નયી દુનિયા નયા કદમ .
વિક્રમ સંવંત ૨૦૮૧નો સૂર્ય દૂર પૂર્વની ક્ષિતિજે ઉદયમાન થઈ રહ્યો છે. સમગ્ર ભારતવર્ષમાં વિક્રમનું નવું વર્ષ એક મહાન લોકોત્સવ છે. હૃદયની ઉર્મિઓની અભિવ્યક્તિ અને શુભેચ્છાની આપ-લેથી પ્રાતઃકાળની શરૂઆત થાય છે. સંતાનો પોતાનાં માતા-પિતા અને વડીલોના ચરણમાં છુપાયેલા સ્વર્ગને સ્પર્શ કરે છે અને વડીલો પોતાની પછીની પેઢી પર શુભાશિષની અમૃતવર્ષા કરે છે. ટેકનોલોજીએ આપણા માનવ સંબંધોમાં નવી રંગોળી પૂરી છે. તો પણ ભારતીય સંસ્કૃતિનો આત્મા હજુ એનો એ જ રહ્યો છે. વિક્રમનું વીતેલું વર્ષ વિવિધ દેશો વચ્ચેના યુદ્ધોન્માદ અને આર્થિક ઉથલપાથલમાંથી પસાર થયું. આમ તો છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી ભારતીય પ્રજા એક ન સમજાય તેવા મોંઘવારીયુક્ત સંકટમાંથી પસાર થઈ રહી છે. હજુ સુધી એમાંથી કોઈ એવો સ્પષ્ટ માર્ગ એને મળી આવ્યો નથી કે જે ચોક્કસ ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જાય. દર વરસે દુનિયા બદલાઈ જાય છે. અને તોય આશા અમર રહે છે.
હજુય આર્થિક બાબતોમાં ભવિષ્ય પરત્વે લોકમાનસમાં ધુમ્મસ છવાયેલું છે. હજુ ખરીફ પાક ખેતરથી ખળા સુધી આવવાને થોડીક વાર છે અને હેમંત ઋતુના પવનમાં રવિપાકની મોસમનો આ વરસે વિલંબિત શુભારંભ થશે. શિયાળાના પવનની શરૂઆત થઈ ગઈ છે. મંદ મંદ સમીર વહેતો થયો છે. ચોમાસામાં જે સારો વરસાદ થયો એને કારણે ક્યાંક અતિવૃષ્ટિ પણ થઈ, પરંતુ રાષ્ટ્રીય સરેરાશ જુઓ તો છેલ્લા ચોમાસાના વરસાદને તમામ નદીઓ, તળાવો અને ડેમ છલકાઈ ગયાં છે.
ખરીફ પાક બજારમાં આવશે અને એમાંથી જે આવક થશે એ ખેડૂતો માટે પાછલી બાકીની પરિપૂર્તિ કરવામાં અને જૂના ખર્ચના ખાડાઓને પૂરવામાં વપરાઈ જશે. ઘણા બધા ખેડૂતો આ વખતે લીલા દુષ્કાળનો અનુભવ કરી રહ્યા છે. તેમ છતાં જેમને સમયસરનો સપ્રમાણ વરસાદ મળ્યો છે તેઓના દ્વારા ચોમાસાના સારા કૃષિલક્ષી પરિણામરૂપે બજારમાં નવો રૂપિયો ફરતો થશે. વળી, એના પછીની રવિપાકની જે મોસમ આવશે એની ફળશ્રુતિ રૂપે પ્રાપ્ત ધન અને ધાન્યને કારણે ભારતીય બજાર અણધારી ઊંચકાશે. અત્યારે દેશમાં સરકાર નથી સ્વીકારતી એવી મંદી અસ્તિત્વ ધરાવે છે એ એક હકીકત છે. પરંતુ એનો આધાર લઈને કેટલાક લોકો જાણે કે ભારત દસ વરસની ઘોર મંદીમાં ધકેલાઈ જવાનું હોય એવા કોષ્ટકો લઈને મીડિયામાં ફરી રહ્યા છે તે તો અતિશયોક્તિ છે અને અમુક હદે હાસ્યાસ્પદ પણ છે.
કારણ સ્પષ્ટ છે કે ભારત વિશ્વના નક્શામાં એક કન્ઝયુમર કન્ટ્રી છે. આપણી આટલી વિરાટ જનસંખ્યા માટે એની મુખ્ય જીવનધારા નિભાવવા ચીજવસ્તુઓની ખરીદી અને વેચાણ અનિવાર્ય છે. એને કારણે ઉત્પાદન પ્રક્રિયા પણ અનિવાર્ય છે અને એ જ કારણસર દેશના અર્થતંત્રનું ગતિમાન રહેવું પણ સ્વાભાવિક છે. આ પરિસ્થિતિમાં વરસાદે જે કમાલ કરી છે તે આ કારતકથી શરૂ થયેલા નવા વરસના છએક મહિના પછી પોતાનો અસલી રંગ બજારમાં બતાવશે. એને કારણે ભારતીય બજારોમાં પૂર્ણતઃ તેજી આવવાની સંભાવના છે. ભારતમાં વિવિધ સરકારોએ અગાઉ ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને ચીન, અમેરિકા, ફ્રાન્સ અને સ્પેનની જેમ દેશને ઔદ્યોગિક ઉત્ક્રાંતિવાદ તરફ લઈ જવાનો જબરજસ્ત પ્રયત્ન વારંવાર કર્યો છે તો પણ ભારતના અર્થતંત્રની મુખ્ય આધારશીલા હજુ સુધી ઉદ્યોગો બની શક્યા નથી. આજે પણ ભારતનું કૃષિક્ષેત્ર જ અર્થતંત્રની મુખ્ય કરોડરજ્જુ છે.
જમીન માલિકો બધા જ ખેડૂતો નથી. મોટાભાગના ખેતીના વહીવટદારો છે એટલે કે ખોટા ખેડૂતો છે અને ખેતી તો દિવસ-રાત મહેનત કરતા ખેતમજૂરોના હાથમાં જતી રહી છે. તો પણ ભારતમાં ખેતી પરંપરાગત રીતે અને સમજણપૂર્વક થાય છે. ભલે ખેતીનું પૂર્ણતઃ આધુનિકીકરણ ન થયું હોય અને જમીન માલિકોની નવી પેઢી ખેતીથી વિમુખ હોય તો પણ જે રીતે ખેતી કરવામાં આવે છે તે રીત હજારો વર્ષોના અનુભવ પછી નીપજેલી પ્રણાલિકા પ્રમાણેની છે. વિક્રમનું નવું વર્ષ ભારત માટે વ્યાપાર, વાણિજ્ય, સાર્વત્રિક વિકાસ, જનારોગ્ય અને સરહદી સમસ્યાઓના સંદર્ભમાં મહત્ત્વનું છે. આ એક એવું વરસ શરૂ થયું છે જેમાં નેતાઓની, પ્રજાની અને બુદ્ધિમાન ગણાતા સરકારના પ્રતિનિધિ જેવા વરિ અધિકારીઓની ખરેખરી કસોટી છે. ભારતીય પ્રજા એક શ્રદ્ધાવાન પ્રજા છે. એના હૃદયમાં ઊંડે ઊંડે સાત્વિકતા, પરોપકાર અને ધર્મપ્રિયતા છે. દેશના કેટલાક રાજપુરુષો પ્રજાની લાગણી સાથે ક્યારેક રમત રમે છે અને જનજીવન ડહોળે છે. એનાં ઉદાહરણો એક શોધવા જતા અનેક મળે તેમ છે. તો પણ ભારતીય પ્રજાના અંતઃકરણના જળ હજુ એવાંને એવાં જ નિર્મળ, વિશુદ્ધ અને આછરેલાં છે. ભીતરના જળ હજુ ડહોળાયાં નથી અને એ જ સમગ્ર ભારતની રાષ્ટ્ર તરીકેની સૌથી મોટી તાકાત છે. વિક્રમનું નવું વર્ષ પ્રજા માટે અનેક અમર આશાઓ લઈને પ્રગટ થઈ રહ્યું છે, પ્રજા એને સ્વયં પરત્વેના આત્મવિશ્વાસ અને રાષ્ટ્ર તરફના વિશ્વાસથી આવકારશે.