અંતરીક્ષમાં ભેદી હિલચાલ : જગતના વિજ્ઞાાનીઓ અને વિકસિત દેશોની સરકારોએ સભાન રહેવું પડશે
- અવકાશ કોઈ એક દેશની માલિકીનું નથી
જુદા જુદા સમયકાળ દરમિયાન પૃથ્વી પરની સાત અજાયબીઓ બનેલી પ્રત્યેક સૂચિને અતિક્રમી જાય એવી અદભુત કૃતિ પૃથ્વીના વાતાવરણમાં સૌથી ઉપર તરી રહી છે. અમેરિકા નિર્મિત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ફૂટબોલના ઘણાં મેદાનો જેટલું વિશાળ છે અને માનવજાતની પ્રગતિનું પ્રતીક છે. સાયન્સ વન્ડર જેવું આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન થોડા સમય માટે બેકાબુ બની જાય તે આખા જગત માટે ચિંતાની વાત છે. અમુક વિકસિત દેશોને કારણે આવી ઘટના ઘટી છે પણ તેના પર નજર આખી દુનિયાની છે. નાના-મોટા દેશોના ઘણાં કામ અવકાશમાં તરતા આ સ્ટેશન ઉપર આધાર રાખે છે. તે પિસ્તાલીસ મિનિટ માટે નિયંત્રણની બહાર ચાલ્યું જાય તો ઘણી આશંકાઓ જન્મે તે સ્વાભાવિક છે. કારણ કે ઇલેક્ટ્રોનિક, સુરક્ષા અને ઇન્ટરનેટ સંબંધિત ઘણા રોજિંદા વ્યવહારોના વ્યવસ્થાતંત્રના પાયામાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે. ઉપરાંત જો વધુ લાંબા સમય માટે આ સ્પેસ સ્ટેશન પૃથ્વી પરના વૈજ્ઞાનિકો કાબૂ બહાર જાય તો અવકાશમાંથી ખરતી ઉલ્કાનો એ ભોગ બને અને એક વિસ્ફોટ સાથે તેનો વિનાશ થાય.
અંતરિક્ષમાં સંશોધન કરવાના હેતુથી ઘણા દેશો ચોક્કસ સમયગાળા માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન વાપરતા હોય છે. જુદા જુદા દેશોના ટેકનોલોજિકલ સંચાલનમાં એકસૂત્રતામાં અભાવ હોવાને કારણે જ કદાચ એવી ઐતિહાસિક દુર્ઘટના ઘટી કે પિસ્તાલીસ મિનિટ સુધી આ સ્પેસ સ્ટેશન કોઈના પણ કાબુમાં રહ્યું ન હતું. રશિયન મોડયુલને કારણે આવું બન્યું એવી વિગતો પ્રાથમિક તબક્કે બહાર આવી છે. નૌકા નામના રશિયન મોડયુલે જ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને થોડા સમય માટે અનાથ કરી નાખ્યું હતું એવું કહેવામાં આવે છે. પણ રશિયન અધિકારીઓનું કહેવું છે કે આ ઘટના માટે સોફ્ટવેરમાં ઊભી થયેલી ગરબડ જવાબદાર છે. અમેરિકન અવકાશ સંસ્થા નાસાના અંતરિક્ષ સ્ટેશન કાર્યક્રમના મુખ્ય કર્તાહર્તાના કહેવા મુજબ રશિયન જોડાણસ્થાપક મોડયુલ નૌકાના જેટ થ્રસ્ટરના અનિયમિત ફાયરિંગના કારણે આઈએએસે પોતાની દિશા બદલી નાખી હતી. મહામહેનતે આ સ્ટેશનને હવે પોતાની નિયત દિશામાં પુનઃ પ્રતિષ્ઠાપિત કરવામાં આવ્યું છે.
પ્રાથમિક તપાસમાં એ સ્પષ્ટ થઈ ગયું હતું કે પણ કંઈક ટેક્નિકલ અરાજકતા સર્જાઈ છે તે પુતિન શાસિત દેશના મોડયુલ તરફથી પડયો છે. રશિયન અંતરિક્ષ એંજન્સીની કંપની એનર્જીયાના ડિઝાઈનર જનરલ વ્લાદિમિર સોલોવિઓવે કહ્યું કે બહુહેતુક પ્રયોગશાળાના મોડયુલના થ્રસ્ટર્સને ચાલુ કરવા માટે જે કમાન્ડ આપવામાં આવ્યો એ ખોટો હતો. સોફ્ટવેરમાં થયેલી ગરબડને કારણે સ્ટેશનની દિશામાં બદલાવ આવ્યો. રશિયન એજન્સીએ પોતાની ભૂલ સ્વીકારી એ સારી વાત છે પણ કોઈ નાનીશી ભૂલને કારણે મસમોટા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો ગતિમાર્ગ જ બદલાઈ જાય તે શક્યતાને ગંભીરતાથી ચકાસવી જોઈએ. આવા સ્ટેશન દાયકાઓની મહેનત અને અબજો ડોલરના ખર્ચ પછી મહાપરિશ્રમે નિર્માણ પામતા હોય છે. કોઈ એક પ્રયોગ કે સોફ્ટવેરની ચૂંક તેના અસ્તિત્વ ઉપર સવાલો ઉભા કરી દે તે કઈ રીતે ચાલે ?
પોતાની ભૂલ સ્વીકારવા માટે રશિયન એજન્સીએ તરત જરૂરી પગલાં ભરવાનું ચાલુ કરી દીધું હતું. પણ રશિયન ભૂલ સુધારવામાં વધુ મહેનત નાસાએ કરી એવું માનવામાં આવે છે. સ્પેસ સ્ટેશનને ધરતી પર રહેતા વિજ્ઞાાનીઓએ પોતાના કાબુમાં લઈ લીધું. હવે સ્પેસ સ્ટેશન તેના ચોક્કસ ગતિમાર્ગમાં નિયત ઝડપે પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહ્યું છે. પણ હવે અમુક ગંભીર સવાલો ઊભા થયા છે. શું અમેરિકન અને રશિયન સ્પેસ એજન્સી વચ્ચે ફરીથી શીતયુદ્ધ શરૂ થઈ ગયું છે ? શું બંને દેશોની એજન્સી આઈએસએસ ઉપર પોતાનું કાયમી પ્રભુત્વ સ્થાપવા ચાહે છે? રશિયાની સરકારી સમાચાર એજન્સી આરઆઈએએ હ્યુસ્ટન-ટેક્સાસના જ્હોનસન સ્પેસ સેન્ટરના નાસાના વિજ્ઞાાનીઓને ટાંકતા સ્પેસ સ્ટેશન ઉપર નિયંત્રણ લેવાની બંને દેશોના પ્રયાસ અને તેની પ્રક્રિયાને હુંસાતુંસીના સ્વરૂપમાં વર્ણવી છે.
જગતના વિજ્ઞાાનીઓ અને વિકસિત દેશોની સરકારોએ સભાન રહેવું પડશે. અવકાશ કોઈ એક દેશની માલિકીનું નથી. જે અવકાશ મથક બા દેશોના સહિયારા પ્રયાસોથી બન્યું છે તેનું સંચાલન સહકારના ધોરણે જ થવું જોઈએ. પૃથ્વીવાસીઓએ એક વાત ન ભૂલવી જોઈએ કે કોઈ પણ સમયે અવકાશ મથકમાં સાતથી દસ જેટલા અવકાશયાત્રીઓ મૌજુદ હોય છે. નસીબજોગે આ વખતે કોઈ જાનહાનિ થઈ નથી. ઈ. સ. ૧૯૯૮ થી ૨૦૧૧ સુધી આ સ્પેસ સ્ટેશનનું અત્યંત કઠિન બાંધકામ થયું હતું. જેમાં હજારો નિષ્ણાતોએ આખી જિંદગીના જ્ઞાાન અને અનુભવનો નિચોડ ઠાલવ્યો હતો. આજ સુધીનો સૌથી મોટો કૃત્રિમ ઉપગ્રહ આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે. તેના બાંધકામમાં અમેરિકાનો ફાળો ભલે મોટો હોય પણ સાથે સાથે જાપાન, રશિયા, કેનેડા અને યુરોપિયન દેશોનું પણ મહત્ત્વનું યોગદાન રહેલું છે.