ગામડાંઓને કોણ ગણે છે? .
મંદીનાં જુદાં જુદાં આવર્તનો અને પ્રવર્તનોમાં હવે ભારતીય રૂરલ માર્કેટનો સમાવેશ થઈ ગયો છે. ગત આકરા વરસના અંતના સર્વેક્ષણો બતાવે છે કે ભારતીય ગ્રામીણ બજારોમાં ઉત્પાદનો અને માલની ખપત છેલ્લાં સાત વરસના તળિયે પહોંચી છે. વળી, એનું કારણ માત્ર સંયોગો નથી. એટલે કે ભારતીય ગ્રામ વિકાસના અને કૃષિ કલ્યાણના જે ઢોલ સરકાર સતત વગાડે છે એનાથી વિપરીત વાસ્તવિક ચિત્ર હવે સપાટી પર આવ્યું છે. કિસાન આંદોલનનું કારણ માત્ર કૃષિ કાયદાઓ નથી, ખેડૂતો દુ:ખી છે અને હવે વધુ દુ:ખી થવા ચાહતા નથી એ પણ છે. છેલ્લાં ત્રણ વરસથી દેશના કૃષિ ક્ષેત્રમાં સરકારે જાહેર કરેલા ટેકાના ભાવો અનેક ઉપજમાં બજારભાવ કરતા નીચા રહ્યા છે. એટલે કે સરકારે ટેકાના ભાવે ખેડૂતોના ઉત્પાદનોની લેવાલી કરવી જ ન પડે એવી ચાલાકી પણ પ્રયોજી છે. દેશમાં એનો પડઘો પડી ચૂક્યો છે ને હજુ રાજ્યો તથા સ્થાનિક ચૂંટણીઓમાં એનો પડઘો પડશે.
મહારાષ્ટ્રના વિદર્ભના ખેડૂતોએ આ અંગે મોટું આંદોલન ઉપાડયું હતું, પરંતુ એનું કોઈ વિશેષ પરિણામ આવ્યું ન હતું. આપણા દેશના તમામ કૃષિ આંદોલનોનું ભવિષ્ય એ જ હોય છે કે એના પરિણામમાં કોઈ ફલશ્રુતિ કૃષિ ક્ષેત્રને પ્રાપ્ત થતી નથી. વિદર્ભના ખેડૂતોને પણ માત્ર આશ્વાસન જ મળ્યું હતું. અગાઉ દિલ્હીમાં ચાલેલા કિસાન આંદોલનમાં પણ સરકારે દરેક વાટાઘાટોમાં માત્ર વ્યર્થ આશ્વાસનોની જ છુટ્ટે હાથે લ્હાણી કરી હતી જે હવે ચાલે એમ નથી. તો પણ મહારાષ્ટ્રના ખેડૂતો દેશના અન્ય કિસાનોની તુલનામાં ઘણા એડવાન્સ છે. એનું એક કારણ એ છે કે પોતાની રાજકીય કારકિર્દીમાં ભલે બહુ સફળ ન નીવડયા અને મિડલ તથા અપર મિડલ લેવલ સુધી ચમકતા રહેલા શરદ પવારે પોતાના રાજ્યના ખેડૂતોનું ખરા દિલથી હિત કરેલું છે. એ વાત જુદી છે કે આજે મરાઠી ખેડૂતો શરદ પવારથી પણ વિમુખ થઈ ગયા છે.
આજે ગુજરાતના ગામડાઓમાં આરોગ્ય વ્યવસ્થાનો ધડો નથી. સમાચારોમાં આરોગ્ય કવચ માટે સરકાર લાખો રૂપિયા ફાળવતી હોવાની વાત ગામના ચોરે બેઠેલા ટોળાઓ વાંચે છે, પણ ગામમાં પહેલે પગલે જે પ્રાથમિક સારવાર મળવી જોઈએ એ કેમ મળે? કારણ કે સ્ટાફ તો નજીકના શહેરમાંથી શહેરઘેલા માસ્તરોની જેમ અપડાઉન કરે છે. મિ. મોદીએ અગાઉ પ્રાંત સરકારની વિચારધારા રજૂ કરી હતી જેમાં નાગરિકે પોતાના કોઇ પણ કામ માટે તાલુકાથી આગળ જવું ન પડે. પરંતુ કાળના પૂરપાટ પ્રવાહમાં એ બધું વીસરાઈ ગયું છે. આજે ગ્રામજીવન એક સજા બની ગયું છે. સરપંચો લાંચ લેતા પકડાય છે અને તલાટી કમ મંત્રી શું કરે છે એ એ જ જાણે છે. જે કેટલાક સરકારી કર્મચારીઓ શાસક પક્ષની ભયરહિત આરતી ઉતારવામાં વ્યસ્ત છે એમાં ગ્રામ નિયુક્ત કર્મચારીઓનો એક સમૂહ પણ છે. આજ સુધી દેશ કે રાજ્યના કોઈ પણ નાણાપ્રધાને નાટક કરવા ખાતર પણ બજેટ પહેલાં ગામડાઓમાં સભા યોજીને તેમને સાંભળવાનો ઉપક્રમ રાખ્યો નથી.
ભારતીય ગ્રામ સમાજમાં રૂપિયો ફરતો અટકી ગયો છે તેનું મહત્ત્વનું કારણ એ જ છે કે ખેડૂતો દેવામાફીની પ્રતીક્ષામાં ન તો જૂના દેવા ક્લિયર કરી શક્યા છે અને એને કારણે મધ્યસ્થ અને અન્ય સહકારી બેંકો એને નવી બાકી ઉપાડવા દેતા નથી. ખેડૂતોને વખતોવખત નાણાકીય સહાય કરવા માટેની સહકારી ધિરાણ મંડળીઓ સક્રિય રહી છે, પરંતુ એટલો ઉપાડ તો ઋતુ પ્રમાણેના પાક લેવામાં જ વપરાઈ જાય છે. એટલે કે દરેક ફસલ લેવામાં રોકાણ થઈ જાય છે, જેથી એ રૂપિયો બજારમાં ફરતો દેખાતો નથી. બીજું કારણ એ છે કે મંદીના સમયમાં ભારતીય ગ્રામ સમાજે તેની જરૂરિયાતો બહુ જ મર્યાદિત કરી છે. એક તો ગામડાઓ જ ખાલી થઈ રહ્યા છે એટલે સ્વાભાવિક છે કે ગ્રામસમાજનું આર્થિક ચિત્ર અને ગ્રામીણ અર્થતંત્ર નવા પતનને પ્રાપ્ત કરી ચૂક્યું છે. રાજ્ય કે કેન્દ્ર સરકાર પાસે ભારતીય ગ્રામીણ અર્થતંત્ર માટેની એકપણ એવી યોજના નથી જે વિવિધ ઉત્પાદકીય પ્રવૃત્તિઓ દ્વારા પાયાના ધબકારને પુન: ચેતનવંતો કરી શકે. દેશનાં નાણામંત્રી સહિત કોઈપણ રાજ્યના નાણામંત્રીને ગ્રામીણ અર્થતંત્રમાં બિલકુલ રસ ન હોય એવી જ તેમની પ્રવૃત્તિઓ જોવા મળે છે.
દેશમાં ગાંધીજીની સાર્ધશતાબ્દી ઉજવાઈ ગઈ છે. જે ગાંધીજીએ પોતાના આયુષ્યકાળ પર્યંત સતત ગામડાઓને બેઠા કરવા માટે જ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી એ ગામડાઓ પર આથક સંદર્ભમાં નજર નાખવા પૂરતો સમય પણ નાણામંત્રીઓ પાસે નથી. મોદી સરકાર તેની ત્રીજી ઈનિંગ્સમાં મનરેગાના ચૂકવણીનાં ધોરણો કંઈક ઊંચા કરશે અને રોજગારીના દિવસો પણ વધારશે એવી ગણતરી હતી, પરંતુ હજુ સુધી એનો અમલ થયો નથી. એટલે કે ગ્રામ વિસ્તારમાં ખેતમજૂરો માટે જે બેકારીનું ચિત્ર છે એમાં આજની મોંઘવારીમાં મનરેગા કોઈ પ્રાણસંચાર કરી શકે તેમ નથી.