આશાભર્યા વરસનો આરંભ .
ઈસુના નવા વરસનો પ્રારંભ થઈ રહ્યો છે. કડકડતી ઠંડીમાં શિશિર તુ પરાકાાએ પહોંચી રહી છે. વન અને ઉપવનમાં વૃક્ષ પરથી સોનેરી પાંદડાઓ ખરવા લાગ્યા છે. પાનખર તુ સમગ્ર વનશ્રી પર પોતાનું પ્રભુત્વ સ્થાપવા લાગી છે. દેશનું અર્થતંત્ર પણ પાનખરના સપાટામાં આવી ગયું છે. વિવિધ આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ ભારતના વિકાસદરનો અંદાજ સતત ઘટાડતા રહેવાનો ક્રમ ચાલુ રાખ્યો છે. જો કે વાસ્તવિકતા એ પણ છે કે દિવાળી પછી પ્રારંભિક તેજીને કારણે ઉત્પાદકોમાં નવી પૂછપરછ નીકળી છે અને કેટલાક કારખાનાઓ અથવા તો મોટા ઉત્પાદકોના કેટલાક યુનિટો ચાલુ થઈ ગયા છે. એ બધા હજુ અગાઉ જેવા ધમધમતા થયા નથી તો પણ ઉત્પાદન અને વેચાણનું ચક્ર પુનઃ ગતિશીલ બની રહ્યું છે. આ એક શુભ સંકેત છે. બજારમાં માલની ડિમાન્ડ હજુ ઓછી છે. ગ્રાહકો બહુ જ સાવધાનીથી ખરીદી કરતા થયા છે, એને કારણે જથ્થાબંધ અને છૂટક વેપારમાં હજુ નાણાંભીડ દેખાય છે દેશની બજારોની અને ગ્રાહકોની નજર હવે પહેલી ફેબુ્રઆરી આવનારા બજેટ પર છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘે ગઈકાલે જ ભારતનો વિકાસદરનો અંદાજ ફરીવાર ઘટાડયો છે. જો કે રાષ્ટ્રસંઘ છેલ્લા ઘણા સમયથી વૈશ્વિક મંદીની નોબત વગાડે છે. રાષ્ટ્રસંઘના અર્થશાસ્ત્રીઓ એ કહ્યું છે કે દુનિયાના તમામ દેશોની સરેરાશ સ્થિતિ છેલ્લા એક દાયકામાં સૌથી તકલીફ અનુભવવા તરફ છે. એટલે કે દુનિયાનો સાર્વત્રિક વિકાસ દર પણ ઘણો નીચો જશે. ઉપરાંત વિવિધ દેશો વચ્ચેના વૈમનસ્ય ને કારણે પણ નવી આર્થિક પ્રગતિ હાંસલ કરવામાં અનેક અંતરાય ઊભા થશે. સંયુક્ત રાષ્ટ્રસંઘે ભારતના વૃદ્ધિદરનો અંદાજ નવેસરથી ઘટાડીને ૫.૭ ટકા જાહેર કર્યો છે. જો કે ઈ. સ. ૨૦૧૯ ના જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતનો વિકાસ દર ઘટીને ૪.૫ ટકા થઈ ગયો હતો, જે પણ છેલ્લા એક દાયકામાં સૌથી ઓછો હતો. અલબત્ત ઈ. સ. ૨૦૧૮ -૧૯ નો વિકાસ દર ૬.૮ ટકા એટલે કે સાત ટકા જેટલો હતો.
એટલા ઊંચા વિકાસ દરનું એક કારણ એ પણ છે કે નોટબંધી પછી નાગરિકોના પૈસા બજારમાં થોડા સમય માટે ફરતા થયા હતા. ઉપરાંત કરન્સીમાં જ બચત રાખવાને બદલે નવા નવા રોકાણોમાં શ્રીમંતો વળ્યા હતા, જેની પ્રાસંગિક સકારાત્મક અસર વિકાસદર ઉપર થઈ હતી. અર્થશાસ્ત્રીઓ માને છે કે ત્યારે પણ દેશના ઔદ્યોગિક ઉત્પાદનો, સેવાઓ અને કૃષિક્ષેત્ર દ્વારા હાંસલ કરવાપાત્ર વિકાસ દર તો પાછળ જ રહ્યો હતો. નવા રોકાણોનો એ તબક્કો પૂરો થતાંવેંત જ આખરે વિકાસ દર નીચે આવી ગયો હતો. જે હજુ પણ વધુ નીચેના પગથિયાને જોઈ રહ્યો છે, જે હવે દેશના અર્થતંત્ર માટે ચિંતારૂપ છે.
બજારમાં કેટલાક એવા કિસ્સાઓ બનવા લાગ્યા છે કે જેનાથી વેપારી આલમમાં ગભરાટ છે. લોકો માલ ઉપાડયા પછી સમયસર ચૂકવણી કરતા નથી. વળી નવા માલના ઓર્ડર આપે છે. આવા સંજોગોમાં ઉત્પાદકો મુંઝવણમાં મુકાયા છે. આ પરિસ્થિતિ ઉદ્યોગોના વિવિધ સેક્ટરમાં અત્યારે છે. ભારત સરકારના આપણા આંકડાશાસ્ત્ર વિભાગે તો ચાલુ વર્ષ માટે વિકાસદરનો અંદાજ માત્ર પાંચ ટકા ઠરાવ્યો છે, જે વાસ્તવિકતાની બહુ નજીક છે. દુનિયાની ટોચની વિવિધ નાણાંકીય અને અર્થશાસ્ત્રીય સર્વેક્ષણ સંસ્થાઓએ આગામી એક વરસ સુધી વૈશ્વિક આર્થિક ચિત્ર ૨.૫ ટકાના વિકાસથી બહુ ઊંચો કૂદકો મારી શકે એમ નથી એવી દહેશત વ્યક્ત કરી છે. રોજગારીના નવા વિકલ્પો શોધવા માટે શહેરીજનોમાં એક વ્યાકુળ દોડ ચાલુ થઈ છે અને ભારત પણ તેમાંથી બાકાત નથી. જેમની પાસે કામ નથી એવા પુખ્ત અને વયસ્ક લોકોની સંખ્યાનો આલેખ સતત ઊંચે જઈ રહ્યો છે.
વિશ્વબેન્ક અને ભારતીય રિઝર્વ બેન્કે પણ વિકાસ દરનો અંદાજ પૂર્વે ઘટાડેલો છે. ચોતરફથી ઘટતા અંદાજના પડઘા વચ્ચે શેર બજાર એની પોતાની આગવી અદામાં ચમકારા બતાવે છે. મુંબઈના ખેલાડીઓ કહે છે કે સારા બજેટની આશાએ અત્યારે સામાન્ય રોકાણકારને આકર્ષવા માટેનું વાતાવરણ છે અને નીચા ભાવે માલ અંકે કરવાનો મત છે ને બજાર બરાબર ઊંચે જશે પછી પાછલા દરવાજે છાને પગલે વેચવાલી કરીને રીંગના કલાકારો નફો બાંધીને આબાદ છટકી જશે અને બજાર જો બજેટ પછી પછડાશે તો સામાન્ય રોકાણકાર ધોવાઈ જશે.