Get The App

કોરોનાની કોને પડી છે ?

Updated: Aug 5th, 2021


Google NewsGoogle News
કોરોનાની કોને પડી છે ? 1 - image


હકીકત એ છે કે કોરોનાના વધતા જતા કેસોની કોઈ નોંધ લેતું નથી. ન તો એનાથી રાજનેતાઓના જાહેર કાર્યક્રમોમાં કોઈ ફેર પડે છે અને ન તો કોઈ નાગરિકોની વ્યક્તિગત દિનચર્યામાં કંઈ ફેરફાર થાય છે. જેવી ઘોર ઉદાસી બીજી લહેર પહેલા હતી અદ્દલ એવી જ સંસારલીલા ત્રીજી લહેર પહેલા અત્યારે દેખાય છે.

ગત મે મહિનામાં કોરોના કેસની સંખ્યા, યાતના અને મૃત્યુ પરાકાાએ પહોંચ્યા પછીથી સતત કેસો ઘટતા રહ્યા હતા. એ નિરંતર ઘટાડો કોઈ કોઈ રાજ્ય અને શહેરોમાં શૂન્ય સુધી પહોંચી ગયો હતો. પરંતુ ગયા સપ્તાહે કોરોનાએ યુ ટર્ન લીધો છે અને ફરી કેસ વધવા લાગ્યા છે. કોરોનાના સૌથી વધુ કેસ ભલે કેરળમાં હોય પરંતુ નવા કેસોમાં અભિવૃદ્ધિ તો દિલ્હી સહિતના દેશના તેર રાજ્યોમાં જોવા મળે છે.

કેસ સતત ઘટવાનો સિલસિલો હવે ઈતિહાસ બની ગયો છે અને એ જ સાવચેતીની ઘંટડી છે. ત્રીજી લહેરની જે વાતો આપણા કાનમાં ઘણા સમયથી પડઘાય છે એ સમય હવે નજીક આવી ગયો છે. આ વખતે વિશેષ તો પહાડી પ્રદેશો પર કોરોનાનો પંજો વધુ આક્રમક છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં તો કેસોનો વધારો અનુક્રમે ૬૪ અને ૬૧ ટકા છે. દુનિયાના અન્ય અનેક દેશો કોરોનાના નવા વધતા કેસોમાં ફસાઈ ગયા છે. જાપાનમાં ઓલિમ્પિક ખેલ તો કાર્યક્રમ પ્રમાણે ચાલી જ રહ્યા છે પરંતુ કોવિડ કેસોની વધતી જતી સંખ્યાને કારણે દેશના અનેક પ્રદેશોમાં કટોકટી જાહેર કરવી પડી છે. ચીને તો એવું અભિમાન વ્યક્ત કર્યું હતું કે અમારે ત્યાં કોરોનાનો મૃત્યુઘંટ વાગી ચૂક્યો છે.

પરંતુ હવે ત્યાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. નાનજિંગ શહેર એનું નવું પ્રસ્તાર કેન્દ્ર છે. પચાસ ટકાથી વધુ નાગરિકોને વેક્સિન અપાઈ ગયા પછી પણ અમેરિકામાં સંક્રમણ વધી રહ્યું છે. યુરોપીય દેશોમાં પણ એવી જ સ્થિતિ હવે છે. મંથર ગતિને કારણે આપણા દેશમાં તો ટીકાકરણની જ ટીકા કરવી પડે એવા સંયોગો છે.

ભારતમાં આ હમણાં પૂરા થયેલા જુલાઈ માસના અંતમાં વેક્સિનેશનના જે આંકડાઓ સરકારે જાહેર કર્યા છે એ ઓછા હોવાને કારણે ચિંતાજનક છે. પુખ્ત કે મોટી ઉંમરના કુલ ૯૪ કરોડ નાગરિકોમાં જુલાઇના અંત સુધીમાં માત્ર ૧૦.૩ કરોડ લોકોને જ વેક્સિનના બન્ને ડોઝ અપાયા છે. એનો અર્થ છે કે લગભગ અગિયાર ટકા નાગરિકો સુધી જ ડબલ ડોઝ પહોંચ્યા છે. થોડા સમય પહેલાના સિરો સર્વેક્ષણના તારતમ્યે રાહત આપી હતી.

પરંતુ એ સર્વેક્ષણ અનુસાર દેશમાં ૪૦ કરોડ લોકો એવા છે કે જેમનામાં એન્ટી બોડિઝ વિકસ્યા નથી. એનો બીજો એક અર્થ એ પણ છે કે ત્રીજી લહેરનું જોખમ ઓછું હોવાનો જે બૌદ્ધિક વ્યાયામ દેશભરમાં ચાલી રહ્યો છે તે નાગરિકોને વ્યર્થ અને ભ્ર્રામક આશ્વાસન આપવાના ઉપક્રમથી વિશેષ કંઈ નથી. કોઈ પણ તર્ક લડાવીને ત્રીજી લહેરને હળવી બતાવવાનો ખેલ ખરેખર તો ખતરો સે ખેલને કા ખેલ હૈ. વર્તમાન સંજોગોમાં બચાવકારક ઉપાયોમાં ઝડપ આવે એ એક જ આરાધ્ય પુરુષાર્થ છે જે સરકાર અને પ્રજા એમ ઉભય પક્ષે અનિવાર્ય છે.

ત્રીજી લહેરને ખાળવા માટે વેક્સિનેશનની કાર્યવાહીને યુદ્ધના ધોરણે પૂરી કરવી જરૂરી છે. સત્તાધારી અને વિપક્ષો વચ્ચેના વાકયુદ્ધને સાઈડમાં રાખીને જુઓ તો ગયા મહિને ભારત સરકારે અંદાજે ૬૬ કરોડ ડોઝ વેક્સિનનો ઓર્ડર આપ્યો છે. એના પરથી એટલી વાત તો નક્કી છે કે ગયા મહિને વેક્સિનની જે તંગી દેશના બહુધા રાજ્યોએ અનુભવવાની આવી તેવી તંગીનો અનુભવ આ વખતે નહિ લેવો પડે. સરકારી તંત્રને પોતાની એક મર્યાદા હોય છે અને એની સામે સામાન્ય નાગરિકોની બેદરકારી પણ મહત્વની છે.

ચાલુ વર્ષના અંત સુધીમાં જો પુખ્ત અને વયસ્ક લોકોને વેક્સિન આપવાનો લક્ષ્યાંક પૂરો કરવો હોય તો દરરોજ લગભગ ૯૨ લાખ લોકોને વેક્સિન આપવી જોઇએ. હાલ વેક્સિનેશનનો જે કાર્યક્રમ ચાલે છે તેની ગતિ અત્યારે રોજના ૩૮ લાખ ડોઝની છે, જે વધારવાની તાત્કાલિક જરૂર છે. આ ઉપરાંત કોરોના નવા વેરિયન્ટ ઉપર વેક્સિનનો કેવોક પ્રભાવ પડે છે તે પણ જોવાનું છે. વેક્સિનેશનમાં સરકારની ભૂમિકા બહુ મહત્ત્વની છે પરંતુ એ સિવાય દરેક નાગરિકે કોરોના પ્રતિરોધક નિયમોનું તો ચુસ્ત રીતે પાલન કરવાનું જ રહે છે. કોરોના કેસ જ્યારે વધે છે ત્યારે શરૂઆતમાં જ તબક્કાવાર વધે છે, પરંતુ પછી તો એક સામટા વધી જાય છે.

લોકોનું ધ્યાન જાય કે હવે ખરેખર સાવધાન થવાની જરૂર છે, ત્યારે તો કોરોના તેમના શરીરમાં પ્રવેશી ગયો હોય છે. આ બીજી લહેરનો અનુભવ છે. ત્યારે બધા એમ જ સમજતા હતા કે વાતાવરણ વધુ ગંભીર થશે ત્યારે આપણે ધ્યાન રાખીશું, પછી તેઓને ખ્યાલ જ ન રહ્યો કે વાતાવરણ અને તેઓ પોતે બંને ક્યારેય ગંભીર થઈ ગયા. એટલે કે અત્યારનો સમય જ સંપૂર્ણ સાવધાની દાખવવાનો સમય છે. 

જેઓ એમ માને છે કે હજી એ માટેનું મુહૂર્ત આવવાનું બાકી છે, તેમના પર કોરોનાનું જોખમ રહે છે. આ વાત થોડી ડરાવનારી લાગે, પરંતુ આગોતરું પ્રાપ્ત થતું કડવું સત્ય હંમેશા કલ્યાણકારી હોય છે એમ સુભાષિતકાર કહે છે.


Google NewsGoogle News