નવા વરસના પડકારો .
ઈ. સ. ૨૦૨૪-૨૫ના બીજા ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિ દર ૫.૪% રહેવા છતાં દેશમાં બજારોમાં મોસમ જેવી જ ઠંડીની લહેરો છ. છેલ્લી ગત વરસની વિવિધ ચૂંટણીઓએ ભારતીય રાજકારણમાં સરેરાશ સ્થિરતાના સંકેતો આપેલા છે. ભારતનો જીડીપી હજુ આ ઠંડા બાઝાર વચ્ચે પણ તબક્કાવાર ઝડપથી વધવાની અપેક્ષા છે. આ નવા વરસમાં રોજગાર અને આરોગ્ય ક્ષેત્રે પડકારો ચાલુ રહેવાના છે. ચીન સાથે આંતરરાષ્ટ્રીય બાબતોમાં સુધારાની અપેક્ષા છે. ભારત સાથે ચીનની નાટયાત્મકતા ચાલુ રહી છે. કટ્ટર શત્રુતા છતાં ભારતીય વેપારીઓ અને પ્રજા ચાઈનિઝ માલનો ધૂમ ઉપાડ કરે છે. આ વિધિની વક્રતા નથી પરંતુ પ્રજાની સામુદાયિક મૂર્ખતા છે જેના ગંભીર પરિણામો ભારત પૂર્વ સરહદે ભોગવી રહ્યું છે.
વર્ષ ૨૦૨૪ને અલવિદા કહીને ૨૦૨૫ તરફ નજર કરીએ તો આપણે કંઈક રાહત અનુભવી શકીએ છીએ કે આગળનો માર્ગ ભલે પડકારોથી મુક્ત ન હોય, પરંતુ આશા અને વિશ્વાસના દીવા તેને પ્રજ્વલિત કરી રહ્યા છે.
૨૦૨૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ રાજકીય અસ્થિરતાનો જે ભય પેદા થયો હતો તે વર્ષના અંત સુધીમાં ખતમ થઈ ગયો. હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કર્યું છે કે ભાજપનો કમ સે કમ વોટબેન્કનો દબદબો યથાવત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અગાઉ જેવી નથી પરંતુ સાવ લુપ્ત પણ થઈ નથી. પાર્ટીએ કહ્યું કે તેઓ વડા પ્રધાન તરીકે તેમનો ત્રીજો કાર્યકાળ પૂર્ણ કરશે. પરંતુ ભાજપમાં જ આ જ ટર્મમાં અઢી વરસ પછી નવા વડાપ્રધાનને અજમાવવાની પડદાં પાછળની ગુપ્ત હિલચાલ ચાલુ છે. ઘણા અંગારાઓને હાઈકમાન્ડે ઠાર્યા છે. પણ આ વખતે શું થાય છે એ જોવાનું રહે છે.
જ્યાં સુધી દેશના આર્થિક વિકાસની ગતિનો સંબંધ છે, તેમાં તે હકીકત છે કે તાજેતરમાં તેમાં થોડો ઘટાડો થયો છે. વર્ષ ૨૦૨૪-૨૫ના બીજા ક્વાર્ટરમાં તે ઘટીને ૫.૪ ટકા પર આવી ગયો, જે છેલ્લા સાત ક્વાર્ટરમાં સૌથી નિમ્ન સ્તર છે. પરંતુ નોંધનીય છે કે આ ચૂંટણીનું વર્ષ હતું. તેથી, સરકારી ખર્ચમાં ઘટાડો એ એક મોટું પરિબળ હતું. નિષ્ણાતોનું માનવું છે કે ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં આ ગતિ વધશે. કોઈપણ રીતે, રિઝર્વ બેંકનો અંદાજ છે કે દેશનો વાર્ષિક વિકાસ દર ૨૦૨૪-૨૫માં ૬.૬ ટકા રહેશે, જે વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં સૌથી વધુ છે. ખાસ વાત એ છે કે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (ૈંસ્ખ) અનુસાર, ભારત જાપાનને પાછળ છોડીને ચાલુ વરસે ૨૦૨૫ માં જ વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે.
વિકાસ છતાં દેશમાં અનેક મોરચે પડકારો છે. જોબલેસ ગ્રોથનો આરોપ કદાચ સંપૂર્ણપણે સાચો ન હોય, પરંતુ સારી નોકરીઓ મેળવવી એ યુવાનો માટે ગંભીર સમસ્યા છે. આયુષ્માન ભારત યોજના સારી યોજના છે, પરંતુ તેના દુરુપયોગના અહેવાલો ચોતરફ ગાજે છે. તે જ સમયે, વીમા નિયમનકાર ૈંઇઘછૈં દ્વારા એક તાજેતરનો અહેવાલ દર્શાવે છે કે વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન માત્ર ૭૧.૩ ટકા સ્વાસ્થ્ય વીમા દાવાઓની પતાવટ કરવામાં આવી હતી. દેખીતી રીતે નિયમનકારે આને ગંભીરતાથી લેવું પડશે. એટલે કે આરોગ્યના વીમાના ત્રીસ ટકા દાવાઓ અદ્ધરતાલ રહ્યો છે.
આરોગ્યના વીમા માટેની ખાનગી કોર્પોરેટ તથા બેન્કિંગ સેવાઓ કોઈ પણ હોસ્પિટલમાં તમને કેશલેસ દાખલ કરે છે. પરંતુ આ કંપનીઓને અનેક હોસ્પિટલો સાથે આંટી પડેલી હોય છે. દેશની અનેક બ્રાન્ડેડ હોસ્પિટલોને ગ્રાહકે જ પેમેન્ટ કરવું પડે છે અને પછી બિલો રજૂ કરવા પડે છે. વીમા કંપનીઓ એ હોસ્પિટલો પાસેથી બિલોના એવા બાયફરકેશન અને ડિટેલ્સની ઈચ્છા રાખે છે કે જે હોસ્પિટલ પ્રોવાઇડ કરી શકતી નથી અને એને કારણે બિલની રકમમાંથી ઘણી જંગી રકમ વીમા કંપનીઓ બાદ કરી નાખે છે અને ધારણા કરતા ઘણી ઓછી રકમ ચૂકવે છે. આને કારણે છેલ્લા આઠ દસ વર્ષથી નિયમિત પ્રીમિયમ ભરનારા આરોગ્ય વીમા ધારકોએ પ્રીમિયમના જંગી રોકાણ છતાં પણ પોતાની દરેક મેડિકલ સર્વિસમાં ભારે આર્થિક બોજ ઉઠાવવો પડે છે.
આરોગ્યના વીમાનું તંત્ર જ એવું છે કે વર્ષોવર્ષ એ પોતાના નિયમિત વીમાધારકોના પ્રીમિયમ વધારતા જ રહે છે. કોરોનાના સમયગાળામાં પણ આરોગ્યનો વીમો ધરાવનારા લોકોને એકસરખા સારા અનુભવ થયા નથી. ઓછો વીમો ચુકવ્યા પછી એ કંપનીઓ ગ્રાહકને અપીલમાં જવાની છૂટ આપે છે અને ઓનલાઇન અદાલત જેવું એક નાટક કરે છે જેમાં ગ્રાહકની વાતોને ધ્યાનમાં લેવામાં આવતી જ નથી અને થોડા સમય પછી તમારા પર મેઈલ કે પત્ર આવે છે કે તમને ચૂકવવામાં આવેલી રકમ યોગ્ય છે. એમાં કંઈ ફેરફાર નથી.