો શૈશવરૂપી વૈભવ પણ આજના દંપતીની નજરે ચડતો નથી. વેકેશન કે જે બાળકોનો પ્રમુખ આનંદ છે એ વાલીઓને કંટાળાજનક લાગે તો એ એમના પતનની નિશાની છે.