ચીનની ખોરી દાનત, ફરી લડાખનો રાગ છેડયો
- ચીને જમ્મુ અને કાશ્મીર વિવાદ યુએનના ઠરાવો પ્રમાણે ઉકેલવાની વાત કરી છે પણ કાશ્મીર વિવાદમાં યુએન ક્યાંય ચિત્રમાં જ નથી. 1971ના યુદ્ધમાં પાકિસ્તાનની કારમી હાર પછી પાકિસ્તાને ભારત સામે શરણાગતિ સ્વીકારેલી. ભારતે પાકિસ્તાનને ઘૂંટણિયે પાડયું પછી પાકિસ્તાને આબરૂ બચાવવા માટે ભારત સાથે સિમલા કરાર કરેલા. સિમલા કરાર પછી પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)નો મુદ્દો દ્વિપક્ષીય એટલે કે ભારત-પાકિસ્તાનનો મુદ્દો જ રહી ગયો છે. આ વિવાદમાં ત્રીજા કોઈની દખલગીરી નહીં ચાલે ને બીજા કોઈ પક્ષકારો પણ નથી. તેમાં યુએન પણ આવી ગયું એ જોતાં યુએનને આ વિવાદ સાથે નાહવા નીચોવવાનો સંબંધ નથી.
ભારતની સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ રદ કરવાના મોદી સરકારના નિર્ણયને માન્ય રાખવા સાથે જમ્મુ અને કાશ્મીરના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજનને પણ માન્ય રાખ્યું. એ સાથે જ ચીને ફરી જાત બતાવીને લડાખનો રાગ છેડયો છે. ચીનનું કહેવું છે કે, ભારતની સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીરનું બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજન માન્ય રાખ્યું તેના કારણે લડાખ અંગેના ચીનના વલણમાં જરાય ફેરફાર થવાનો નથી. લડાખ ચીનનો વિસ્તાર છે એ ચીનનું વલણ છે ને આ વલણ યથાવત રહેશે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે એ જ જૂની પુરાણી ને ઘસાઈ ગયેલી રેકર્ડ વગાડી છે કે, ભારતે ગેરકાયદેસર રીતે અને એકપક્ષીય રીતે લડાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દીધો છે પણ ચીને આ કહેવાતા કેન્દ્રશાસિત પ્રદેશને કદી માન્યતા આપી નથી ને આપશે પણ નહીં. ચીને એવું વાજું પણ વગાડયું છે કે, જમ્મુ અને કાશ્મીરના વિવાદમાં સંબંધિત પક્ષકારો વચ્ચે મંત્રણા તેમજ યુનાઈટેડ નેશન્સ સીક્યુરિટી કાઉન્સિલના ઠરાવો પ્રમાણે ઉકેલાવો જોઈએ.
ચીનનું આ નિવેદન તેની ખોરી દાનત અને લુચ્ચાઈનો વધુ એક નાદાર નમૂનો છે. ચીને તેના બકવાસ દ્વારા લડાખ પરનો પોતાનો દાવો તો પાછો તાજો કર્યો જ છે પણ જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો વિવાદાસ્પદ હોવાનું ચિત્ર ઉભું કરવા પણ પ્રયત્ન કર્યો છે. ચીન લડાખ સહિતના વિસ્તારો ક્યારેક તિબેટનો ભાગ હતા એવા વાહિયાત ને હાસ્યાસ્પદ આધાર પર ભારતના પ્રદેશો પોતાના હોવાની રેકર્ડ વગાડે છે.
ચીને જે મુદ્દા ઉભા કર્યા એ બંને મુદ્દે ભારતનું વલણ પણ એકદમ સ્પષ્ટ છે. જમ્મુ અને કાશ્મીર આખું રાજ્ય ભારતનું છે અને જમ્મુ અને કાશ્મીરને મુદ્દે કોઈ વિવાદ છે જ નહીં. રાજા હરિસિંહે પોતાના રાજ્યનું ભારત સાથે જોડાણ કર્યું પછી આખું જમ્મુ અને કાશ્મીર ભારતનું જ થઈ ગયેલું.
લડાખ પણ જમ્મુ અને કાશ્મીરનો જ ભાગ હતો તેથી લડાખ પણ ભારતનું જ થઈ ગયું છે તેથી જમ્મુ અને કાશ્મીર કે લડાખ વિશે કોઈ વિવાદ જ નથી. જે પણ વિવાદ છે એ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે) વિશે છે.
પીઓકે પણ ભારતનો પ્રદેશ છે પણ પાકિસ્તાને તેના પર ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે. ભારત ઈચ્છે છે કે પાકિસ્તાન શાંતિથી પીઓકેમાંથી હટી જાય પણ પાકિસ્તાન નાગાઈ કરીને પીઓકેમાં જામી ગયેલું છે ને હટતું નથી. જમ્મુ અને કાશ્મીરમાંથી પાકિસ્તાન ક્યારે હટે તેના સિવાય કોઈ મુદ્દો જ નથી.
ચીને જમ્મુ અને કાશ્મીર વિવાદ યુએનના ઠરાવો પ્રમાણે ઉકેલવાની વાત કરી છે પણ કાશ્મીર વિવાદમાં યુએન ક્યાંય ચિત્રમાં જ નથી. ૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાનની કારમી હાર પછી પાકિસ્તાને ભારત સામે શરણાગતિ સ્વીકારેલી. ભારતે પાકિસ્તાનને ઘૂંટણિયે પાડયું પછી પાકિસ્તાને આબરૂ બચાવવા માટે ભારત સાથે સિમલા કરાર કરેલા. સિમલા કરાર પછી પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)નો મુદ્દો દ્વિપક્ષીય એટલે કે ભારત-પાકિસ્તાનનો મુદ્દો જ રહી ગયો છે. આ વિવાદમાં ત્રીજા કોઈની દખલગીરી નહીં ચાલે ને બીજા કોઈ પક્ષકારો નથી. તેમાં યુએન પણ આવી ગયું એ જોતાં યુએનને આ વિવાદ સાથે નાહવાનિચોવવાનો સંબંધ નથી.
ચીન સમયાંતરે આવા ડબકા મૂક્યા કરે છે કેમ કે ચીનનો ડોળો ભારતના પ્રદેશો પર છે. ચીન ૧૯૪૯માં સામ્યવાદી પક્ષના તાબા હેઠળ આવ્યું એ પહેલાં તેની કોઈ હૈસિયત નહોતી. સામ્યવાદીઓ સત્તા પર આવ્યા પછી તેમણે પહેલાં આખા ચીનને પોતાના કબજા હેઠળ લીધું. પછી પોતાના પાડોશીઓની જમીનો પર ડોળો માંડયો. તેના કારણે ચીનને તેના તમામ પાડોશીઓ સાથે ઝગડા ચાલે છે. આ પૈકી તિબેટ જેવા ઢીલા પાડોશીઓ ચીનના શરણે થઈ ગયા ને તાઈવાન જેવા ચીન સામે શિંગડાં ભેરવીને પણ ટકી ગયા.
ચીને ભારતની જમીન પચાવવાનું અભિયાન ૧૯૫૦ના દાયકામાં જ શરૂ કરી દીધેલું. શરૂઆત અરૂણાચલ પ્રદેશ અને લડાખથી થઈ ને પછી ધીરે ધીરે ચીન પોતાની સરહદની નજીક આવેલાં ભારતનાં બધાં રાજ્યોના વિસ્તારો પર દાવો કરવા માંડયું. ભારતે એ વખતે આક્રમક વલણ લેવાની જરૂર હતી પણ જવાહરલાલ નહેરૂ ઢીલા સાબિત થયા.
ભારત અંગ્રેજોના તાબા હેઠળ હતું ત્યારે લડાખ અને અરૂણાચલ પ્રદેશ સહિતના વિસ્તારો બ્રિટિશ ઈન્ડિયાના તાબા હેઠળ હતા. એ વખતે અંગ્રેજો બહુ તાકાતવર હતા તેથી તેમની પાસેથી કશું આંચકી નહીં લઈ શકાય એ ચીનને ખબર હતી. અંગ્રેજો ગયા પછી આવેલા નહેરૂ શાંતિની વાતો કરતા તેથી ચીન સમજી ગયેલું કે, લશ્કરી રીતે ભારત સજ્જ નથી. તેનો ફાયદો ઉઠાવીને ૧૯૬૨ના યુધ્ધમાં ચીને ભારતનો મોટો પ્રદેશ પચાવી પાડેલો કે જે હજુ આપણે પાછો મેળવી શક્યા નથી.
ચીનમાં માઓ ઝેદોંગ પછીના શાસકો પ્રમાણમાં ઢીલા હતા તેના કારણે ચીને ૧૯૭૦ના દાયકા પછી પોતાની સામ્રાજયવાદી માનસિકતાને બાજુ પર મૂકેલી પણ શી જિનપિંગ આવ્યા પછી ફરી એ જ ખેલ શરૂ કર્યો છે. જિનપિંગ અત્યંત મહત્વાકાંક્ષી છે. દુનિયાના સૌથી શક્તિશાળી શાસક બનવાની મહત્વાકાંક્ષા ધરાવતા જિનપિંગ માત્ર ભારત જ નહીં પણ બીજા પાડોશી દેશે પણ પરેશાન કરે છે. ચીન હવે માત્ર જમીન જ નહીં પણ મહાસાગરો પણ કબજે કરવા ઉધામા કરે છે.
ચીન તાકાતવર બન્યું એ રીતે ભારત પણ તાકાતવર બન્યું છે. આ સંજોગોમાં ૧૯૬૨ની જેમ ચીન ભારતનો પ્રદેશ પચાવી પાડે એ શક્ય નથી પણ ચીનના દાવા પરથી ભારતે એટલું સમજવાની જરૂર છે કે, ચીન કદી આપણું દોસ્ત બની શકે તેમ નથી.
ભારતના 4 પ્રદેશ ચીને પચાવી પાડયા, બીજા 6 પર દાવો
ચીન લડાખ કે અરૂણાચલ પ્રદેશ પર જ નહીં પણ ભારતના બીજા કેટલાક પ્રદેશો પોતાના હોવાનો પણ દાવો કરે છે. ભારતના કુલ મળીને ૧૦ પ્રદેશો પર ચીનનો દાવો છે. આ પૈકી સાક્ષગામ ટ્રેક્ટ, ડેમચોક સેક્ટરનો કેટલોક પ્રદેશ, અક્સાઈ ચીન અને અરૂણાચલ પ્રદેશનો કેટલોક પ્રદેશ ચીને પચાવી પાડયો છે.
સાક્ષગામ ટ્રેક્ટ કારાકોરામની પશ્ચિમે આવેલો ૫૨૦૦ ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે કે જે પાકિસ્તાને ૧૯૬૩માં ચીનને ભેટમાં આપી દીધેલો. અરૂણાચલ પ્રદેશનો લગભગ ૩૨ હજાર ચોરસ કિલોમીટર વિસ્તાર ચીનના કબજામાં છે. ચીને ૧૯૬૨ના યુદ્ધમાં આ વિસ્તાર પર કબજો કરેલો. અક્સાઈ ચીનનો ૩૮ હજાર ચોરસ કિલોમીટરનો વિસ્તાર પણ ચીનના કબજામાં છે જ્યારે ડેમચોક સેક્ટરમાં સિંધુ નદીની ઉત્તરે આવેલા વિસ્તાર પર ચીનનો કબજો છે. આ બધા વિસ્તારો મળીને ચીને લગભગ ૮૨ હજાર ચોરસ કિલોમીટર વિસ્તાર પચાવી પાડયો છે.
આ સિવાય ભારતના કબજા હેઠળના લડાખના ચુમર, હિમાચલ પ્રદેશના કૌરિક અને તાશિંગાગ-શિપકી લા તથા ઉત્તરાખંડના સાંગ-નેલાંગ-પુલામ સુમદા તથા બારાહોતી વિસ્તારો પણ પોતાના હોવાનો ચીનનો દાવો છે. ચીનના દાવા પ્રમાણે આ બધા તિબેટના વિસ્તારો હતા તેથી ચીનને મળવા જોઈએ. અરૂણાચલ પ્રદેશ તો આખું પોતાનો હોવાનો ચીનનો દાવો છે.
ચીને 1958થી લડાખ પર દાવો શરૂ કર્યો
ચીનનો લડાખ પરનો દાવો સાવ વાહિયાત દલીલો પર આધારિત છે. લડાખ કોઈ સમયે તિબેટ સામ્રાજ્યનો હિસ્સો હતું અને અત્યારે તિબેટ ચીનનો ભાગ છે તેથી લડાખ પણ અમારું છે એવો ચીનનો દાવો છે. રસપ્રદ વાત એ છે કે, ચીને ૧૯૫૦ના દાયકામાં તિબેટ પર કબજો કરવાના ઉધામા શરૂ કર્યા ત્યારે પણ લડાખ પોતાનો પ્રદેશ હોવાનો દાવો નહોતો કર્યો. બલ્કે ૧૯૩૦ના દાયકામાં ચીનની સરકારે પ્રસિધ્ધ કરેલા ચીનના નકશામાં લડાખ પ્રદેશને બ્રિટિશ ઈન્ડિયાનો ભાગ દર્શાવાયેલો.
ચીને ૧૯૫૮ના જુલાઈમાં સરકારી મેગેઝિન ચાઈના પિક્ટોરીયલમાં ચીનનો નકશો પ્રસિધ્ધ કર્યો તેમાં લડાખને ચીનનો હિસ્સો બતાવાયેલો. બ્રિટિશ ઈન્ડિયામાં નોર્થ-ઈસ્ટ ફ્રન્ટિયર એજન્સી (નેફા) એક વહીવટી વિભાગ હતો. અરૂણાચલ પ્રદેશ અને હાલના આસામના કેટલાક વિસ્તારો નેફાનો ભાગ હતા. ચીને તેના નકશામાં નેફા અને લડાખને પોતાના પ્રદેશો દર્શાવ્યા તેમાંથી ભારત અને ચીન વચ્ચે સંઘર્ષ શરૂ થયો.
ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ એ વખતે જ આ નકશાને અમાન્ય ગણાવી દીધો હતો. ચીને આ વાંધાને ગણકાર્યા વિના સરહદે લશ્કર ખડક્યું તેમાં છેવટે ૧૯૬૨નું યુદ્ધ થઈ ગયું.