Get The App

ડોનાલ્ડ ટ્રમ્પનો પુનરોદય .

Updated: Nov 7th, 2024


Google NewsGoogle News
ડોનાલ્ડ ટ્રમ્પનો પુનરોદય                                        . 1 - image


ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં જીત મેળવે તેનું કોઈ આશ્ચર્ય નથી, કારણ કે તેની સામે પ્રતિસ્પર્ધી નબળાં હકાં, જેની તૈયારી પણ ઠોસ હતી નહીં. ટ્રમ્પે અમેરિકાના મોટાં મોટાં રાજ્યોમાં નોંધપાત્ર જીત મેળવી હતી. તે પેન્સિલવેનિયા, મિશિગન અને વિસ્કોન્સિનમાં કમલા હેરિસ કરતાં આગળ નીકળી ગયા ત્યારે જ દુનિયા સમજી ગઈ કે રિપબ્લિકન આગળ છે અને ડેમોક્રેટ્સ હતાશ થવા લાગ્યા હતા, કારણ કે તે રાજ્યો ઉપર જ ડેમોક્રેટ્સે મદાર રાખ્યો હતો. આ ત્રણ રાજ્યો વર્તમાન અમેરિકન રાજકારણમાં બ્લ્યુ વૉલ કહેવાય છે. ભારતમાં જેમ જાતિ આધારિત વોટ બેંક છે એમ અમેરિકાના બંને પક્ષોના જુદા જુદા ઉમેદવારોએ અલગ અલગ સમુદાયને પોતાની વોટ બેંક માની છે. કમલા હેરિસની આખી ટીમને પોતાની માની લીધેલી વોટ બેન્ક ઉપર ઓવર કોન્ફિડન્સ હતો.

ડેમોક્રેટ્સ હેરિસને જીત અપાવવા માટે આ રાજ્યો પર ગણતરી કરી રહ્યા હતા. તેમ છતાં ટ્રમ્પ આ બ્લ્યુ વૉલને તોડી પાડવા માટે સફળ રહ્યા. બપોર સુધીમાં હેરિસના ૨૨૪ મતની સામે ૨૬૭ ઈલેક્ટોરલ વોટ હતા જેને કારણે વધુ ગણતરીની પ્રતિક્ષા વિના વિક્ટરી સ્પીચ આપવાનો આરંભ કરી દીધો હતો. ડોનાલ્ડ ટ્રમ્પની છાપ વૈશ્વિક મીડિયામાં ખરડાયેલી હોવા છતાં તેમણે તેના ચૂંટણી પ્રચાર માટે નક્કર મુદ્દાને છોડયા ન હતા. દાખલા તરીકે, પેન્સિલવેનિયામાં, ટ્રમ્પે નોકરીઓ અને ફ્રેકિંગ (પર્યાવરણ અને ક્રૂડ ઓઇલ સંબંધિત અમેરિકા માટે બહુ મહત્વનો મુદ્દો) જેવા આર્થિક મુદ્દાઓ પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કર્યું.

ટ્રમ્પે ઈ. સ. ૨૦૧૬માં હિલેરી ક્લિન્ટન સામે જીત મેળવી હતી પણ તેના ચાર વર્ષ પછી ઈ. સ. ૨૦૨૦ માં બાઇડન સામે ટૂંકા માર્જીનથી હાર સ્વીકારવી પડી હતી. આ ચૂંટણીમાં પેન્સિલવેનિયા રાજ્યમાં લગભગ ૯૬% મતોની ગણતરી સાથે, તે હેરિસ કરતાં લગભગ ૨,૦૦,૦૦૦ કરતા વધુ મતોથી આગળ રહ્યા છે. અમેરિકાના મિશિગન રાજ્યમાં, ટ્રમ્પે મુસ્લિમ સમર્થકો સહિત વિવિધ સમુદાયોને અપીલ કરી. તેના કારણે ટ્રમ્પનું વલણ યુદ્ધવિરોધી છે તેવું પ્રતિપાદિત થયું. માટે મુસ્લિમ સમુદાયોના મત પણ તેમને મળ્યા. બીજા ઘણા સમુદાયોએ રિપબ્લિકન પાર્ટીના યુદ્ધવિરોધી વલણની પ્રશંસા કરી. આ રાજ્યમાં ૮૪% મતોની ગણતરી સાથે, ટ્રમ્પ હેરિસથી લગભગ ૩,૦૦,૦૦૦ મતોથી આગળ હતા. અન્ય મુખ્ય રાજ્ય વિસ્કોન્સિનમાં પણ ટ્રમ્પ આગળ રહ્યા છે. 

આ તમામ ક્ષેત્રોમાં, ટ્રમ્પની ઝુંબેશ અર્થતંત્ર, ઇમિગ્રેશન અને અપરાધ જેવા મુદ્દાઓ પર વધુ કેન્દ્રિત હતી. માટે અમેરિકાના ઘણા મતદારોને ટ્રમ્પ સામે નારાજગી હોવા છતાં હેરિસ કરતાં ટ્રમ્પ ઉપર પહેલી પસંદગી ઉતારી. અમેરિકન યુવાવર્ગને જે મુદ્દાઓ સૌથી વધુ અસર કરે છે તે બધા મુદ્દાઓ ઉપર ટ્રમ્પે ખૂબ ફોકસ કર્યું. ટ્રમ્પ સમર્થકો વડીલ વર્ગમાં આવે છે. યુવા મતદારોનો મોટો વર્ગ ટ્રમ્પ વિરોધી વલણ ધરાવે છે, પરંતુ વિરોધાભાસ એ છે કે ટ્રમ્પ સમર્થકો વધુ આક્રમક અભિગમ સાથે જાતે જ રિપબ્લિકન પાર્ટી માટે પરોક્ષ ચૂંટણી પ્રચાર કરી આપતા હોય છે. જ્યારે ડેમોક્રેટ્સના સમર્થકો ચૂંટણીના દિવસે મત આપવા જવામાં એટલો ઉત્સાહ નથી બતાવતા. ટ્રમ્પ સમર્થકો પકડી પકડીને વોટિંગ બુથ સુધી બધાને લઈ જતા હોય છે.

બીજું એક કારણ એ પણ છે કે એક છૂપો ભય હતો કે જો ટ્રમ્પ હારશે તો અમેરિકામાં તોફાન ફાટી નીકળશે. આ ભય અજ્ઞાાત હતો છતાં પણ જાહેર હતો. છેલ્લા બે મહિના દરમિયાન ટ્રમ્પ ઉપર ગોળીબાર પણ થયો અને તેની હત્યાની કોશિશો એક કરતાં વધુ વખત કરવામાં આવી. એ દરેક સંજોગોમાં ટ્રમ્પ એક હીરો તરીકે ઉભરી આવ્યા. આ બધા નાનાં મોટાં કારણોને લીધે કમલા હેરિસની હાર નિશ્ચિત હતી. અમેરિકામાં આ ચૂંટણીમાં લગભગ ૨૪ કરોડ ૪૦ લાખ મતદારો છે. ખાસ વાત એ છે કે એક તૃતિયાંશથી થોડા ઓછા એટલે કે ૭ કરોડ ૪૦ લાખ મતદારોએ વહેલું અથવા એડવાન્સ વોટિંગ સિસ્ટમ હેઠળ મતદાન કર્યું છે. ઈ. સ. ૨૦૨૦ની ચૂંટણીમાં અમેરિકાના માત્ર બે તૃતીયાંશ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ એક તૃતીયાંશ મતદારોએ વહેલા મતદાનમાં પોતાનો મત આપી દીધો છે.

હવે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સફળતાનો ફાયદો ભારતને પણ થશે. ભારતની ઝડપથી આગળ વધી રહેલી અર્થવ્યવસ્થાને ટ્રમ્પની જીતનો ફાયદો મળશે, કારણ કે ભારતની અર્થવ્યવસ્થા સ્થાનિક વપરાશ પર નિર્ભર છે. આ સિવાય ભારતને માલની નીચી કિંમતો, સપ્લાય ચેઈનમાં ફેરફાર અને વેપારના સંદર્ભમાં પણ ફાયદો થવાની શક્યતા છે. ડોનાલ્ડ ટ્રમ્પની આ જીત ભારતીય મીડિયમ આઈટી કંપનીઓ માટે પણ નવા રસ્તા ખોલી શકે છે.


Google NewsGoogle News