સા વિદ્યા યા વિમુક્તયે .
શાળા શિક્ષણમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો થયો છે, પરંતુ ડિજિટલ સુવિધાઓમાં અસમાનતા યથાવત છે. શાળાઓની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ નોંધણીમાં ઘટાડો થયો છે. માધ્યમિક તબક્કામાં ડ્રોપઆઉટ દરમાં વધારો થયો છે, અને શિક્ષક-વિદ્યાર્થીનો ગુણોત્તર પણ રાજ્યો વચ્ચે બદલાય છે. યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન (UDISE) પ્લસનો નવીનતમ અહેવાલ, શાળા શિક્ષણ અને દેશના શાળા માળખામાં થયેલા સુધારાઓ તેમજ બાકી રહેલા મુખ્ય મુદ્દાઓ પર પ્રકાશ પાડે છે. આ અહેવાલ એક વચગાળાનો માઇલસ્ટોન છે, જે બતાવે છે કે સફર હજુ કેટલી અધૂરી છે. સરકાર દ્વારા કૃષિ અને શિક્ષણ બન્ને વિશે અવારનવાર ભ્રામક ફૂલગુલાબી ચિત્રો રજૂ કરવામાં આવે છે. કૃષિ ક્ષેત્રે તો પડઘો પાડનારો બહુ મોટો વર્ગ છે એટલે એમાં સરકાર ખુલ્લી પડી જાય છે પરંતુ શિક્ષણમાં તો સરકારી તરંગોને પડકારનાર કોઈ નથી એટલે નેતાઓના વાણીવિલાસ વહેતા રહે છે.
અહેવાલ પ્રસ્થાપિત કરે છે કે મૂળભૂત સુવિધાઓની સ્થિતિમાં સુધારો થયો છે. લગભગ ૯૦% શાળાઓમાં વીજળી અને દીકરા-દીકરી માટે અલગ અલગ શૌચાલય જેવી સુવિધાઓ છે, પરંતુ જો આપણે ડિજિટલ સુવિધાઓની વાત કરીએ તો વિવિધ શાળાઓ વચ્ચે ઊંડી ખાઈ છે. ઉદાહરણ તરીકે, ફંક્શનલ કમ્પ્યુટર્સ માત્ર ૫૭.૨% શાળાઓમાં ઉપલબ્ધ છે અને ૫૩.૯% શાળાઓમાં જ ઈન્ટરનેટ એક્સેસ છે. જોકે, આ બાબતમાં વર્ષોથી થયેલી પ્રગતિ એ હકીકત પરથી માપવામાં આવે છે કે ૨૦૨૧-૨૨ માટે UDISE પ્લસ રિપોર્ટ અનુસાર, ૬૬% શાળાઓ પાસે ઇન્ટરનેટ કનેક્શન હતા નહીં. આજે સરેરાશ અરધી શાળાઓ મધ્યકાલીન મોડમાં ચાલે છે. એટલે કે શિક્ષકો હજુ પણ ચોક એન્ડ ટોક પર જ પોતાનો ખેલ ચલાવે છે. અદ્યતન હાઈટેક શિક્ષણ પ્રણાલિકા એ આપણા દેશની અરધી શાળાઓ માટે માત્ર સપનું જ છે. (તેઓને બંધનોમાંથી મુક્તિ અપાવનારી ડિજિટલ વિદ્યાઓ ક્યારે પ્રાપ્ત થશે એ એક કોયડો છે.)
એ હકીકત પણ નોંધવા જેવી છે કે દેશમાં શાળાઓની સંખ્યામાં ગયા વર્ષની સરખામણીમાં વધારો થયો છે, પરંતુ નોંધણીમાં ઘટાડો થયો છે. જ્યારે શાળાઓની સંખ્યા ૧૪.૬૬ લાખથી વધીને ૧૪.૭૧ લાખ થઈ છે, ત્યારે તેમાં વિદ્યાર્થીઓની નોંધણી ૨૫.૧૭ કરોડથી ઘટીને ૨૪.૮૦ કરોડ થઈ છે. આ ઘટાડો તમામ કેટેગરીમાં ઓછો છે - દીકરાઓ, દીકરીઓ, ઓબીસી, લઘુમતી વગેરે. જ્યાં સુધી શાળા છોડી દેવાના કિસ્સાઓમાં માધ્યમિક તબક્કામાં તેમાં થયેલો વધારો ગંભીર છે. પ્રાથમિક શાળાઓમાં ડ્રોપઆઉટ દર ૫.૨% છે, જે માધ્યમિક તબક્કામાં ૧૦.૯% સુધી પહોંચે છે. નિષ્ણાતોના મતે, તેની પાછળનું કારણ ઓબીસી અને એસસી/એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને પ્રવેશની દસ્તાવેજીકરણ પ્રક્રિયા દરમિયાન પડતી મુશ્કેલીઓ અને પ્રિ-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ જેવી સુવિધાઓનો અભાવ હોઈ શકે છે.
બીજું મહત્વનું પાસું છે શિક્ષકો અને વિદ્યાર્થીઓનો ગુણોત્તર એટલે કે પ્યુપિલ ટીચર રેશિયો (PTR). આ કિસ્સામાં વિવિધ રાજ્યો વચ્ચેના તફાવતો આશ્ચર્યજનક છે. એક તરફ, ઝારખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યો છે, જ્યાં માધ્યમિક સ્તરે PTR રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) દ્વારા નિર્ધારિત ધોરણ કરતાં વધુ સારી સ્થિતિએ છે એટલે કે ૩૦:૧, એટલે દર ત્રીસ વિદ્યાર્થીઓ દીઠ એક શિક્ષક, જ્યારે બીજી તરફ, આસામ, ઓડિશા અને કર્ણાટક ઘણાં પાછળ હોય તેવું લાગે છે. એકંદરે, દેશમાં શાળા શિક્ષણને બહેતર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસો ફળ આપી રહ્યા છે, પરંતુ આ દરમિયાન નવા પડકારો પણ ઉભરી રહ્યા છે, જેને અવગણી શકાય તેમ નથી. સાર્વત્રિક શિક્ષણના ધ્યેયને ધ્યાનમાં રાખીને, ડ્રોપઆઉટ વલણો અને PTR પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.
દેશમાં શિક્ષણ અંગે થતાં સર્વેક્ષણો અને અભ્યાસોની મોટી મર્યાદા એ છે કે એમાં ક્યાંય શિક્ષકોને અપગ્રેડ થતા રહેવા માટેની તાલીમનું મૂલ્યાંકન નથી. આપણા શિક્ષકોને પૂછો કે તેમણે છેલ્લે ક્યું પુસ્તક વાંચ્યું તો એનો જવાબ પહેલા તો પાઠયપુસ્તક જ આવશે. છતાં કોઈને કોઈક નામ આવડતું હોય અને બોલે તો એ ૧૯૭૦ પહેલા પ્રકાશિત થયેલું હશે. નવાં પુસ્તકો અને જ્ઞાનના નવા પ્રવાહથી આપણા આજકાલના પ્રાથમિક-માધ્યમિક ગુરુજનો સંપૂર્ણપણે વિમુખ છે. જે રીતે રાજનેતાઓ ધારાસભ્ય બન્યા પછી પગાર-પેન્શન નિષ્ણાત બની જાય છે એ જ રીતે શિક્ષકો પણ પગાર-પેન્શન નિષ્ણાતો બની જાય છે. તેઓની દિનચર્યામાં એક નવો ફકરો વાંચવાનો જો અવકાશ હોય તો ગુજરાતની ભોમકા ધન્ય ધન્ય થઈ જાય. પણ એ તો વિરલ ઘટના છે. વિદ્યાર્થીઓની સ્થિતિ અને ભવિષ્ય દયાજનક ન બની જાય તે જોવાની જવાબદારી આખરે તો આચાર્યો અને સરકારની છે.