Get The App

અરૂણાચલમાં ડેમ નિર્માણ .

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
અરૂણાચલમાં ડેમ નિર્માણ                                  . 1 - image


અરુણ એટલે કે સૂર્ય ઉદય જે જગ્યાએ થાય છે તે રાજ્યની ખૂબસૂરતી જ અભિશાપ બની ગઈ છે. મલિન મુરાદ ધરાવતા ચીનને અરુણાચલ પ્રદેશ હડપ કરી જવું છે અને તેના માટે તે વૈશ્વિક મંચ પર કાગારોળ પણ કરતું રહે છે. અત્યારે તો જોકે મુદ્દો અલગ છે. ગુજરાતમાં જે નર્મદા નદી પરના સરદાર ડેમ વખતે થયેલું એવું જ ત્યાં સિયાંગ ડેમ માટે થઈ રહ્યું છે. ગરમાગરમ ચર્ચાઓ અને જાહેર માર્ગો પર વિરોધી આંદોલનોની ચિમકી અને સરકારી કામોમાં અવરોધ લાવવાની ચેષ્ટાઓ ચાલુ છે. ચીન પોતે ભારત-પાકિસ્તાન, ભારત-નેપાળ અને ભારત-ચીન સરહદ ઉપર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને તોસ્તાન બનાવી રહ્યું છે. આ મોટી ચેતવણીની ઘંટડી છે. ચીનના આ ડેમ-વોરમાં આપણે ભાગ લેવો રહ્યો. માટે સિયાંગ ડેમના નિર્માણની તાતી જરૂર છે. જો આ ડેમ નિર્માણ પામશે તો ભારતનો સૌથી મોટો ડેમ તે ગણાશે. ઘણીવાર રાષ્ટ્રીય હેતુઓની આંટીઘૂંટી સ્થાનિક હવામાનને ગળે ઉતરતી નથી. એ સંદર્ભે અરૂણાચલમાં કેન્દ્ર સરકારને ડેમ નિર્માણ ભારે પડવાનું છે.

ચીન એક તરફ ત્સાંગપો નદી પર યાર્લુંગ ત્સાંગપો હાઈડ્રો પાવર સ્ટેશન ઊભું કરી રહ્યું છે જે ૬૦ ગીગા વોટ એનર્જી પેદા કરશે. ચીનની તડામાર તૈયારીના જવાબના ભાગરૂપે વર્ષો જૂનો પ્રસ્તાવ - સિયાંગ ડેમના નિર્માણની વાત હવે  આવી છે. આ ડેમનો હેતુ ફક્ત પાણીનો સંગ્રહ કે વીજળી ઉત્પાદન નથી. અરુણાચલ પ્રદેશમાં દર ચોમાસે પૂર આવે છે અને જાનમાલનું નુકસાન થાય છે. વધુમાં પૂર્વીય વિસ્તારની જમીનમાં પાણીનું સ્તર ઘટી ન જાય અને ત્યાંનાં નાનાં રાજ્યોને અકાળે દુકાળ ભોગવવો ન પડે તે પણ સિયાંગ ડેમના નિર્માણનો મહત્ત્વનો હેતુ છે, પણ ડેમ બનાવવો અને એ પણ દેશનો સૌથી મોટો ડેમ બાંધવો એ સરળ કામ નથી. 

ઘણાં બધાં સમીકરણો અને પ્રશ્નાર્થો ઊભા છે જેના નિરાકરણ વિના આ ડેમનું નિર્માણ શક્ય નથી. પર્યાવરણીય જોખમ, સમુદાયોના વિરોધ, અમુક જનજાતિઓનું સ્થળાંતરણ અને પૂર્વીય રાજ્યોનું અલગ જ રાજકારણ - કેન્દ્ર સરકારે એક સાથે ઘણાં બધાં પરિમાણો ઉપર કામ કરવું પડશે તો જ આ સિયાંગ ડેમ મૂર્તિમંત થશે, પણ છેલ્લા થોડા દિવસોમાં સિયાંગના ઉપરી વિસ્તારમાં અને પૂર્વીય જિલ્લાઓમાં આર્મી તૈનાત થઈ ગઈ છે માટે સ્થાનિક પ્રદેશમાં તણાવયુક્ત વાતાવરણ સર્જાયું છે. સ્થાનિકો હવે વિરોધ પ્રદર્શન ઉપર ઉતરી આવ્યા છે. માનવ અધિકારો માટે લડતા આંદોલનકારીઓનો ગ્રામવાસીઓને ટેકો છે. તે લોકો ફોરેસ્ટ રાઇટ્સ એકટના કાયદાઓ ટાંકીને ડેમના નિર્માણનું કામ કાયમ માટે સ્થગિત કરી નાખવાની માંગણી કરી રહ્યા છે. તેમના વિરોધનો સૂર એવો છે કે લશ્કરી સૈનિકોને તૈનાત કરવાથી સરકાર મરજી મુજબનું શાસન ચલાવી નહીં શકે. ત્યાંના સમુદાયો માટે પ્રશાસન સંવેદનશીલ નથી - એવા દાવાઓ પણ થવા માંડયા છે. પરિસ્થિતિ સ્પષ્ટ નથી. સરકારનો દાવો છે કે ૬૦ ટકા ગ્રામ વાસીઓ ડેમ-નિર્માણની તરફેણમાં છે. તો આંદોલન કરનારાઓ આ આંકડાને ખોટો ગણાવે છે અને આવા દાવાની સાબિતી ચાહે છે. પ્રક્રિયા બિલકુલ પારદર્શક નથી એવો આરોપ સરકાર ઉપર લાગ્યો છે. આટલા વિશાળ પ્રોજેક્ટ માટે ઇજનેરોની પહેલાં ત્યાંના સ્થાનિકોને મંજુરી જોઈએ જે સરકાર પાસે નથી. કોઈ પણ દેશનો કાયદો પણ એ જ કહે છે અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ જેવી સંસ્થાઓ જનજાતિઓના બચાવમાં પણ આ જ વલણ ધરાવે છે.

સામાજિક - રાજકીય તણાવ ઉપરાંત પર્યાવરણીય પડકારો ઘણા છે. અરુણાચલ પ્રદેશ સિસ્મિક ઝોન ગણાય છે, અર્થાત અહીં ભૂકંપ આવવાની શક્યતાઓ ઘણી વધુ રહે છે. આટલા મોટા સ્કેલનો ડેમ બાંધવો તે ત્યાંના જમીની બંધારણ સાથે છેડછાડ કહેવાય. આ ડેમના નિર્માણ માટે ઘણી ખેતીલાયક જમીન અને જંગલની ફળદ્રુપ જમીનનો નાશ થવાનો નક્કી છે. પાણીમાંથી મેળવાતી ઉર્જા, ક્લીન એનર્જી કહેવાય છે તો પર્યાવરણ અને ત્યાં રહેતા સમુદાયોને આટલું નુકસાન કરીને ઉત્પાદિત થતી ઊર્જાને ક્લીન એનર્જી કઈ રીતે કહી શકાય તે સવાલ ઉઠયો છે. સરકાર આ ડેમને રાષ્ટ્રીય સુરક્ષા કાજે મહત્વનો ઉપક્રમ ગણાવે છે. ચાઇનીઝ ડેમના જવાબ રૂપે સિયાંગ ડેમને ઊભો કરવાની વાત રાષ્ટ્રીય સુરક્ષાના સંદર્ભમાં ખોટી નથી, પરંતુ ભારતનાં નાગરિકો અને દેશની કુદરતી સંપદાને નુકસાન પહોંચાડીને તે નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવે તે કેટલું યોગ્ય? વળી તેના માટે લશ્કરી તાકાતનો ઉપયોગ કરવામાં આવ્યો એ તો લોકશાહી ઉપરનો હુમલો જ કહેવાય - એવો ત્યાંના લોકોનો મત છે.


Google NewsGoogle News