Get The App

રાહુલનો નવો ચક્રવ્યૂહ .

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News
રાહુલનો નવો ચક્રવ્યૂહ                                      . 1 - image


બહુ વરસો પછી કોંગ્રેસ જે બાબતે સભાન બની છે તે છે પ્રત્યાયન. એટલે કે કોમ્યુનિકેશન. કોંગ્રેસની છાવણીમાં હવે વિશિષ્ટ ભાષાશૈલી દ્વારા વિવિધ પુરાકલ્પનો, પ્રતીકો તથા અલંકારોના વિનિયોગથી પોતાનું એક અલગ પ્રભાવક્ષેત્ર ઊભું કરવાની કોશિશ થતી દેખાય છે. કુન્તકનો વક્રોક્તિ વિચાર અને આનંદવર્ધનનો ધ્વનિ વિચાર પણ એમાં હવે સમાવિષ્ટ છે. આજકાલ રાહુલ ગાંધી વિપક્ષના વડા તરીકે જે રીતે શાસકો તરફ ચક્રવ્યૂહની રચના કરે છે તે ખરેખર નવી નવાઈની વાત છે. અફસોસની વાત એ છે કે હજુ પણ આ નવી કેળવાયેલી સજ્જતા દ્વારા વારંવાર મુખ્ય મુદ્દાઓ હાંસિયામાં જતા રહે છે. તેમ છતાં આશ્વાસન આપનારી બાબત એ છે કે સંસદના વર્તમાન ચોમાસુ સત્રમાં ધમાલ અને બહિષ્કારને બદલે મુખ્ય સૂર શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચેની ચર્ચાનો છે, પરંતુ એ પણ સાચું છે કે આ ચર્ચા હજુ વધુ સકારાત્મક થઈ શકે એમ છે.

ચર્ચા દરમિયાન પણ જે પાસાઓ પ્રમાણમાં ઓછાં ગંભીર છે તે પ્રમુખ મુદ્દાઓ બની રહ્યા છે. નાણાંપ્રધાન નિર્મલા સીતારામને રજૂ કરેલા બજેટ પર વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગૃહમાં આપેલું લાંબુ ભાષણ ખૂબ ચર્ચામાં રહ્યું હતું. બજેટમાં કેટલીક સૂચિત જોગવાઈઓના વખાણ કરવાની તેમની પાસેથી કોઈએ અપેક્ષા નહોતી રાખી, પરંતુ તેમણે જે આકરી ટીકા કરી અને જે રીતે તેમણે રાજકીય અને બિનરાજકીય વ્યક્તિઓને ટીકાના ઘેરાવામાં લાવ્યાં, તે બધું શું જરૂરી હતું? એ જ રીતે કોંગ્રેસ માટે જ્ઞાાતિની વસ્તી ગણતરી મોટો મુદ્દો રહ્યો છે, પરંતુ બજેટ પરના ભાષણ દરમિયાન તેને આક્રમક રીતે ઉઠાવવાથી અને હલવા સમારોહ દ્વારા બજેટ બનાવનારા અધિકારીઓની જાતિનો પ્રશ્ન ઉઠાવવાથી ચૂંટણીમાં શું ફાયદો કે શું નુકસાન થઈ શકે છે? તે બજેટ પરની ચર્ર્ચાની ગુણવત્તામાં વધારો કરે તેવું કહી શકાય નહીં.

ક્યાં એક ઉચ્ચ અર્થશાસ્ત્રીય આયોજનાત્મક રાષ્ટ્રીય દસ્તાવેજ અને ક્યાં હલવો ચાખવાનું હાજરી પત્રક. રાહુલ સાચા હોય કે ખોટા, પણ હલવા સમારંભને જ્ઞાાતિ-જાતિનાં ચશ્માં પહેરીને જોવાની શી જરૂર? દુખની વાત એ છે કે શાસક પક્ષ પણ હસ્તક્ષેપ કરીને ચર્ર્ચાને કોઈ સ્વસ્થ દિશા આપી શક્યો નથી. બીજેપી નેતા અનુરાગ ઠાકુરે પોતાના ભાષણમાં કેટલીક સારી વાતો કહી, પરંતુ રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવેલા જાતિ ગણતરીના મુદ્દા પર તેમણે કહ્યું કે જે નેતા તેમની જાતિ જાણતા નથી તે જાતિની વસ્તી ગણતરી કરવાની વાત કરે છે તે ચર્ચાનું સ્તર વધારવા માટે પૂરતું નથી. અનુરાગ ચર્ચાને વધુ નિમ્ન સ્તર સુધી લઈ જવામાં સફળ રહ્યા. દરમિયાન, વિપક્ષે બજેટમાં રાજ્યો પ્રત્યે કથિત પક્ષપાતનો મુદ્દો ઉઠાવ્યો, જેના પર નાણામંત્રી નિર્મલા સીતારામને ગંભીરતાથી પ્રતિક્રિયા આપી.

બજેટ પર સંસદમાં ચર્ચાના સ્વસ્થ પાસાઓમાં ચોક્કસપણે એ વાત સાચી છે કે સંસદીય લોકશાહીમાં સંસદમાં થતી કોઈપણ ચર્ચાને ન તો રાજકારણની બહાર ગણી શકાય અને ન તો એવી અપેક્ષા રાખી શકાય કે તેમાં કોઈ ચૂંટણીલક્ષી પાસું ન હોય. તેમ છતાં, એ હકીકત છે કે દેશમાં હમણાં જ સામાન્ય ચૂંટણીઓ સંપન્ન થઈ છે અને તેના પરિણામે મળેલા જનાદેશનો ઉભય પક્ષ સદુપયોગ કરે તે જરૂરી છે. ચર્ચાઓ નિખાલસતા અને સ્પષ્ટતાથી થાય અને એના કેન્દ્રમાં પ્રજાનું હિત હોય ત્યાં સુધી લોકશાહી તંદુરસ્તી જળવાઈ રહે છે. ક્યારેક સંસદના બંને ગૃહોમાં અખાડાનું વાતાવરણ જોવા મળે છે. કમસેકમ રાજ્યસભામાં તો એક પણ વખત ધમાલ થવી જોઈએ નહીં, કારણ કે રાજ્યસભા તો દેશના પ્રબુદ્ધ પ્રતિનિધિઓની સભા છે, પરંતુ ત્યાં પણ આ રાજરોગ લાગુ પડી ગયો છે.

આપણા બંધારણમાં લોક પ્રતિનિધિઓને અમર્યાદિત સત્તાઓ આપવામાં આવી છે. સામાન્ય નાગરિકોએ જોયું હોય કે સંસદની અને વિધાનસભાની અંદર પ્રતિનિધિઓ ગમે તેવું વર્તન કરતા હોય છે તે એટલી હદ સુધી કે એમાં બિનસંસદીય ભાષાનો પણ ઉપયોગ થતો હોય છે. એટલું જ નહીં, તોડફોડ અને વિવિધ પ્રકારના દેખાવો પણ એમાં આવી જાય છે. આનું કારણ એ છે કે કોઈક વાર પ્રજાના અતિશય ગંભીર પ્રશ્ન પ્રત્યે શાસકો ઉપેક્ષા દાખવતા હોય ત્યારે તેની અંતિમ કક્ષાની રજૂઆત કરવા માટેની તક બંધારણે પ્રજાના પ્રતિનિધિઓને આપી છે અને માટે એ ખરેખર કોઈ અપરાધ ગણાતા નથી. પરંતુ પારસ્પરિક વૈમનસ્ય માટે આ સગવડનો દુરુપયોગ કરવો તે પક્ષોના અને દેશના સંયુક્ત દુર્ભાગ્ય છે. 


Google NewsGoogle News