ટેલિકોમ સેક્ટરની નફાખોરી .
કોઈ પણ કંપનીનું સિમકાર્ડ હોય પણ ચાલુ વાતચીતે ફોન કપાઈ જવો એ આપણા દેશની સર્વાનુભવ સમસ્યા છે. ત્રણ મિનિટ વાત કરવામાં તમારે ત્રણ વાર નવેસરથી ફોન જોડવો પડે એવું બને. ભારતીય ટેલિકોમ કંપનીઓ લગભગ ઈજારાશાહીની બહુ નજીક પહોંચી ગઈ છે. બહુ જ મર્યાદિત કંપનીઓના હાથમાં દેશના કરોડો લોકોની સંચાર વ્યવસ્થા છે. સરકાર પાસે પોતાની કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ છે પરંતુ એને ખાડામાં ધકેલવા માટે નવી દિલ્હીના ઉચ્ચાધિકારીઓની એક લોબી વરસોથી સક્રિય છે જેના દુઃખદ પરિણામો હવે દેખાવા લાગ્યા છે.
દેશની તમામ ખાનગી ટેલિકોમ કંપનીઓને કેન્દ્ર સરકાર અને એના સચિવ કક્ષાના અધિકારીઓ રહસ્યમય રીતે હૂંફ આપે છે, છાવરે છે અને કાયદા વિરુદ્ધ છૂટછાટો આપે છે, તે એટલી હદે કે સર્વોચ્ચ અદાલતના હુકમને પણ તેઓ ઘોળીને પી જવા લાગ્યા છે. એનડીએ સરકારની આ લીલા તરફ ન્યાયમૂર્તિઓનું ધ્યાન જતા સરકારને આકરા શબ્દોમાં ઠપકો આપ્યો છે. સરકારી અધિકારીઓના મનઘડંત ફતવાનો આ એક નવો વિવાદ છે.
ટેલિકોમ કંપનીઓને અનુકૂળ હોય તેવા નિયમો ઘડી આપવાની શરૂઆત હકીકતમાં યુપીએ સરકારથી થઈ છે. એ પરંપરા હવે રાક્ષસી કદે આગળ વધી ગઈ છે. કોલ ડ્રોપ સમસ્યા દસ વરસ જૂની છે. આ સમસ્યાને ટેલિકોમ કંપનીઓએ બિઝનેસ બનાવી લીધો છે. પૈસા માટે આ કંપનીઓ કોઈ પણ છેતરપિંડી ધરાવતા મેસેજ દેશના લાખો નાગરિકોને મોકલી આપે છે, જેમાંથી હજારો લોકો ફસાય છે. આજકાલ નવી ચોર ટોળકી દેશમાં સક્રિય બની છે.
તમારા પર મેસેજ આવે કે અમારે બ્રિટનથી ભારતમાં નાણાં ટ્રાન્સફર કરવા છે. પાંચથી દસ ટકાની લાલચે આ ખેલની શરૂઆત થાય છે. છેવટે ભારતીય નાગરિક લૂંટાઈ જાય છે. આ તો એક નમૂનો છે. ટેલિકોમ કંપનીઓ પોતાને વેપાર મળે છે એ જોઈને દેશના લાખો લોકોને લૂંટાવા દે છે. સરકારનો આવી બે નંબરી પ્રવૃત્તિ પર કોઈ અંકુશ નથી. કારણ કે કેન્દ્રના વિવિધ મંત્રાલયોના જે અધિકારીઓની મોનિટરિંગ જવાબદારીઓ છે તેઓ ખાનગી કંપનીઓના જ હિત ધ્યાનમાં રાખે છે.
ભારતીય ટેલિકોમ કંપનીઓ ભારત સરકારની દેવાદાર પેઢીઓ છે. સરકારે એમની પાસે અઢળક નાણાં લેવાના થાય છે. ઉતાવળે એ હિસાબ જુઓ તો આજથી છ મહિના પહેલા જે ચિત્ર હતું એમાંથી થોડીક જ રકમ ભરપાઈ થઈ છે. દેશના દૂરસંચાર વિભાગે ભારતી એરટેલ, વોડાફોન-આઈડિયા, આર. કોમ અને અન્ય કંપનીઓ પર કુલ એક લાખ તેત્રીસ હજાર કરોડ રૂપિયાની બાકી રકમ ભારત સરકારને ચૂકતે કરવાનો આદેશ કર્યો હતો.
આ રકમમાં બાણુ હજાર કરોડ રૂપિયા લાઇસન્સ ફી તરીકે અને એકતાલીસ હજાર કરોડ રૂપિયા સ્પેક્ટ્રમ ફી તરીકે કંપનીઓએ સરકારને ચૂકવવાના થાય છે. આટલી ચપટીક કંપનીઓ કેન્દ્રના મંત્રાલયોમાં પોતાના પાલતુ કુત્તાઓ રાખે છે. જે એવા પરિપત્રો તૈયાર કરે છે જેનાથી કરોડો રૂપિયા ચૂકવવામાં રાહત કે વિલંબનો લાભ મળે. ટેલિકોમ કંપનીઓ ચિક્કાર નફો કરે છે પરંતુ સરકારના બાકી લ્હેણાં ચૂકવવામાં એમને રસ નથી.
સર્વોચ્ચ અદાલતના હુકમ પછી પણ મુદત વીતી જાય તો પણ આ કંપનીઓ પૈસા ન ભરે તો વાંધો નહિ એવા અર્થનો એક પરિપત્ર જાહેર કરીને કેન્દ્ર સરકારે અદાલતના હુકમની અવમાનના કરી એનાથી સર્વોચ્ચ અદાલતે સરકારને ન કહેવાના શબ્દો કહેવા પડયા. પણ આ ઘટનાનો બીજો અર્થ એમ થાય છે કે કેન્દ્ર સરકારના અધિકારીઓ કાનૂની રીતે કામ કરતા નથી પરંતુ શાસક પક્ષની સૂચના પ્રમાણે ઘરની ધોરાજી હાંકે છે. આ એક ગંભીર રાજરોગ છે.
દેશમાં ભાજપ શાસિત રાજ્યોમાં અનેક મ્યુનિસિપલ કમિશનરો અને કલેકટરો ભાજપના કાર્યકર જેમ વર્તે છે. ગરીબ લોકોના આવાસ મોટા બિલ્ડરોને વેચી મારવાનું અબજો રૂપિયાનું જે કૌભાંડ હાલ ગુજરાતમાં ચાલે છે એમાં સંડોવાયેલા કમિશનરો અને કલેકટરો માટે જો તેઓ ગુનાઈત કર્તા અને ફરજચૂકમાં સાબિત થાય તો કારમો કારાવાસ ભોગવવાનો વારો આવે એવી દહેશત છે.
કેટલીક એનજીઓ સંસ્થા આ દિશામાં નક્કર કામ કરે છે અને સોશિયલ મીડિયામાં બધી જ વિગતો જાહેર કરે છે. ટેલિકોમ કંપનીઓ ખોટમાં ફસાયેલી છે. આ ખોટનું કારણ ગળાકાપ હરીફાઈ છે.
પરંતુ આવા તકલીફના સમયમાં કંપનીઓએ બે નંબરનો રસ્તો અખત્યાર કરી મનગમતા જે પરિપત્રો ઈસ્યુ કરી અદાલતના હુકમને હાંસિયામાં ધકેલીને જે દુઃસાહસો કર્યા અને કંપનીઓનો પક્ષ લીધો તેના તરફ સર્વોચ્ચ અદાલતનું ધ્યાન જતાં એકાએક જ ન્યાયમૂર્તિઓની આંખમાંથી અંગારા ઝરવા લાગ્યા છે. આ કિસ્સામાં કેન્દ્રના કેટલાક અધિકારીઓ હજુ સસ્પેન્ડ થવાના છે. સરકાર ગભરાઈ ગઈ છે. કારણ કે પ્રજાની યાદશક્તિ ઓછી હોય છે, અદાલતની નહિ.