કેટલાક વ્યક્તિના ખોટા નામો દાખલ કર્યાની લેખિત રજૂઆત
- ઝીંઝુવાડા પોલીસ પર હુમલાના બનાવમાં
- ન્યાયિક અને પારદર્શક રીતે કાર્યવાહી કરવાની જિલ્લા પોલીસ વડાની ખાતરી
સુરેન્દ્રનગર : પાટડી તાલુકાના ઝીંઝુવાડા પીએસઆઈ અને બે કોન્સ્ટેબલ પર ઘાતક હુમલાના બનાવમાં ફરિયાદમાં અમુક વ્યક્તિઓ નિર્દોષ હોવા છતાં તેમના નામો લખ્યા હોવાના આક્ષેપ સાથે રાજપૂત કરણી સેના દ્વારા જિલ્લા પોલીસવડાને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.
ઝીંઝુવાડા પીએસઆઈ કે.વી.ડાંગર અને બે કોન્સ્ટેબલો પર થોડા દિવસો પહેલા પ્રોહિબીશનના ગુનાના આરોપી જાલમસિંહ ઝાલા અને તેમના સાગરીતો દ્વારા તીક્ષ્ણ હથિયારો વડે ઘાતક હુમલાનો બનાવ બન્યો હતો. જે મામલે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં અમુક વ્યક્તિઓ નિર્દોષ હોવા છતાં તેમને આરોપી બનાવી લોકઅપમાં રાખ્યા હોવાનો તેમજ ફરિયાદમાં નામો લખ્યા હોવાનો આક્ષેપ રાજપૂત કરણી સેનાએ કર્યો હતો.
તેમજ અન્ય લોકોને ખોટી રીતે પકડવામાં ન આવે, તથા ખોટી રીતે ફરિયાદમાં નામ લખેલા વ્યક્તિઓને છોડી દેવાની માંગ કરી હતી. જ્યારે જિલ્લા પોલીસવડા ડો.ગિરિશકુમાર પંડયાએ રજૂઆતને વિસ્તૃત સાંભળી હતી અને આ બનાવમાં ન્યાયિક અને પારદર્શક રીતે કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી.