ટ્રમ્પની એશિયન નીતિ .
યુનાઇટેડ સ્ટેટ્સે ભારતની વિશાળ લોકતાંત્રિક વસ્તી અને તેના પડોશીઓ સાથે દાયકાઓ જુના નહીં, પણ યુગો જુના સંબંધોને જાણવા જોઈએ અને સંબંધોના મહત્ત્વને સમજવા જોઈએ, કારણ કે ટ્રમ્પ બીજી વખત અમેરિકાના પ્રમુખ બનશે ને વેપારથી લઈને ઘણા બધા ક્ષેત્રોમાં નીતિ બદલાવશે તો એની અસર દુનિયાના લગભગ બધા દેશોને થશે. ભારત પણ તેમાંથી બાકાત નહીં રહે! ભારતના પડોશી દેશો તાજેતરનાં વર્ષોમાં રાજકીય ઉથલપાથલનો સામનો કરી રહ્યા છે. શ્રીલંકા અને નેપાળમાં નવી સરકારોની રચના થઈ, ઈમરાન ખાને પાકિસ્તાનના વડા પ્રધાન તરીકેનું પોતાનું પદ ગુમાવ્યું, તાલિબાનોએ અફઘાનિસ્તાન પર નિયંત્રણ મેળવ્યું, મ્યાનમારના સૈન્યએ બળવો કર્યો અને બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન થયું. આમાંની દરેક ઘટના ભારતને સ્પર્શે છે.
૨૦૨૧ના સૈન્યના બળવાને પગલે મ્યાનમારમાં ચાલી રહેલી અશાંતિ અને બાંગ્લાદેશની આંતરિક અસ્થિરતાએ આ વિસ્તારને હાઈ એલર્ટ પર રાખ્યો છે. હવે ટ્રમ્પનું વહીવટીતંત્ર દક્ષિણ એશિયામાં કેટલો હસ્તક્ષેપ કરે છે તે જોવાનું રહ્યું. ઉદાહરણ તરીકે, બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારને અનૌપચારિક રીતે હટાવવાની કામગીરી યુએસ દ્વારા કરવામાં આવી હતી એ થિયરીને ઘણા દેશો આડકતરી રીતે સમર્થન આપે છે. તેવી જ રીતે, બર્મા એક્ટ (લ્લઇ ૫૪૯૭), જેને મ્યાનમારમાં જુન્ટા વિરોધી જૂથો દ્વારા આવકારવામાં આવ્યો છે તે, એ વોશિંગ્ટનના પ્રભાવને દર્શાવે છે.
ભારતે પશ્ચિમી દબાણો છતાં મ્યાનમારના લશ્કરી જુન્ટા સાથે સંબંધો જાળવી રાખીને શાંતિની હિમાયત કરીને વચલો રાજદ્વારી માર્ગ અપનાવ્યો છે. આ અભિગમથી ભારત અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો છે. ભારત હવે બાંગ્લાદેશમાં સુરક્ષાની ચિંતાઓ અને લઘુમતીઓ સાથેના વ્યવહારને કારણે નવી વચગાળાની સરકારથી સાવચેત છે. ગયા વર્ષે દિવાળી પર ટ્રમ્પે એક્સ પર બાંગ્લાદેશમાં લઘુમતીઓ સામેની હિંસાની નિંદા કરતું કડક નિવેદન મુક્યું હતું. વડાપ્રધાન મોદી સાથેની મિત્રતાનો ઉલ્લેખ કરીને તેમણે યુએસ-ભારત સંબંધોને મજબૂત બનાવવાનું વચન આપ્યું હતું. એ વિધાનોને સકારાત્મક સંકેત તરીકે જોવામાં આવતા હતા, પણ કેનેડા સિવાય યુ.એસ.માં પણ ખાલિસ્તાની જેવા અલગતાવાદી જૂથોની હાજરી જેવા બીજા અમુક વણઉકેલાયેલા મુદ્દાઓએ ભારત-અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પર પડછાયો પાડવાનું ચાલુ રાખ્યું છે.
મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકાર વોશિંગ્ટન સાથે હુંફાળા સંબંધો ધરાવે છે. જોકે, ટ્રમ્પ સાથે મુહમ્મદ યુનુસને ખાસ દોસ્તી નથી. ટ્રમ્પ તેના દુશ્મનોને ભૂલતા નથી એ આપણને ખબર છે. બાંગ્લાદેશ દ્વારા તાજેતરની ઉશ્કેરણી, જેમ કે કટ્ટરવાદી નેતા જશીમુદ્દીન રહેમાની હાફીની મુક્તિથી ભારતની ચિંતાઓ વધી છે, જેણે ભારત વિરોધી તત્ત્વોને પ્રોત્સાહન આપ્યું છે. આવી ઘટનાઓ ભારતની ઉત્તરપૂર્વીય સરહદો માટે સીધો ખતરો સાબિત થઇ શકે છે, જે ઇસ્લામિક કટ્ટરવાદ અને પ્રાદેશિક અસ્થિરતાને જન્મ આપે છે.
નેશનલ યુનિટી ગવર્નમેન્ટ (શેંય્) અને વંશીય સશસ્ત્ર જૂથો બર્મા એક્ટ હેઠળ લશ્કરી સહાય સહિત પશ્ચિમી સમર્થન પર ભારે આધાર રાખે છે. જોકે, ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ મ્યાનમારની પ્રતિકાર ચળવળને ટેકો નહીં બલકે ફટકો આપશે. મ્યાનમારના રખાઈન રાજ્યમાં કટોકટી તીવ્ર બની રહી છે. ૨૦૨૫ના મધ્ય સુધીમાં ૨૦ લાખથી વધુ લોકો ભૂખમરાના જોખમમાં છે. આનાથી પ્રદેશમાં સ્થળાંતર અને મિશનરી પ્રવૃત્તિમાં વધારો થઈ શકે છે. બાંગ્લાદેશનાં ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ અગાઉ બાંગ્લાદેશ, મ્યાનમાર અને ભારતના ઉત્તર-પૂર્વના સંભવિત ભાગોને આવરી લેતા અલગ ખ્રિસ્તી રાજ્ય બનાવવા માટે પશ્ચિમી દેશો ઉપર આરોપ મુક્યો હતો.
ઈન્ડો-પેસિફિકમાં ટ્રમ્પની નીતિઓ અજાણતા મ્યાનમારમાં ચીનનો પ્રભાવ વધારી શકે છે. જો યુ.એસ. સ્ટ્રેટ ઓફ મલક્કા જેવા વેપાર માર્ગો અવરોધિત હોવાથી, ચીન તેના માળખાકીય પ્રોજેક્ટ્સને વેગ આપી શકે છે, જેમ કે કુનમિંગ-ક્યોકફ્યુ રેલ લિંક, ક્યોકફ્યુ ડીપ સી બંદર સાથે જોડાય છે. આવા વિકાસથી બંગાળની ખાડીમાં તણાવ વધી શકે છે, ખાસ કરીને ભારતના આંદામાન અને નિકોબાર ટાપુઓ નજીક વધુ પેટ્રોલિંગ કરવું પડે. ઈ. સ. ૨૦૧૬માં ટ્રમ્પ સાથે મોદીની પ્રથમ વાતચીત દરમિયાન સ્થાપિત મૈત્રીપૂર્ણ સંબંધોને આધારે અનુમાન લગાવીએ તો ટ્રમ્પ ભારતની પૂર્વોત્તર સરહદોને પ્રાથમિકતા આપશે. ક્વાડ સમિટમાં ટ્રમ્પ હાજરી આપે તો ભારત પાસે તેના વ્યૂહાત્મક મહત્વને વધુ મજબૂત કરવાની તક છે.