પોલીસ કસ્ટડીમાં મોત .
કેન્દ્રના રાજ્ય કક્ષાના ગૃહપ્રધાને લોકસભામાં એક સવાલના જવાબમાં જણાવ્યું કે છેલ્લા ત્રણ વરસમાં પોલીસ કસ્ટડીમાં ૩૪૮ લોકોના મોત નીપજ્યાં છે અને અંદાજે ૧૨૦૦ લોકોને એવી યાતના આપવામાં આવી કે તેઓ ઘવાયા છે. આ સવાલ સાથે એમ પણ પૂછવામાં આવ્યું હતું કે પોલીસ કસ્ટડીમાં મોત માટે જવાબદાર પોલીસ કર્મચારીઓ કે પોલીસ અધિકારીઓ સામે શું પગલા લેવામાં આવ્યા ? પરંતુ એનો જવાબ કેન્દ્ર સરકાર પાસે નથી કારણ કે કાયદો અને વ્યવસ્થા તથા પોલીસ સંબંધિત બાબતો રાજ્ય સરકાર અંતર્ગત આવે છે. નેશનલ ક્રાઈમ બ્યુરોના રિપોર્ટ પ્રમાણે છેલ્લા દસ વરસમાં દેશમાં પોલીસ કસ્ટડીમાં શંકાસ્પદ અપરાધીઓના થયેલા મોતની સંખ્યા એક હજારથી વધુ છે. આ એવા કેદીઓ હોય છે જેનો અપરાધ હજુ પુરવાર કરવાનો બાકી હોય છે અને તેમને અદાલતમાં પણ રજૂ કર્યા હોતા નથી.
દક્ષિણ ભારતીય વૈજ્ઞાાનિક જેમ કોઈ સાવ નિર્દોષ આરોપી પણ હોય છે. પોલીસ પાસે ધરપકડ પછી ચોવીસ કલાકના જ અધિકાર છે. એ ચોવીસ કલાક અંદર જ પોલીસ આરોપીને અદાલતમાં રજૂ કરી દે છે અને પછી અદાલત જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલે અથવા જામીન આપે છે. અપરાધ પુરવાર થાય અને સજા પડે એ પહેલાનું આ આખું જે ચક્ર છે તે ઘણા માટે વિષચક્ર સાબિત થાય છે ને પોલીસ હસ્તકના પહેલા ચોવીસ કલાકમાં જ શંકાસ્પદ આરોપીનું પ્રાણપંખેરુ ઉડી જાય છે.
આપણા દેશમાં પોલીસનો ધરપકડ કરાયેલાઓ સાથેનો વ્યવહાર જગખ્યાત છે. દેશની જેલોમાં પાંચ લાખ જેટલા અપરાધીઓ છે પરંતુ એમાંના ત્રણ લાખ તો એવા દુર્ભાગી છે કે જેમની સજાનો આખરી હુકમ હજુ થયો નથી છતાં તેઓ જેલ ભોગવે છે.
દેશમાં એકલા ઉત્તર પ્રદેશની જેલોમાં દેશના કુલ અપરાધીઓમાંથી પચીસ ટકા કેદીઓ છે, એને આધારે સમજી શકાય છે કે ત્યાં ગુનાખોરીનું પ્રમાણ કેટલું વધુ છે. મિસ્ટર આદિત્ય યોગીને કારણે ગુનાખોરીમાં કોઈ ફેર પડયો નથી. કિસાન આંદોલનમાં કિસાનોને જતાં અટકાવવા વિવિધ મહેસૂલ અધિકારીઓ દ્વારા યોગીએ જે નાકાબંધી કરાવી તે તો સ્વયં સરકારને પક્ષે જ અપરાધ છે. આપણા દેશની જેલોની જે સ્થિતિ છે એની તપાસ માટેની કોઈ પદ્ધતિસરની પ્રવિધિ સરકારે વિકસાવી નથી. એને કારણે બહારનું જગત જાણતું જ નથી કે જેલના સળિયા પાછળની જિંદગી શું છે.
જેલ સત્તાધીશો કેદીઓને એક તો બહુ જ ખરાબ અને અમુક હદે અમાનવીય રીતે રાખે છે અને આ સિક્કાની બીજી બાજુ એ છે કે ગુનેગાર જેલ બહાર સાદો મોબાઈલ વાપરતો હોય તો જેલમાં એન્ડ્રોઇડ વાપરતો થઈ જાય છે ! અગાઉ લુધિયાણાની જેલમાં કેદીઓએ અંદરો-અંદર જે જંગ લડયો તે ઘટનાએ ભારત સરકારના ગૃહખાતાની ઊંઘ ઉડાડી દીધી હતી અને કેન્દ્ર સરકારે ત્યારે નવા જેલ મેન્યુઅલ સાથે આકરા નિયમો બનાવવા સક્રિય થવાની વાત કરી હતી.
પરંતુ એનડીએ સરકાર એવા કોઇ પગલા લઈ શકી નથી. હવે એવા નિયમોની જરૂર ઊભી થઈ છે કે કેદીને બદલે જેલના અધિકારીઓને સાણસામાં લેવા પડે. જેલમાં શું મળે છે એના બદલે હવે જેલમાં શું નથી મળતું એ પૂછવાનો સમય આવ્યો છે. લુધિયાણાની જેલમાં કેદીઓના બે જુથો વચ્ચે એવી અથડામણ થઈ હતી કે જેલ અધિકારીઓનો એમના પર કોઈ કાબુ રહ્યો ન હતો. કેદીઓએ ત્યાંના જેલમાં ફરજ બજાવતા પોલીસમેનોના હથિયારો આંચકી લીધા હતા, એમને બેરેકમાં પૂરી દીધા હતા.
પછી જ્યારે બહારથી નવા પોલીસ કાફલાઓ આવ્યા ત્યારે એના પર કેદીઓએ એમના જ હથિયારોથી ગોળીબાર ચાલુ કરી દીધા. સામસામા કુલ નેવું રાઉન્ડ ગોળીબાર થયા હતા. એના પરથી અંદાજ લગાવી શકાય છે કે આપણે માનીએ છીએ કે જેલમાં એવો કડક બંદોબસ્ત હોય છે કે ત્યાં ચકલું પણ ફરકતું નથી એ વાત ખરેખર પોકળ અને હાસ્યાસ્પદ સાબિત થઈ જાય છે.
લાખો વિચારાધીન કેદીઓ પણ ન્યાયિક પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી જેલવાસ ભોગવે છે. છલકતી જેલોની બાબતમાં ઉત્તર પ્રદેશ અને બિહાર ટોચના ક્રમે છે. દેશની દરેક જેલના દરેક કેદી પાસે સનસનાટીભરી એની આત્મકથા હોય છે એ તો ઠીક પણ આપણી દરેક જેલ એક નવલકથા જેવી દિલધડક બની ગઈ છે. રાજકારણીઓએ જ્યારે જ્યારે જેલની સફર કરી છે ત્યારે તેઓએ ત્યાં બેઠા બેઠા જેલના નિયમો નેવે મૂકવાનું જ કામ કર્યું છે.
ભાજપ અને કોંગ્રેસ બન્નેમાં અપરાધી ઈતિહાસ ધરાવનારાઓની સંખ્યા નાની નથી. ઉત્તર પ્રદેશમાં તો એવી પ્રચલિત માન્યતા છે કે અપરાધી ઇતિહાસ ધરાવનારાઓ રાજકારણમાં વધુ સફળ નીવડે છે. આમ પણ દુનિયામાં ભારતીય જેલ વિશે અનેક દંતકથાઓ પ્રચલિત છે. બ્રિટિશ અદાલતો પણ તાજેતરની વિવિધ ઘટનાઓમાં ભારતીય જેલોની ટીકા કરી ચૂકી છે. અગાઉ ગુનેગારો પેરોલ પર છૂટી ભૂગર્ભમાં નાસી છૂટતાં હતા હવે તો જેલર પણ નાસીને ભૂગર્ભમાં છુપાઈ જતા હોવાની ઘટનાઓ ગુજરાત પોલીસના દફતરે ચડેલી છે.