લખતરમાં વાન સળગી જવાના મામલે ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત
સુરેન્દ્રનગર : લખતર તાલુકાના ઓળક અને કડુ ગામ વચ્ચે માલવાહક પીકઅપ વાહન અચાનક સળગી જવાનો બનાવ બન્યો હતો જેમાં બે વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલે લઈ જવામાં આવ્યાં હતાં જે પૈકી એક યુવકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
આ અંગે મળતી માહિતી મુજબ લખતરના ઓળક અને કડુ ગામ વચ્ચે માલવાહક પીકઅપ વાનના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા વાન રસ્તા પરના સાઈનબોર્ડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો અને પીકઅપ વાન રસ્તા પર સાઈડમાં ઉતરી જતા અચાનક સળગી ઉઠતા દોડધામ મચી હતી. જેમાં આસપાસના લોકો અને વાહનચાલકો દ્વારા સળગતી વાનમાંથી બે યુવકોને બહાર કાઢી સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવક કિશન કરમશીભાઈ માથાસુરીયા રહે.પરનાળા તા.લીંબડીવાળાનું સારવાર દરમ્યાન મોત નીપજતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. જે અંગે લખતર પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી છે.