Get The App

ભ્રામક વિકાસની વારતા .

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
ભ્રામક વિકાસની વારતા                                 . 1 - image


છેલ્લાં કેટલાંક વર્ષોમાં, ભારતે વૈશ્વિક શક્તિ તરીકે તેના ઉદય અને અચ્છે દિનના વચન વિશે મહત્ત્વાકાંક્ષી વાકપ્રવાહો જોયા છે. આમ પણ એક જ બાબતનું પુનરાવર્તન કરવામાં આવે તો તેને એક સમુદાય જ શું પણ સમસ્ત સંસાર સત્યમય માને છે. જોકે, ડેટા અને ગવર્નન્સનાં વલણો પર નજીકથી નજર કરીએ તો આકાંક્ષાઓ અને સિદ્ધિઓ વચ્ચે વધતો જતો તફાવત દેખાય છે. ભારતભરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારાઓ દેખાઈ રહ્યા છે. આર્થિક વૃદ્ધિ, રોકાણ અને શાસન સંબંધિત ઘણા કોયડાઓ વણઉકેલાયેલા છે. માટે વર્લ્ડ પાવર તરીકે પ્રોજેક્ટ થઈ રહેલા ન્યુ ઇન્ડિયા, પાવરફુલ ઇન્ડિયાના દાવાઓ ઉપર થોડી શંકા જાય છે. ભારતમાં છેલ્લાં દસ-પંદર વર્ષમાં થયેલો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ નિર્વિવાદ છે. બધાં નાનાં કે મોટાં શહેરોમાં પુલ બની રહ્યાં છે, શહેરથી ત્રીસ કિલોમીટર દૂર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વિકસી રહ્યા છે (જેની છત ચોમાસામાં પડી જતી હોય છે).

આધુનિક એરપોર્ટ ટર્મિનલથી લઈને નવા એક્સપ્રેસવે અને મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્કથી લઈને ઘણા નવા એકસપ્રેસ વેના ઉદઘાટનો થતાં રહે છે. આવા પ્રોજેક્ટ્સનું પ્રદર્શન સહેલું છે અને માટે પ્રજાની વાહવાહી મેળવવી પણ કઠિન નથી. પરંતુ શિક્ષણ જેવાં ક્ષેત્રોનું શું, જ્યાં વિકાસ અને તેના નક્કર પરિણામો અમૂર્ત હોય છે. માટે પ્રજાની નજરે વિકાસ કે પતન આવતા નથી. માટે ઘણાં ક્ષેત્રો ઓરમાન અને સરકાર દ્વારા ઉપેક્ષિત રહે છે. ભાજપની આગેવાની હેઠળની સરકાર હેઠળ રહેલા ભારતનું મેક્રો ઇકોનોમિક પ્રદર્શનનું ચિત્ર થોડું ઓછું આશાવાદી છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)નો ડેટા સૂચવે છે કે GDPની ટકાવારી તરીકે ભારતમાં થતું કુલ રોકાણ ૨૦૧૪થી ઘટયું છે. જીડીપીમાં વૃદ્ધિ અને માથાદીઠ આવક પણ કોંગ્રેસના નેતૃત્વવાળા યુગ (૨૦૦૪-૨૦૧૩)ની કામગીરી કરતાં પાછળ રહી ગઈ છે એવું તે સંસ્થાનું કહેવું છે. કોંગ્રેસના શાસન દરમિયાન ભારતનો જીડીપી વાર્ષિક સરેરાશ ૬.૮૧%ના દરે વૃદ્ધિ પામ્યો હતો, જ્યારે ભાજપ હેઠળ આ આંકડો ઘટીને ૫.૯૫% થયો હતો.

જો આપણે કોરોનાકાળનાં વર્ષોને ગણતરીમાં ન લઈએ તો પણ, ભાજપના નેતૃત્વ હેઠળ ૬.૮%નો વિકાસદર પણ લગભગ કોંગ્રેસના યુગ જેવો જ છે, જેમાં કોઈ પરિવર્તન છે નહી. ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ જેવા વિવેચકોએ ધ્યાન દોર્યું છે કે જીડીપીની ગણતરીની પદ્ધતિઓમાં ફેરફારને કારણે તાજેતરના વૃદ્ધિના આંકડામાં વધારો થયો છે. ભારતના અર્થતંત્રની અનૌપચારિક પ્રકૃતિને કારણે અર્થતંત્રની સચોટ માપણી થઈ શકતી નથી. માટે વિકાસના જેટલા પણ દાવાઓ છે તેમાં તથ્ય કેટલું છે તે કહી શકવું અઘરું છે. માથાદીઠ આવક દ્વારા માપવામાં આવતું જીવનધોરણ કોંગ્રેસના શાસનમાં વર્તમાન કરતા બેહતર હતું.  ડાલરના સંદર્ભમાં, કોંગ્રેસ શાસન દરમિયાન વાર્ષિક વૃદ્ધિ ૧૦.૬૨% હતી જે હવે ઘટીને ૫.૮૮% થઈ ગઈ. આ મંદી ખાનગી વપરાશ અને અસમાન આવક વિતરણને પ્રતિબિંબિત કરે છે. 

આર્થિક વૃદ્ધિથી અપ્રમાણસર રીતે ધનિકોને ફાયદો થયો છે, જેના કારણે આવકની અસમાનતા વધી છે. અર્થશાી થોમસ પિકેટીનો અભ્યાસ દર્શાવે છે કે ભારતમાં આવકની અસમાનતા આજે બ્રિટિશ શાસન કરતાં વધુ ખરાબ છે. આ વિધાન ચર્ચાને લાયક છે તો પણ આવકની અસ્થિરતા સરેરાશ નાગરિક અનુભવે છે. રોજબરોજની નાની નાની ચીજવસ્તુઓ ઉપર ટેકસ લાગે છે તેના કારણે મધ્યમ વર્ગીય પરિવારો પરેશાન છે અને ભારતમાં આવા પરિવારો જ બહુમતીમાં છે. ગ્રાહકોની માંગ ઓછી થતી જાય ત્યારે ખાનગી ઉદ્યોગો રોકાણ કરવામાં અચકાય છે અને ખાનગી રોકાણના અભાવે ઔપચારિક ક્ષેત્રમાં રોજગાર સર્જનને નુકસાન પહોંચે.

વિશ્વ બેંકના ડેટા દર્શાવે છે કે ભ્રષ્ટાચારને અંકુશમાં લેવા અને રાજકીય સ્થિરતા જેવાં ક્ષેત્રોમાં ભાજપ સરકાર હેઠળ માત્ર સાધારણ સુધારો થયો છે. વડાપ્રધાન મોદીની શાસન શૈલી અક્કડ દ્રઢ નિર્ધાર દર્શાવે છે. જેમાં અસંમતિ માટે ઓછો સ્કોપ હોય છે અને સ્વતંત્ર મીડિયાને પણ જગ્યા નથી. એકંદરે ગવર્નન્સ સ્કોર સાધારણ રહે છે, જે ગવર્નન્સની ગુણવત્તાના સંદર્ભમાં ભારતને વૈશ્વિક સ્તરે અડધોઅડધ દેશો કરતાં નીચે મૂકે છે. ભારત ૨૦૪૭ સુધીમાં વિકસિત દેશ બનવાની ઈચ્છા ધરાવે છે, પરંતુ આ યાત્રા મુશ્કેલ લાગે છે. ૨૦૨૩માં માત્ર $૨,૫૦૦ની માથાદીઠ આવક સાથે મોટાભાગના ભારતીયો અસંતુષ્ટ છે અને ટેકસ ભરી ભરીને થાકી ગયા છે. ભારતનું વર્તમાન અથતંત્ર ધનિકો માટે ફાયદાકારક છે એવું પ્રજાને લાગે છે. વિકસિત અને સુપરપાવરનું લેબલ મેળવવા માટે ભારતે પાયાના પ્રશ્નો ઉકેલવા પડશે. 


Google NewsGoogle News