સુરેન્દ્રનગર પાલિકામાં મહિલાઓનો હલ્લાબોલ, આંદોલનની ચિમકી
- પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓના મામલે રજૂઆત
- નવા જંકશન પાછળના વિસ્તારો, સુડવેલ સોસાયટી, રાજપર રોડ પર આવેલ બજરંગ સોસાયટીની મહિલાઓએ રજૂઆત કરી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરી વિસ્તારને પાણી પુરૂ પાડતો ધોળીધજા ડેમ બારે મહિના પાણીથી છલોછલ ભરેલો હોવા છતાં સુરેન્દ્રનગર પાલિકા તંત્ર દ્વારા નિયમીત અને પુરતું પાણી આપવામાં ન આવતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે પાલિકાના વોર્ડ નં.૧ અને વોર્ડ નં.૬માં આવતા અલગ-અલગ ત્રણ વિસ્તારના રહિશો અને મહિલાઓએ પાલિકા કચેરી ખાતે પાણી સહિતની સમસ્યાઓને ધ્યાને લઈ થાળી-વેલણ વગાડી હલ્લાબોલ કર્યો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર વઢવાણ સહિત આસપાસના વિસ્તારોને ધોળીધજા ડેમ મારફતે પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે શહેરી વિસ્તારમાં લોકોને નિયમીત અને પુરતું પાણી મળી રહે તે માટે પાલિકા તંત્ર દ્વારા કરોડો રૂપિયાની પાઈપલાઈન નાંખવામાં આવી છે. પરંતુ તેમ છતાંય પાલિકા તંત્રની અણઆવડત અને બેદરકારીના કારણે અમુક વિસ્તારોમાં પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. જેમાં વોર્ડ નં.૧માં આવેલ નવા જંકશન પાછળના રહેણાંક વિસ્તારો અને સોસાયટીઓમાં પીવાનું પાણી ન મળતા અનેક પરિવારોને પાણી માટે વલખા મારવાનો વારો આવી રહ્યો છે. આ વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા રસ્તાની પણ સુવિધા પુરી પાડવામાં આવી નથી જેના કારણે સ્થાનીક રહિશો અને મહિલાઓને હાલાકી પડી રહી છે તેમજ ક્યારેક એમ્બ્યુલન્સ પણ બિસ્માર અને જર્જરીત રસ્તાના કારણે આ વિસ્તારમાં આવતી નથી. આથી દર્દીઓને હોસ્પીટલે સારવાર માટે લઈ જવામાં પણ મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે જે અંગે સ્થાનીક રહિશો અને મહિલાઓએ અનેક વખત રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી. જ્યારે પાલિકાના વોર્ડ નં.૬માં આવેલ સુડવેલ સોસાયટી તેમજ રાજપર રોડ પર આવેલ બજરંગ સોસાયટી સહિતના વિસ્તારોમાં વર્ષોથી પાલિકા તંત્ર દ્વારા પીવાનું પાણી પુરૂ પાડવામાં આવતું નથી એમાં પણ ખાસ કરી હાલ ઉનાળાના દિવસોમાં આ વિસ્તારના રહિશોને પાણી માટે વલખા મારવાનો વારો આવી રહ્યો છે અને ન છુટકે વેચાતું તેમજ દુરથી પાણી ભરવા જવું પડે છે. પાલીકા તંત્ર દ્વારા શરૂઆતી જ આ વિસ્તારો સાથે ઓરમાયું અને ભેદભાવભર્યું વર્તન કરતા હોવાનો પણ સ્થાનીકોએ આક્ષેપ કર્યો હતો ચુંટાયેલા સદ્દસ્યોને રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં ત્રણેય અલગ-અલગ વિસ્તારના લોકો પાલિકા કચેરી ખાતે થાળી અને વેલણ સાથે એકત્ર થયા હતા અને પાલિકા પ્રમુખની ચેમ્બરમાં થાળી-વેલણ વગાડી પાણી આપવાની માંગ સાથે ઉગ્ર રજુઆતો કરી હતી તેમજ આગામી દિવસોમાં પાલિકા તંત્ર દ્વારા પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં નહિં આવે તો પાલિકા કચેરી ખાતે આવી માટલા ફોડ સહિતના કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી હતી. સરકાર દ્વારા સુરેન્દ્રનગર જીલ્લાને કચ્છ અને સૌરાષ્ટ્ર માટે પાણીયારૂ ગણવામાં આવે છે પરંતુ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં જ પુરતું પાણી ન મળતાં રહિશોની હાલત કુવા કાંઠે તરસ્યા જેવી થઈ છે. પાલિકા કચેરી ખાતે રજુઆત દરમ્યાન અલગ-અલગ ત્રણ વિસ્તારોમાંથી મહિલાઓ, રહિશો સહિત સામાજીક આગેવાનો રાજુભાઈ કરપડા, કમલેશ કોટેચા, અમૃતભાઈ મકવાણા સહિતનાઓ પણ જોડાયા હતા.
પાલિકા પ્રમુખ અને એન્જીનીયરે ખાત્રી આપી
સુરેન્દ્રનગર પાલિકા કચેરી ખાતે પાણી સહિતના મુદ્દે અલગ-અલગ ત્રણ વિસ્તારોના રહિશો અને મહિલાઓના થાળી-વેલણ સાથે હલ્લાબોલ અને રજુઆતને પગલેે એન્જીનીયર કે.જી.હેરમા તેમજ પાલિકા પ્રમુખ જીજ્ઞાાબેન પંડયા દ્વારા છેવાડાના વિસ્તારો વિકસિત હોવાથી પાણી સહિતની સુવિધાઓ આપવાની કામગીરી હાલ શરૂ છે અને ટુંક સમયમાં જ નિયમીત અને પુરતું પાણી મળી રહેશે તેવી ખાત્રી આપી હતી.
કરોડો રૂપિયાના ખર્ચે પાઈપલાઈન નાંખી હોવા છતાં રહિશો પાણીની વંચીત.
સરકાર દ્વારા દરેક ઘર સુધી પાણી મળી રહે તે માટે અનેક યોજનાઓ અમલમાં મુકી છે ત્યારે શહેરી વિસ્તારોમાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે અંદાજે ૫૬ કરોડથી વધુના ખર્ચે પાણીની પાઈપલાઈન નાંખવામાં આવી છે. જ્યારે બીજી બાજુ પાણી પુરૂ પાડતો ધોળીધજા ડેમ પણ પાણીથી ભરેલો હોવા છતાં અમુક વોર્ડમાં લોકોને પાણી માટે વલખા મારવાનો વારો આવી રહ્યો છે.