સુદાનની આંતરિક અશ્રુધારા .

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
સુદાનની આંતરિક અશ્રુધારા                             . 1 - image


સુદાન સાથે ભારતનો સંબંધ આઝાદી પહેલાંનો છે. કેટલાય ગુજરાતીઓની પેઢીઓ સુદાનમાં વસે છે. ઘણાં ભારતીયો સુદાનમાં સ્થિર થયા છે. સુદાન ભારતીયો માટે અજાણ્યો મૂલક નથી. સુદાન આફ્રિકાનો એક મોટો દેશ છે અને ત્યાં મુસ્લિમો બહુમતીમાં છે. સુદાનને મિડલ ઇસ્ટના મુસ્લિમ દેશોથી સમુદ્રની એક પાતળી ખાડી જ દૂર કરે છે. એની પ્રવર્તમાન સ્થિતિ અસ્થિર છે. અહીં આંતરવિગ્રહનો ચરુ સળગી રહ્યો છે. રાજધાની ખારતુમ ટાઈમ બોમ્બ બની ગઈ છે. દેશના તમામ મોટા શહેરો ઉપરાંત નાના ગામમાં પણ વિસ્ફોટક સ્થિતિ છે. અંદાજિત પાંચસો કરતા વધુ નિર્દોષ નાગરિકોના જીવ ગયા છે એવું સરકાર કહે છે પણ વધુ લોકો મર્યા હોય તેવો અંદાજ છે. પાટનગરમાં અત્યારે પગ મૂકીએ તો ચારેબાજુ ધૂમધડાકા સંભળાય. ક્ષિતિજ કાળા ધુમાડાના રંગે રંગાઈ ગઈ છે. એક અનિશ્ચિતતાની લટકતી તલવાર નીચે સુદાનિયન જિંદગી ઘડીક ધબકે છે તો ઘડીક ધબકાર ચૂકી જાય છે.

આખો સુદાન દેશ પૂર્ણતયા કેઓસમાંથી  પસાર થઈ રહ્યો છે. પોશ વિસ્તારની નજીકની કોઈ ગલીમાં આગ લાગેલી દેખાય છે. બાળકોના કાને સતત ફાઇટર જેટ પ્લેનના અવાજ પડે છે. ચોતરફ સાયરનના અવાજ, મીલીટરી ફોર્સના વાહનોના ધમાસાણ અને બંદૂકો ફૂટવાનો ધડાકા. સરકારી અને ખાનગી હોસ્પિટલો હાઉસ ફૂલ થઇ ચૂકી છે. બજારમાં દૂધ મળવું મુશ્કેલ છે. સુદાન ક્યારે પૂર્વવત સ્થિતિમાં આવે તે નક્કી નથી. પાટનગર ખારતુમ અને સુદાનના બીજા શહેરોમાં લડાઈઓ ચાલુ થઈ છે. દેશની સત્તા સંભાળવા માટે ખેંચપકડ ચાલુ છે. બે વિરોધી વિચારસરણી ધરાવતી મીલીટરી ફોર્સ વચ્ચે ગજગ્રાહ ચાલે છે. આ બંને લશ્કરી દળને દેશપ્રેમ સાથે કોઈ લેવાદેવા નથી તેઓ તો માત્ર સત્તા ભૂખ્યા છે. સુદાનનું પરંપરાગત લશ્કર એક તરફ છે અને તેની સામે જે પડયું છે તેનું નામ છે રેપિડ સપોર્ટ ફોર્સિસ. એક કરોડ નાગરિકો અહીંથી નાસી છૂટયા છે.

આ બંને લશ્કરી દળ વચ્ચેની હિંસક લડાઈમાં દેશના લાખો લોકોની જિંદગી દોજખ બની ગઈ છે.  દેશનું અર્થતંત્ર ખલાસ થઈ રહ્યું છે. સુદાન પહેલેથી લશ્કરી અખાડો તો હતું જ પરંતુ તે અખાડામાં આજુબાજુના બીજા ઇસ્લામિક રાષ્ટ્રો પણ ઉતરશે એવું લાગે છે. સુદાનના લોકો ડરતા ડરતા જીવે છે. કારણ કે બંને લશ્કરી દળના વડાને સુદાનમાં સર્વ સત્તાધીશ બનવું છે. સત્તા મેળવવાનો માર્ગ હિંસાનો છે અને  બંને દળો પોતાની હિંસક જીદ છોડવા તૈયાર નથી. ખેતરમાં બે પાડા લડે એમાં નાના છોડનું આવી બને એવી સ્થિતિ સુદાન દેશના લાખો લોકોની થઈ છે. વૈશ્વિક સંસ્થાઓ જેવી કે સંયુક્ત રાષ્ટ્રસંઘ કે ડબલ્યુએચઓ પણ લાચારી અનુભવે છે. રશિયાને સલાહ આપી શકતી અને યુક્રેન યુદ્ધમાં  મદદ મોકલી શકતી આ વૈશ્વિક સંસ્થાઓ સુદાનને ખાસ મદદ કરી શકતી નથી. જે પ્રદેશમાં ધાર્મિક કટ્ટરતા હોય અને અભણ લોકો રાજ કરતા હોય ત્યાં શાંતિ સ્થપાઈ શકે નહિ. સુદાન જેવા દેશને નર્કાગાર જેવી સ્થિતિ કોઠે પડી જતી હોય છે. અહીં નેવું ટકા લોકો નિરક્ષર છે.

સુદાન મોટો દેશ છે. તેનું ક્ષેત્રફળ ઓગણીસ લાખ ચોરસ કિલોમીટર છે. પણ ટોચના ગરીબ દેશોમાં તેની ગણના થાય છે. કારણ કે સાડા ચાર કરોડ લોકો વર્ષે દહાડે સાઠ હજાર રૂપિયા માંડ કમાય છે. હવે આવા ગરીબ દેશમાં છેલ્લા ત્રણ વર્ષથી બે ઝનુનીઓ સમાંતર સત્તા સંભાળવા લડી રહ્યા છે. પહેલેથી સુદાનની સત્તા અમુક લશ્કરી જનરલોના હાથમાં જ રહી છે. પણ આ બધા જનરલોના બે મુખ્ય વડા છે. જનરલ અબ્દેલ ફતહ અલ બુહરાન, જે આર્મ્સ ફોર્સીસનો વડો હતો અને જેને સુદાનમાં રાષ્ટ્રપતિ સાથે સારા સંબંધો ધરાવતો. બીજો માણસ પણ જનરલ છે અને એમનો જ ડેપ્યુટી થાય પણ હવે તે વિરોધી થઈ ગઈ છે. તેનું નામ જનરલ મોહમ્મદ હમદાન દગેલો.  તે આર-એસ -એફ એટલે કે રેપિડ સપોર્ટ ફોર્સનો વડો થાય. આ બંને વચ્ચે દેશની દશા અને દિશા નક્કી કરવાને લઈને ઉગ્ર મતભેદ સર્જાયો.  તે બંને નાગરીકોની ભલાઇનો દાવો કરી રહ્યા છે પણ વાસ્તવમાં અત્યારે એ બંને આ મુદ્દા ઉપર સુદાનના નાગરીકોનું કાસળ કાઢી રહ્યા છે.દેખીતી રીતે આ એક સુદાનની જ વાત છે, પરંતુ હવેના યુગમાં આવા આખા આખા દેશો આપણે જોવાના આવશે. 


Google NewsGoogle News