વઢવાણ જીઆઈડીસીના બિસ્માર રસ્તાઓ અંગે લેખિત રજૂઆત

Updated: Jul 7th, 2024


Google NewsGoogle News
વઢવાણ જીઆઈડીસીના બિસ્માર રસ્તાઓ અંગે લેખિત રજૂઆત 1 - image


- પાલિકા કાર્યવાહી કરતી ના હોવાના આક્ષેપ

- 600 થી વધુ એકમોના કામદારો, ટ્રાન્સપોર્ટરો સહિતનાને હાલાકી 

સુરેન્દ્રનગર : વઢવાણ જીઆઈડીસીમાં બિસ્માર રસ્તાઓ અંગે પાલિકામાં અનેક રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો ન હોવાના આક્ષેપ ઉઠયા છે. ત્યારે બિસ્માર રસ્તાઓને લઈ ઉદ્યોગકારો, ટ્રાન્સપોર્ટરો, કામદારો સહિતનાને હાલાકી પડતી હોવાથી આ અંગે રસ્તાનું સમારકામ તથા નવો રસ્તો બનાવવા અંગે વઢવાણ જીઆઈડીસી એસોશીએસને ધારાસભ્યને રજૂઆત કરી હતી. 

વઢવાણ જીઆઈસીડીમાં અંદાજે ૬૦૦થી વધુ નાના-મોટા એકમો આવેલા છે. જેમાં હજારો કામદારો કામ કરે છે. તેમજ અનેક દુકાનદારો, કારખાનાધારકો અને ટ્રાન્સપોર્ટરો સંકળાયેલા છે. છેલ્લા ઘણા સમયથી જીઆઈડીસી વિસ્તારમાં મોટાભાગના તમામ રસ્તાઓ બિસ્માર અને ઉબડ-ખાબડ બની જતા તેમજ મોટા-મોટા ખાડાઓના કારણે ટ્રાન્સપોર્ટરોને માલ-સામાનની હેરફેરમાં મુશ્કેલી પડી રહી છે.

 હાલ ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો નિકાલ ન થતાં ખાડાઓમાં પાણી ભરાઈ રહેતા વાહનો ફસાય જાય છે અને ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાય છે. છેલ્લા ઘણા વર્ષોથી જીઆઈડીસી વિસ્તારમાં બિસ્માર રસ્તાઓ અંગે રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો ન હોવાના આક્ષેપ લગાવ્યા હતા. 

બિસ્માર રસ્તાઓના કારણે બહારની કંપનીઓ જીઆઈડીસીમાં કાચોમાલ પણ મોકલવામાં આનાકાની કરતી હોવાનું અને ટ્રકોને નુકશાન પહોંચી રહ્યું હોવાની રજૂઆત કરી હતી. આ મામલે અગાઉ પાલિકા તંત્રને રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા વઢવાણ જીઆઈડીસી એસોશીએસનના હોદ્દેદારો અને ઉદ્યોગકારોએ આ અંગે વઢવાણના ધારાસભ્યને લેખીત રજૂઆત કરી હતી અને બિસ્માર રસ્તાઓનું રીપેરીંગ કામ કરવામાં આવે અથવા નવા રસ્તા બનાવવામાં આવે તેવી માંગ કરી હતી.



Google NewsGoogle News