Get The App

ઈરાનમાં સ્ત્રીઓની ક્રાન્તિકૂચ

Updated: Feb 5th, 2025


Google News
Google News
ઈરાનમાં સ્ત્રીઓની ક્રાન્તિકૂચ 1 - image


ભારત અને પાકિસ્તાનની મુસ્લિમ મહિલાઓ રૂઢિચુસ્ત જીવન જ પસાર કરે છે પરંતુ ઈરાનના લોકજીવનમાં સ્ત્રીઓ આગળ નીકળી ગઈ છે. મોટાભાગના ઈરાની પરિવારોમાં મહત્ત્વના નિર્ણયો ગૃહિણી લે છે અને આખો પરિવાર એને અનુસરે છે. આખા દેશમાં સ્ત્રીઓના ટોળાએ તોફાન કર્યા એવા સમાચાર દરરોજ ક્યાંકથી તો આવે જ છે. સમાચારોમાં કેટલીક સેન્સરશિપ લાદવામાં આવી છે પણ તોય જગતના ચોકમાં ઈરાનની હાલત વહુએ વગોવ્યા મોટા ખોરડા નાટક જેવી છે. ઈરાનના મૂળભૂત કાયદા પ્રમાણે તો જે યુવતીઓ બુરખો ન પહેરે તેને જેલની સજા પણ થઈ શકે છે. પરંતુ હવે એવું નથી. ઉપરાંત દરેક ક્ષેત્રમાં જવા માટે યુવતીઓને મુક્તિ મળી ગઈ છે. અગાઉ મીડિયામાં યુવતીઓ દેખાતી જ ન હતી. હવે રેડિયો, ટેલિવિઝન અને મુદ્રિત માધ્યમોમાં પચીસ ટકા મહિલાઓનું પ્રભુત્વ છે. સરકારે આવા નિર્ણયો લેવા પડયા એનું એક કારણ એ પણ છે કે ઈરાની સ્ત્રીઓ છાને પગલે બહુ ઝડપથી દેશની બહાર ગતિ કરવા લાગી હતી. ફ્રાન્સ, જર્મની અને બ્રિટનમાં સંખ્યાબંધ ઈરાની યુવતીઓએ પોતાના ઘર વસાવી લીધા છે અને એ વિદેશી લોકો સાથે પોતાનો સંસાર માંડી દીધો છે.

એકલા તહેરાનમાં ૮૪,૦૦૦ ઈરાની સ્ત્રીઓ નગરવધૂ તરીકેની જિંદગી પસાર કરી રહી છે. ત્યાં સ્ત્રીઓની એક આંતરરાષ્ટ્રીય 'બાઝાર' અસ્તિત્વમાં આવી હતી જેને સરકારે હવે અંકુશમાં લીધી છે. સરકારના સીધા હસ્તક્ષેપથી પરિસ્થિતિ સુધરી છે. ઈરાની સરકાર સ્ત્રીઓ પર હવે વધારાના પ્રતિબંધો મૂકવાની તરફેણમાં નથી. તે હવે ઈરાનની સ્ત્રીઓને વિશ્વાસમાં લેવા ચાહે છે. ઈ. સ. ૨૦૧૩માં ઈરાનમાં એવો કાયદો ઘડવામાં આવ્યો હતો કે કોઈ પણ પુરુષ પોતે દત્તક લીધેલી પુત્રી સાથે વિવાહ કરી શકે છે. હવે આ અમાનવીય કાયદો સરકાર રદ કરે એ માટે દેશની કેટલીક મહિલા અગ્રણીઓ સરકાર પર દબાણ કરી રહી છે. પ્રાથમિક રીતે સરકારે ખાતરી આપી છે કે એ અંગે નવેસરથી ગંભીરતાથી વિચારીને નિર્ણય લેવામાં આવશે.

વિવિધ પ્રકારની મુક્તિનો લાભ લઈને યુવતીઓ અભ્યાસમાં આગળ નીકળવા લાગી છે. જે સ્ત્રીઓ પોતપોતાના કારણોસર વિદેશ છે એ ત્યાંથી પોતાના વતનની યુવતીઓને કાઉન્સેલિંગ કહેવાય એ પ્રકારનં્ માગદર્શન આપે છે. ઈરાની મહિલાઓએ એ રીતે કેટલાક આંતરરાષ્ટ્રીય ઈરાની મહિલા કલ્યાણકારી સંગઠનો પણ બનાવી લીધા છે. ઈરાનમાં એક કાયદો એવો છે કે કોઈ પણ યુવતી કંઈ ભૂલ કરે તો એ માટે એની માતાને અપરાધી ઠરાવવામાં આવે છે. કાયદો કહે છે કે માતાએ એની પુત્રીની બરાબર સંભાળ ન લીધી એટલે આ પરિસ્થિતિ સર્જાઈ. આ કાયદા સામે પણ ઈરાની યુવતીઓમાં વિરોધનો વંટોળ ઉઠયો છે. તે સહુ કહે છે કે અપરાધ અમે કરીએ તો એની સજા તમે અમને જ આપો. અમારી માતાઓને શા માટે સજા કરો છો ?

ઈરાનમાં સરકારની ઉદાર નજર હેઠળ જે રીતે યુવતીઓ ક્રાન્તિ કરી રહી છે તે બહુ નજીકના ભવિષ્યમાં ઈરાનને અન્ય મુસ્લિમ દેશોથી જુદી રીતે વિકસિત દેશ બનાવશે એમાં કોઈ શંકા નથી. પરંતુ ઈરાની નવી પેઢીની યુવતીઓએ એ માટે હજુ ઘણો વધુ ભોગ આપવો પડશે. એનો પ્રભાવ જો કે તબક્કાવાર અન્ય મુસ્લિમ દેશોની મહિલાઓ પર પણ પડશે. પાકિસ્તાનમાં એક માત્ર કરાંચીની સ્ત્રીઓ એડવાન્સ માનવામાં આવે છે એ સિવાય સમગ્ર પાકિસ્તાનની સ્ત્રીઓ રૂઢિચુસ્તતામાં જ જિંદગી પસાર કરે છે. ઈરાનમાં શરૂ થયેલી ક્રાન્તિની નવી હવા કોઈ એકાદ શહેર પૂરતી મર્યાદિત નથી, એ સમગ્ર દેશમાં ફેલાયેલી છે અને એના સરકારી ટેલિવિઝનના ટોક શોમાં પણ આ નવી આબોહવાની જોરશોરથી ચર્ચા થઈ શકે છે. અગાઉના વરસોમાં તો આવી કલ્પના પણ થઈ શકતી ન હતી.

આનો અર્થ એ પણ છે કે ઈરાનમાં પરંપરાવાદીઓની પકડ ઢીલી પડતી જાય છે. એનું એક કારણ એ છે કે ઈરાનની યુનિવર્સિટી અને કોલેજોમાં છેલ્લા એક દાયકાથી વિદેશથી આવેલા અધ્યાપકો ભણાવે છે. તેઓ ઈરાનના વિદ્યાર્થીઓને આજના વૈશ્વિક પ્રવાહોથી સતત અપડેટ રાખે છે. એનું ઉચ્ચ શિક્ષણ સામાન્ય મુસ્લિમ દેશોની તુલનામાં ઘણાં ઊંચા દરજ્જાનું છે. 

Tags :
Tantri-Lekh

Google News
Google News