સુરેન્દ્રનગર પાલિકા કચેરી પર પીવાના પાણી મુદ્દે મહિલાઓએ હોબાળો મચાવ્યો
- ભરશિયાળે પાણીનો કકળાટ ફરી શરૂ થયો
- ટી.બી. હૉસ્પિટલ પાછળ ગજાનંદ પાર્ક સહિતના વિસ્તારમાં અપૂરતું અને અનિયમિત પાણી મળતા હલ્લાબોલ કરી ચીફ ઓફિસરને ચૂંટણી બહિષ્કારની ચિમકી આપી
સુરેન્દ્રનગર, તા. 8 જાન્યુઆરી, 2021, શુક્રવાર
સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં આવતાં તમામ વોર્ડમાં તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે પરંતુ શહેરના અમુક વોર્ડમાં રહિશોને પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે શહેરના ટી.બી.હોસ્પીટલ ૫ાછળ આવેલ રહેણાંક સોસાયટીઓમાં પાલિકા તંત્ર દ્વારા પીવાના પાણી સહિત પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં ન આવતાં સ્થાનિક મહિલાઓ અને રહિશોએ હલ્લાબોલ કર્યો હતો.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાના વોર્ડ નં.૨ માં ટી.બી.હોસ્પીટલ પાછળ આવેલ ગજાનંદ પાર્ક સહિત આસપાસના વિસ્તારોમાં અનેક પરિવારો વર્ષોથી રહે છે ત્યારે આ વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા છેલ્લા ઘણા સમયથી નીયમીત પાણીનું વિતરણ કરવામાં આવતું નથી અને અપુરતુ અને ઓછા ફોર્સથી પાણી આપવામાં આવે છે જેના કારણે મહિલાઓ પુરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરી શકતી નથી અને પાણી વગર રસોઈ સહિત ઘરકામમાં હાલાકી પડી રહી છે. તેમજ આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ તેમજ ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ ન હોય નાના બાળકોથી લઈ યુવાનો અને વૃધ્ધોને હાલાકી પડી રહી છે આ અંગે અગાઉ અનેક વખત રજુઆતો કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ જ ઉકેલ ન આવતાં મોટીસંખ્યામાં મહિલાઓ અને રહિશો પાલિકા કચેરી ખાતે એકત્ર થયા હતાં અને ચીફ ઓફીસર સંજયભાઈ પંડયાને ઉગ્ર રજુઆતો કરી હતી તેમજ તંત્ર દ્વારા પુરતા ફોર્સથી અને નિયમીત તેમજ શુધ્ધ પાણી આપવામાં આવે તેવી માંગ કરી રોષ દાખાવ્યો હતો. જ્યારે ચીફ ઓફીસરે મહિલાઓની રજુઆતો સાંભળી તાત્કાલીક ઉકેલ લાવવાની ખાત્રી આપી હતી જો કે રોષે ભરાયેલ મહિલાઓએ તાત્કાલીક યોગ્ય પગલા ભરવામાં નહિં આવે તો આગામી ચુંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી આ તકે મોટીસંખ્યામાં સ્થાનિક મહિલાઓ અને રહિશો ઉપસ્થિત રહ્યાં હતાં.