Get The App

અમેરિકી પતનના સંકેતો .

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
અમેરિકી પતનના સંકેતો                                            . 1 - image


એવું કહેવાય છે કે યુએસ અર્થતંત્ર ઈ. સ. ૨૦૧૦થી યુરોપ કરતાં બમણી ઝડપે વિકાસ કરી રહ્યું છે અને તેનું કારણ યુરોપમાં સરકારની દખલગીરી છે. સવાલ એ છે કે શું યુરોપિયન નાગરિકોની સ્થિતિ અમેરિકનો કરતાં વધુ ખરાબ થઈ રહી છે? યુરોપ અને અમેરિકાના રહેવાસીઓની ખુશી અને સંતોષની સરખામણી કરવામાં બહુ મહેનત કરવી પડતી નથી. યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દાયકાઓથી સમયાંતરે 'માનવ વિકાસ અહેવાલ' પ્રકાશિત કરે છે. વર્ષ ૨૦૨૩-૨૪ના તાજેતરના નવા અહેવાલ મુજબ, માથાદીઠ રાષ્ટ્રીય આવકના આધારે અમેરિકા વિશ્વમાં નવમા ક્રમે છે, પરંતુ માનવ વિકાસ સૂચકાંકના આધારે તેનું સ્થાન ઘટીને ૨૦મું છે. માનવ વિકાસ સૂચકાંકમાં યુરોપના ૧૨ દેશો અમેરિકા કરતાં આગળ છે, જેમાંથી ૭ દેશો બિન-યુરોપિયન પણ સમાવિષ્ટ છે.

શું માનવ વિકાસ સૂચકાંક વધુ મહત્વપૂર્ણ છે? આર્થિક વિકાસમાં યુએસ કરતાં પાછળ હોવા છતાં આ ૧૨ યુરોપિયન દેશોના નાગરિકો કેવી રીતે વધુ સારા છે? માનવ વિકાસ સૂચકાંક સુખાકારીના ત્રણ પાસાઓ પર આધારિત છે - લાંબા અને સ્વસ્થ જીવનની સંભાવના, રહેવાસીઓની મહત્તમ જ્ઞાાન સુધી પહોંચ અને તેમનું સમગ્ર જીવનધોરણ. સમાન મહત્ત્વના આ ત્રણ પાસાઓનું મૂલ્યાંકન નીચેના પરિમાણોના આધારે કરવામાં આવે છે : આયુષ્ય, શૈક્ષણિક પ્રાપ્તિની અપેક્ષિત અવધિ અને ૨૫ વર્ષથી વધુ ઉંમરના રહેવાસીઓની શૈક્ષણિક પ્રાપ્તિ અને માથાદીઠ રાષ્ટ્રીય આવક. એટલે કે માથાદીઠ રાષ્ટ્રીય આવકનો પણ 'માનવ વિકાસ સૂચકાંક'માં સમાવેશ થાય છે, તેની અવગણના કરવામાં આવી નથી, પરંતુ તેને સુખનો એકમાત્ર માપદંડ માનવામાં આવ્યો નથી. હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્સમાં અમેરિકાનું પાછળ રહેવું સ્પષ્ટપણે દર્શાવે છે કે આ ત્રણ મહત્ત્વના પાસાઓના એકંદર મૂલ્યાંકનમાં અમેરિકા યુરોપના ૧૨ દેશો કરતાં પાછળ છે.

ઉદાહરણ તરીકે, યુનાઇટેડ સ્ટેટ્સમાં અપેક્ષિત આયુષ્ય ૭૮.૨ વર્ષ છે, એટલે કે આજે જન્મેલ અમેરિકન બાળક સરેરાશ ૭૮.૨ વર્ષ જીવશે. યુરોપના તમામ દેશોમાં જન્મેલા બાળકો આના કરતાં વધુ જીવશે. યુરોપમાં સરેરાશ આયુષ્ય ૮૪.૭ વર્ષ છે. એટલે કે અમેરિકન બાળક યુરોપમાં જન્મેલા બાળક કરતાં ૬.૫ વર્ષ ઓછું જીવશે. એક અમેરિકન બાળક ૧૬.૪ વર્ષનું શિક્ષણ મેળવવાની અપેક્ષા રાખી શકે છે, જ્યારે યુરોપના ૧૧ દેશોમાં બાળકો વધુમાં વધુ ૧૯.૨ વર્ષ સુધીનું લાંબુ શિક્ષણ મેળવશે. યુરોપિયન બાળકો અમેરિકન બાળકો કરતાં ૨.૮ વર્ષ વધુ શિક્ષણ મેળવી રહ્યા છે. વધતી આર્થિક વૃદ્ધિના સમયગાળા દરમિયાન અમેરિકાના માનવ વિકાસમાં કેટલો સુધારો થયો છે? શું તે યુરોપથી પાછળ છે કે પોતાની ઊંચાઈ જાળવી શકે છે? અમેરિકાનું માનવ વિકાસ મૂલ્ય વધ્યું છે, પરંતુ વિકાસ દર યુરોપના ૧૨ દેશો કરતાં ઓછો રહ્યો છે; આયર્લેન્ડનું માનવ વિકાસ મૂલ્ય યુએસના માનવ વિકાસ મૂલ્ય કરતાં ૪ ગણું ઝડપથી વધ્યું છે.

આના કારણે ઈ. સ.૨૦૧૫ અને ૨૦૨૨ વચ્ચે અમેરિકા માનવ વિકાસ સૂચકાંકમાં ૫ પગથિયા નીચે આવી ગયું છે. કદાચ યુરોપમાં આર્થિક વિકાસની ધીમી ગતિનું કારણ ગણાતી યુરોપિયન સરકારોની દખલગીરી યુરોપના નાગરિકો માટે શુભ બની રહી હશે! વાસ્તવમાં, જ્યારે યુએસ, યુરોપની તુલનાએ બમણી ઝડપથી વધી રહ્યું હતું ત્યારે અમેરિકનોની ખુશી ઘટી રહી હતી. એ જ સમયગાળામાં હેપીનેસ ઈન્ડેક્સ પતન તરફ જતો દેખાય છે. દેખીતી રીતે, અર્થતંત્રનું મૂલ્યાંકન ફક્ત તેના વિકાસ દર અથવા તેના કદના આધારે કરવું યોગ્ય નથી. દેશ અને તેની અર્થવ્યવસ્થાના સર્વગ્રાહી મૂલ્યાંકન માટે, અન્ય પાસાઓની પણ તપાસ કરવી જરૂરી છે. આનાથી એ પણ સાબિત થાય છે કે અર્થતંત્રમાં સરકાર અને સમાજની દખલગીરી હંમેશા નુકસાનકારક નથી હોતી. આ માત્ર અમેરિકા અને યુરોપને જ નહીં, ભારતને પણ લાગુ પડે છે.

હવે જ્યારે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે, ત્યારે એ યાદ રાખવું જોઈએ કે માનવ વિકાસ સૂચકાંકમાં ભારત ૧૩૪માં ક્રમે છે. શ્રીલંકા (૭૮), ભૂટાન (૧૨૫) અને બાંગ્લાદેશ (૧૨૯) જેવા પાડોશી દેશો આપણાથી આગળ છે. તેથી આજે જન્મેલું બાંગ્લાદેશી બાળક ભારતીય બાળક કરતાં ૬ વર્ષ લાંબુ, શ્રીલંકન બાળક ૯ વર્ષ અને નેપાળી બાળક કરતાં ૨.૮ વર્ષ લાંબુ જીવવાની અપેક્ષા રાખી શકે છે. દેખીતી રીતે, રાષ્ટ્રીય આવક કોઈપણ દેશ માટે એક મહત્વપૂર્ણ સૂચક છે, પરંતુ માત્ર તેના પર નિર્ભર રહેવું એ અજ્ઞાાનની નિશાની છે. અમેરિકા બહારથી ભૌતિક સુખ અને વૈભવમાં પોતાને આળોટતા જુએ છે પરંતુ પરદા પાછળની વાસ્તવિકતા એ છે કે પેલા બાર સુખી યુરોપિયન દેશોની તુલનામાં અમેરિકામાં ગર્ભાવસ્થા અને શિશુજન્મ સમયે સ્ત્રીઓનો મૃત્યુ દર દસગણો વધારે છે. વ્યર્થ હાસ્ય પાછળની અમેરિકી પ્રજાની અશ્રુધારા નવા આંકડાઓએ જગતના ચોકમાં છતી કરી છે.


Google NewsGoogle News