Get The App

કુદરતી આપત્તિના એંધાણ .

Updated: Feb 8th, 2025


Google NewsGoogle News
કુદરતી આપત્તિના એંધાણ                            . 1 - image


કુદરતનો ક્રમ બદલાયેલો છે. બહુ બારીક નજરે જોશો તો ખ્યાલ આવશે કે કેટલાક વૃક્ષો કોઈ પણ કારણ વિના સૂકાઈ ગયા છે, જાણે કે બળી ગયાં ન હોય! ગુજરાતનાં જંગલોમાં થોડા થોડા અંતરે વૃક્ષ સૂકાઈ ગયેલાં જોવા મળે છે. આમ થવાનું રહસ્ય કોઈ જાણતું નથી. આ એક નોટિસ છે. જો મનુષ્ય એને ધ્યાનમાં નહીં લે તો કુદરત વધુ કોપાયમાન થઈ શકે છે. એકવીસમી સદીનો આ ત્રીજો દાયકો ચાલુ થયો ત્યારથી આખી પૃથ્વી પર પ્રાકૃતિક ઉત્પાત જોવા મળે છે. તમામ મોસમ વેરવિખેર થઈ ગઈ છે. મોસમનો મૂળ સ્વભાવ અને ચરિત્ર વિચ્છિન્ન થઈ ગયા છે. ઈ. સ. ૨૦૨૦ના નવા દાયકાની શરૂઆત જ હજારો-લાખો એકરના સળગતા જંગલો વચ્ચે થઈ હતી. પચાસ હજાર ચોરસ કિલોમીટરની આગથી થયેલા નુકસાનનો હિસાબ કરતા ઓસ્ટ્રેલિયન સરકારને એક વરસ લાગ્યું હતું. હજુ તાજેતરની કેલિફોર્નિયાની આગનો હિસાબ પણ બાકી છે.

ચોતરફ કુદરતી આપત્તિના ગુપ્ત એંધાણ પર્યાવરણવિદોને દેખાય છે. લોકજીવન તરફ નજર નાંખો તો ખ્યાલ આવે કે સહેજ પણ ચિંતા વિના લોકો જિંદગી પસાર કરે છે. જે ચિંતા છે તે પોતાની અંગત છે. પ્રકૃતિની કોઈને કંઈ પડી નથી. આપણી માનસિકતા એવી છે કે કેલિફોર્નિયાના સીમ-સીમાડા સળગ્યા પણ એ આગ અહીં થોડી આવવાની છે? પરંતુ એ આગ અહીં આવી શકે છે, કારણ કે આ આગ પૃથ્વી નામના આપણા સહિયારા ઘરમાં લાગેલી આગ છે. કોઈ બીજા ગ્રહ કે ઉપગ્રહ પરનો આ ધૂમાડો છે. હવે પછી આવનારાં તમામ વરસોમાં કુદરત રુઠેલી રહેવાની છે. એક વાત એ ધ્યાનમાં લેવા જેવી છે કે દરેક આપત્તિમાં હવે બચાવ કામગીરી ધીમી પડતી જાય છે. એટલે કે કુદરતી સંકટ આત્યંતિક હોય છે. હવે કુદરત આગાહીઓને વશ નથી. ભલે હવામાન ટેકનોલોજી વધી, પરંતુ અંદાજ ખોટા પડે છે. ગત દિવાળી પછી પૂનાની વેધશાળાએ સ્પષ્ટ કહ્યું હતું કે આ વખતે તો શિયાળો હૂંફાળો રહેવાનો છે, બહુ ઠંડી તો પડવાની જ નથી! એ વિધાનો સાવ અવૈજ્ઞાાનિક સાબિત થયા અને શિયાળો નિયમસરનો કાતિલ નીવડયો છે.

જો કે ગ્લોબલ વોર્મિંગનો તો અર્થ જ એ છે કે ખૂબ જ ઠંડી અને અસહ્ય ગરમી. હવે અરબી સમુદ્ર પર જે ઝંઝાવાતો આકાર લે છે એની દિશા સતત ફરતી રહે છે. અણધારી આપત્તિનો આ અણસાર છે. આગાહીઓ ઉપરાઉપરી ખોટી પડી રહી છે. મોસમનો આહલાદ હવે બધા માણી શકે એમ નથી. કુદરતે તેનાં તમામ સર્જનોમાં મનુષ્યને મુઠી ઉંચેરુ સ્થાન આપતાં તેને બુદ્ધિરૂપી વિશેષતા બક્ષી છે. આ જ બુદ્ધિને બળે મનુષ્ય પોતાને માટે, કુદરતનાં તમામ સર્જનોને માત્ર ને માત્ર પોતાની ભૌતિક સુખ-સુવિધાનાં સાધનો જ માનતો આવ્યો છે. તેને વિના મૂલ્યે મળેલી અમૂલ્ય પ્રાકૃતિક સંપદાના વપરાશમાં તે કોઈ પ્રમાણભાન જાળવી શક્યો નથી, જેના કારણે કુદરતનું જે ચક્ર અત્યાર સુધી એક નિયત મંથર ગતિએ ચાલી રહ્યું હતુ, તેમાં હવે થોડા થોડા અંતરાયો આવવા માંડયા છે. રૌદ્ર એ પણ કુદરતનું એક સ્વરૂપ છે.

પોષતું તે જ મારતું એવું બ્રહ્મ-સનાતન સત્ય જાણે આવનારા ભવિષ્યની વાસ્તવિકતા બનીને આજે સમસ્ત માનવ સમાજની સામે આવીને ઉભું છે. જે પ્રકારે ઘરવપરાશના યંત્રોની પણ સમયાંતરે જાળવણી કરવામાં ન આવે તો, જે સ્થિતિ સર્જાય છે, તેવી જ સ્થિતિ હાલ વૈશ્વિક વાતાવરણમાં જોવા મળી રહી છે. હવાના બદલાયેલા રુખ અને પ્રકૃતિના મિજાજમાં આવેલા પરિવર્તનને પામી ગયા પછી સમય વર્તે સાવધાન થવાની આ ઘડી છે. કેલેન્ડરમાં દેખાતા મહિનાને અને વાતાવરણ વચ્ચેની સંગતતા હવે ખૂબ જ ઓછી જોવા મળશે. ક્યારેક અનરાધાર વરસાદ, તો કદીક અચાનક જ ઘેરી વળતી કાતિલ ઠંડી અને તડાતડ પડતા કરાને જોઈને ઘણી અનુભવી આંખો આશ્ચર્યથી પહોળી થઈ જતી હોય છે. રણપ્રદેશમાં નદીઓ વહી જાય તેટલો વરસાદ અને લીલાછમ્મ વિસ્તારનું ધૂળિયા રંગમાં રૂપાંતર એ વાતનો સંકેત છે કે કુદરતે હવે મનુષ્ય સાથેનો તેનો હિસાબનો ચોપડો ખોલી નાંખ્યો છે. ઠંડીએ ગયા વરસે દિલ્હીમાં છેલ્લા સવાસો વરસના ઈતિહાસનો નવો વિક્રમ રચી આપ્યો હતો.

સંયુક્ત રાષ્ટ્રસંઘના નેજાતળે કામ કરતા સંશોધકોના જૂથે ગહન અભ્યાસ પછી જાહેર કર્યું છે કે વીતેલો દાયકો ધગધગતો હતો. આ સંશોધકોએ કહ્યું કે ભીષણ ગરમી અને વિકરાળ ઠંડી માટે દુનિયાના દરેક દેશે તૈયાર રહેવું પડશે. પૃથ્વીના સરેરાશ તાપમાનમાં એટલો વધારો થયો છે કે જળ, વાયુ, જંગલો, નદીઓ, સરોવરો અને કૃષિમાં વિવિધ ઉથલપાથલ મચેલી છે અને હવેનાં વરસોમાં એમાં નવી અને અકલ્પિત અરાજકતાઓ વિશ્વસમુદાયે જોવાની છે. માણસજાત બધું જુએ છે અને સમજે પણ છે કે કુદરત ખિન્ન છે પરંતુ તે એમ માને છે કે એમાં મને કંઈ સીધું નુકસાન નથી. એટલે મનુષ્યની વ્યક્તિગત જિંદગીમાં કોઈ ફેરફાર થતો નથી.


Google NewsGoogle News