Get The App

અર્થકારણમાં ધુમ્મસ રહેશે .

Updated: Dec 4th, 2024


Google NewsGoogle News
અર્થકારણમાં ધુમ્મસ રહેશે                                  . 1 - image


દેશના અર્થતંત્રને મંદીની પહેલી અસર થઈ હોય એવા જીડીપીના આંકડાઓ જાહેર થયા છે. આપણા દેશમાં કરવેરા ચૂકવનારાઓની સરખામણીમાં કરચોરોની સંખ્યા અનેકગણી છે. હવે આ કરચોરો પાસેથી પેટ્રોલ ડિઝલના ભાવવધારાના બહાને અત્યારે કર જ લેવામાં આવે છે. કેટલાક કોંગ્રેસીઓ બીજા દેશોના દાખલા આપે છે પણ એ દેશોના નાગરિકો કેટલી નિા પૂર્વક કરવેરા ભરે છે એ વાત કહેતા નથી. કોંગ્રેસ કહે છે કે એક તરફ માર્કેટમાં ગભરાટ છે અને મોંઘવારીથી ત્રસ્ત પ્રજાની માથે રોજેરોજ પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો ઝીંકવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ ઉદ્યોગ-વ્યાપાર ક્ષેત્રે પણ ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે. ખરેખર તો એવું કંઈ નથી સહુ લહેરથી પોતપોતાના ધંધાપાણી ચલાવે છે પણ નવરા પડે એટલે સરકારની ટીકા કરવાની ફેશન થઈ ગઈ છે. હકીકતમાં ભારતીય અર્થતંત્ર મજબૂત થયું છે પરંતુ કોંગ્રેસ પ્રેરિત દેકારો હજુ શાંત થતો નથી. 

એક તરફ અર્થતંત્ર અને આર્થિક વ્યવહારો સાથે સંકળાયેલા વર્તુળોને વૈશ્વિક કારણોને લઈને આવી રહેલા ઝટકાની સાથે સાથે સરકારની નીતિરીતિ દેશને પાટે ચડાવવામાં વ્યસ્ત છે. નાણાં મંત્રાલય દરરોજ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને નિર્ણય લે છે. ખુદ સરકારે આંતરરાષ્ટ્રીય પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે, કોંગ્રેસ શસ્ત્રસોદાઓ સંબંધિત ડીલના મુદ્દે ભાજપને ઘેરી રહી છે અને મોદીએ પોતાની કેબિનેટને વિશ્વાસમાં લીધા વગર કેટલાક આંતરરાષ્ટ્રીય ડીલ કરી લીધા હોવાનો આક્ષેપ કરી રહી છે. ખરેખર તો સંરક્ષણની બાબતોમાં વડાપ્રધાનને કેટલાક વિશેષાધિકાર મળેલા છે. 

કોંગ્રેસે અગાઉ 'કેગ'ને આવેદન આપ્યા પછી હવે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન સમક્ષ ગઈ છે, અને ત્યાં મોદી સરકાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. કોંગ્રેસે ફરતો કરેલો એક જુનો વીડિયો પણ દેશભરમાં ચર્ચાસ્પદ બન્યો છે. આ વીડિયોમાં ફ્રાન્સની દસોલ્ટ કંપનીના વડા એચએએલ સાથે રફાલ સોદાના કરારો થયા હોવાનું સ્વીકારતા સંભળાય છે. આ વીડિયોની સત્તાવાર પૃષ્ટિ થઈ નથી, પરંતુ તેના પર કોમેન્ટ પણ ખૂબ જ રસપ્રદ રીતે થઈ રહી છે. રાફેલ વિમાનોની કથામાં હાથી અને અંધજનોની વાર્તા જેવી દશા છે. જેને જેમ લાગે તેમ કહે છે. ગઈકાલે પાકિસ્તાને  રફાલ ડીલના મુદ્દે ભારતની ટીકા કરી, તેવી વાતો ઊઠયા પછી તેના પ્રત્યાઘાતો પણ પડયા. ભાજપે કહ્યું કે કોંગ્રેસ અને પાકિસ્તાન સમાન વાત કરે છે, તો ઉકળી ઊઠેલા સુરજેવાલાએ વળતો જબ્બર પ્રહાર કર્યો અને દ્રષ્ટાંતો સાથે કહ્યું કે જ્યારે જ્યારે ભાજપ મુસીબતમાં હોય છે, ત્યારે ત્યારે તેને પાકિસ્તાન યાદ આવે છે. જો કે કોંગ્રેસને પણ ભાજપની ટીકા કરવા માટે વારંવાર પાકિસ્તાનનો ઉલ્લેખ કરવાની ટેવ પડી ગઈ છે. 

બીજી તરફ શેરબજાર અચાનક કડડભૂસ થયા કરે છે તેના વૈશ્વિક કારણો ઉપરાંત સ્થાનિક કારણો પણ છે. નીતિન સાંડેસરા પણ ભાગી ગયો હોવાની વાતો પછી સરકારે એને નાઈજિરીયાથી શોધી કાઢયો છે અને એને ભારત લાવવા માટે કાર્યવાહી ચાલુ કરી દીધી છે. પાંચ કરોડ લઈને ભાગી જતા આ ડિફોલ્ટરોના કારણે દેશનું અર્થતંત્ર કંઈ રાતોરાત બેહાલ થઈ ગયું નથી. પરંતુ દેશની કોઈ પણ ઘટના વિશે ભાજપ પર માછલા ધોવા એ એક માત્ર કોંગ્રેસનું કામ છે. બેંકો મનસ્વી રીતે ધિરાણ કરે અને તેના અધિકારીઓ તેમાંથી મલાઈ તારવી લેતા હોય કે ન હોય તો પણ તેનો બોજ અને બદનામી એકલા ભાજપે જ શા માટે ભોગવવાની ? ભાજપે જ તો બેન્કોની જે સાચીજી દશા હતી એ ખુલ્લી કરી ને સહુને બતાવી. ખરેખર તો મનસ્વી રીતે ધિરાણ કરનારાઓને પણ વ્યક્તિગત રીતે જવાબદાર ગણીને તેની જેટલી હોય તેટલી મિલકત જપ્ત કરીને કાનૂની રાહે અદાલતોના માધ્યમથી જીવનભર જેલમાં નાંખવા જોઈએ અને એ દિશામાં અત્યારે સરકારે કામ ચાલુ કરેલું જ છે.

વર્લ્ડ બેંકે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ભારતનો વિકાસ દર ૭.૩ ટકા રહે તેવું અનુમાન લગાવ્યું છે. વૈશ્વિક સંસ્થાનું કહેવું છે કે જીએસટી લાગુ થયા બાદ વિકાસ દરમાં નોંધાયેલા પ્રાથમિક ઘટાડામાંથી ભારતીય અર્થવ્યવસ્થા ઉપર ઉઠી શકી છે. કોંગ્રેસે વિશ્વ બેન્કના અહેવાલોનાય પાના ઉથલાવી જોયા પણ એમાં તો ઉજ્જ્વળ ભવિષ્ય હોવાથી એ અંગે મૌન પાળી લીધું છે.


Google NewsGoogle News