ચોખા અંગેની ચોખ્ખાઈ .
ભારત તેના પાડોશી બાંગ્લાદેશ સાથે પડકારજનક પરિસ્થિતિમાં છેલ્લા થોડા મહિનાઓથી છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ભારતે બાંગ્લાદેશને હજુ પણ માનવતાના ધોરણે સહાય કરવી જોઈએ? બાંગ્લાદેશમાં ભારતની આઝાદી પહેલાંથી ઘણી બધી લઘુમતી કમ્યુનિટી રહે છે, જે મૂળ ભારતીય જ છે. તેમાં હિંદુઓ મુખ્ય છે. અને હવે બાંગ્લાદેશમાં તે લોકો સાથે બહુ ખરાબ વ્યવહાર થાય છે તો ભારતે હજુ પણ રાબેતા મુજબ ૫૦,૦૦૦ ટન ચોખા મોકલવાના ચાલુ રાખવા જોઈએ? ભારત પાડોશી મુલ્કોને મદદ કરવા માટે જાણીતો દેશ છે, પરંતુ મદદની ભાવનાનો ખરાબ રીતે બદલો વાળવામાં આવતો હોય ત્યારે ભારતની પ્રાદેશિક મુત્સદ્દીગીરીમાં વ્યાપક મૂંઝવણ ઊભી થાય તે સ્વાભાવિક છે.
ઓગસ્ટ ૨૦૨૪માં શેખ હસીનાની સત્તા પરથી હકાલપટ્ટી કરવામાં આવી ત્યારથી બાંગ્લાદેશના રાજકીય વાતાવરણમાં ઝડપી ફેરફારો થયા છે. નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર પર કટ્ટરપંથી ઇસ્લામિક જૂથો માટેનું મોહરું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ જૂથોએ માત્ર હિંદુઓ સામેના જુલમને જ પ્રોત્સાહન આપ્યું નથી, પરંતુ બાંગ્લાદેશને પાકિસ્તાનની નજીક ખેંચ્યું છે. ૧૯૭૧માં કરોડોના ખર્ચે અને સેંકડો ભારતીય સૈનિકોના બલિદાન આપીને બાંગ્લાદેશને પાકિસ્તાનની ચુંગાલમાંથી આઝાદ કરાવ્યું હતું. આજે એ જ બાંગ્લાદેશ ભારત સામે લાલ આંખો કરીને બેઠું છે.
બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ ગંભીર છે. છેલ્લા દાયકાઓમાં જુલમ, હિંસા અને ભેદભાવને કારણે તેમની વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તાજેતરના હુમલાઓ, જેમ કે ઇસ્કોનના ચારુ ચરણદાસનો કિસ્સો લઘુમતી સમુદાય ઉપરના જોખમો દર્શાવે છે. બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય હવે સતત જોખમમાં જીવે છે. કટ્ટરવાદી તત્ત્વો તેમને રાજકીય અને સામાજિક રીતે સતત હાંસિયામાં ધકેલીને હેરાન કરી રહ્યા છે. એક ગણરાજ્ય તરીકે અને સારા પાડોશી તરીકે ભારતે હંમેશા લોકશાહી, બિનસાંપ્રદાયિકતા અને લઘુમતી અધિકારોનું સમર્થન કર્યું છે. જોકે, બાંગ્લાદેશમાં હિંદુઓની દુર્દશા અંગે ભારતે હંમેશા પ્રતિક્રિયા સાવધ રહીને આપી છે, પણ તેમાં નિવેદનો સિવાય કોઈ નક્કર પગલાં હોતાં નથી. ભૌગોલિક રાજકીય વાસ્તવિકતા જટિલ છે. ભારત દ્વારા કોઈપણ મજબૂત કાર્યવાહી ન થવાથી માત્ર બાંગ્લાદેશમાં જ નહીં, પરંતુ આપણી પોતાની સરહદો પર પણ તીવ્ર પ્રતિક્રિયા પેદા કરી શકે છે. કટ્ટરપંથી વિચારધારાઓના સમર્થકો અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી શકે છે. આ પડકાર ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં તીવ્ર છે, જે બાંગ્લાદેશ સાથે ઊંડા સાંસ્કૃતિક અને રાજકીય સંબંધો ધરાવતું સરહદી રાજ્ય છે.
બાંગ્લાદેશના વચગાળાના નેતૃત્વને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનું સમર્થન મળ્યું છે અને યુનુસની યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાતે આ સંકેત આપેલો છે. હિંદુઓના અત્યાચારને બિન-સાંપ્રદાયિક મુદ્દા તરીકે દર્શાવતા તેમનાં નિવેદનો ટીકાને દૂર કરવા માટે ચલાવવામાં આવી રહેલી વ્યૂહાત્મક કથાને પ્રકાશિત કરે છે. વર્તમાન સમય નાજુક હોવા છતાં બાંગ્લાદેશને ચોખાની સપ્લાય કરવાનો ભારતનો નિર્ણય તેના અભિગમ પર પ્રશ્નો ઊભા કરે છે. બાંગ્લાદેશનું અર્થતંત્ર આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ માટે મોટાભાગે ભારત પર નિર્ભર છે. આ નિર્ભરતાનો લાભ ઉઠાવવો કે નહીં તે ભારતે વિચારવું રહ્યું. જોકે, આવી વ્યૂહરચના સાવધાની સાથે ગોઠવવી જોઈએ. જ્યારે ભારતે માલદીવ જેવા પાડોશી દેશોને પ્રભાવિત કરવા માટે રાજદ્વારી અને આથક માધ્યમોનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે, ત્યારે બાંગ્લાદેશની સ્થિતિ વધુ અસ્થિર છે. સશ કટ્ટરવાદી જૂથોની હાજરી અને અશાંતિની તલવાર હંમેશા લટકતી રહે છે.
ભારતના વિકલ્પો માત્ર આથક દબાણ સુધી મર્યાદિત નથી. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને જોડાણો દ્વારા રાજદ્વારી પ્રયાસો પણ થઇ શકે છે. વૈશ્વિક મંચો પર બાંગ્લાદેશના લઘુમતીઓની દુર્દશા દેખાડવાથી બાંગ્લાદેશ પર દબાણ આવી શકે છે. ઉપરાંત, ભારતે સહાય માટેના તેના અભિગમનું પુનઃમૂલ્યાંકન કરવું જોઈએ. બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશનરનું પરસ્પર સંબંધ અને વિકાસ પર ભાર મૂકતું નિવેદન આશાવાદી લાગે છે, પરંતુ જમીની વાસ્તવિકતાથી અલગ છે.
બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર એ માત્ર સ્થાનિક મુદ્દો નથી. ભારત ખાતરી કરી શકે છે કે તેની સહાય માત્ર હિંદુઓ માટે જ નહીં, પરંતુ બાંગ્લાદેશના તમામ સંવેદનશીલ સમુદાયો માટે સ્થિરતા, સમાવેશ અને સુરક્ષાને પ્રોત્સાહન આપે છે. ભારતને પડોશમાં બે પાકિસ્તાન નહીં પોસાય.