ડેન્ગ્યુના નવા પડાવ .
સુ ભાષિતકાર કહે છે કે પ્રજાને જો કોઈ રોગ થયો હોય તો એ રોગ રાજાને થયો છે એમ જ માનવું જોઈએ. જે રાજ્ય અને રાજા આમ ન માને તે પ્રજાનો ઝડપી ઉપચાર કરતા નથી. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ડેન્ગ્યુ તાવનો રોગચાળો છે. ત્રીજી લહેરના આગોતરા ટ્રેઇલર જેવો આ રોગ છે કારણ કે ડેન્ગ્યુ ઈમ્યુનિટી ખતમ કરી નાંખે છે. રોગ જ્યારે રોગચાળો બની જાય છે ત્યારે સરકારની જવાબદારી હોય છે કે તાત્કાલિક પગલા લેવામાં આવે.
ગુજરાત સરકારના આરોગ્ય ખાતાએ તો હજુ ડેન્ગ્યુની નોંધ જ લીધી નથી અને તત્ સંબધિત રાજ્યની સિવિલ હોસ્પીટલમાં કરવાના થતા હુકમોનો પણ વિચાર કર્યો નથી. આ વખતે અનેક બાળકો, કિશોરો અને યુવક-યુવતીઓ એવા છે જેઓ ડેન્ગ્યુને કારણે કોરોના જેટલા જ ગભરાઈ ગયા છે. અગાઉ સુરેન્દ્રનગર વિસ્તારમાંથી કોંગો ફિવરના પણ અનેક કેસો નોંધાયા હતા. આ વખતનું ચોમાસુ હજુ તો જામી રહ્યું છે ત્યાં જ ડેન્ગ્યુએ માથું ઊંચક્યું છે.
ડેન્ગ્યુ કરતાં ડેન્ગ્યુ છે કે નહિ એની પેથોલોજિકલ તપાસ અત્યારે નાગરિકોને ભારે પડી રહી છે. ખાનગી પેથોલોજી લેબના ભાવ-પત્રકો પર સરકારનું કોઈ નિયંત્રણ નથી. સરકારે એક વખત એ તપાસ કરવાની જરૂર છે કે આજકાલ આવી તમામ ખાનગી લેબોરેટરીમાં સવારથી સાંજ સુધીમાં કેટલા ટેસ્ટ રિપોર્ટ તૈયાર થાય છે અને ખાનગી લેબોરેટરીઓ કેટલો તગડો નફો કરે છે.
ડોક્ટરો સમાજને વફાદાર હોય છે પરંતુ એમાંના કેટલાકની તો લેબ સાથે એવી માયાજાળ ગૂંથાયેલી હોય છે કે રિપોર્ટની સાથે સમાંતર ડોક્ટરોના ફાઈનાન્સિયલ રિપોર્ટ પણ અપગ્રેડ થતા હોય છે. સરકારે ખાનગી લેબોરેટરીના ભાવપત્રકો તપાસીને પ્રજા લૂંટાઈ ન જાય એ જોવાની જરૂર છે. ગુજરાતમાં રિયલ એસ્ટેટમાં રોકાણકાર તરીકે તબીબોનો બહુ મોટો સમુદાય છે. એમાં મહેનતનો રૂપિયો હોય તો ઠીક છે પરંતુ કોઈ દરદીઓના આંસુઓના તાજમહાલ કાળની કેડીએ ટકી શકતા નથી.
રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલોમાં પેથોલોજી રિપોર્ટ સરકાર વિનામૂલ્યે કરાવી આપે છે. પરંતુ સિવિલ સુધી બધા પહોંચી શકતા નથી. ઉપરાંત દર્દીઓનો ધસારો પણ એટલો હોય છે કે સિવિલ પહોંચી ન વળે. જો કે આદર્શ સ્થિતિ એ છે કે સામાન્ય નાગરિકોએ સરકારી વિનામૂલ્યની તબીબી સેવાઓનો વધુમાં વધુ લાભ લેવો જોઈએ. ડેન્ગ્યુની કોઈ અક્સીર ઔષધિ હજુ ડોક્ટરોના હાથમાં આવી નથી. કેટલાક કારગત આયુર્વેદિક ઉપચારો પણ લોકો અજમાવે છે.
પરંતુ અલ્ટીમેટ રેમેડી હજુ લાપતા છે. ગુજરાતી પ્રજા એની જીભની આસ્વાદ જિજ્ઞાાસાની ગુલામ છે. લોકો હજુ આજે પણ કહેવાતા હેલ્થ કોન્સ્યસના જમાનામાં પણ અવિચારી વર્તણુક કરીને આડેધડ સમી સાંજની જયાફતો માણે છે. જે સમયે એના પરિણામો દેખાવા લાગે છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે.
વળી બાહરી ખોરાક અને ચટપટા સ્વાદના મોહ સાથે પચાસ ટકા ગુજરાતીઓ કોઈ ને કોઈ વ્યસનનું પાલન કરતા હોય છે અને એટલે તેઓ તો ઝડપથી પથારીમાં પડે છે અને પછી જ શરીર એનો બધો હિસાબ લેવાની શરૂઆત કરે છે. વ્યસન માણસને પરાધીન બનાવતું કરતબ છે. કરતબ એટલે કે ભલભલા વિદ્વાનો એમાં ડૂબી ગયેલા છે.
માણસની સ્વતંત્રતા ભૌગોલિક હોઈ શકે, રાજકીય હોઈ શકે. પરંતુ પોતાની મસ્તીને કૃત્રિમ રીતે ઉદ્દીપ્ત કરવાની નિયમિત તલપ ગુલામી છે. વ્યસની માણસ પોતાની આદતોની ચુંગાલના વંટોળમાં એક વખત ફસાઈ ગયો પછી એ ભૂલભુલામણીમાંથી બહાર નીકળવું અતિકઠીન થઈ જાય છે. પૈસો પૈસાને ખેંચે એમ વ્યસન પણ વ્યસનને ખેંચે. વ્યસનનો ચેપ પોતાને ન લાગે તેના માટે માણસમાં આત્મશક્તિનું ઉચ્ચ પ્રમાણ જોઈએ.
કોઈ એક પાન-પડીકી કે કોઈ એક પ્રવાહી કે ધુમાડાની અંદર કેટલીયે જિંદગીઓ હોમાઈ ગયેલી છે તેના સાક્ષી જગતભરના અનેક કબ્રસ્તાનો છે. વ્યસનથી કોઈ પણ રીતે માણસની ઉન્નતિ થાય એવું માનનાર માણસ માનસિક રોગી છે. અનારોગ્ય સદાય ભારે આર્થિક ઘસારો પણ પહોંચાડે છે.
એક તો કામ થઈ શકે નહિ અને ખર્ચ વધે. એવું નથી કે કોઈ ગુજરાતી આ હકીકતો જાણતો નથી, પરંતુ જલસાખોરીના મોહમાં આ સામાન્ય જ્ઞાાનની ઉપેક્ષા કરે છે જે એને જિંદગીના એક અસામાન્ય જોખમ તરફ દોરી જાય છે. ઉકરડા પાસેની પાણીપુરીની લારી પર ગુજરાતી સિવાય કોણ ઊભા રહી શકે. અનેક દરોડાઓમાં સાબિત થયું છે કે અનેક આહાર આરોગ્યદાયી નથી તો પણ આપણી રસના એટલે કે જીભની તો રચના જ એવી છે કે જ્ઞાાન એની પાસે પાણી ભરે છે.