લીંબડીમાં ગંદકીના પ્રશ્ને મહિલાઓએ નગરપાલિકામાં ઉગ્ર રજૂઆતો કરી
- વોર્ડ 1 અને 2માં સફાઈના અભાવે ફેલાયેલી અસહ્ય ગંદકીથી પરેશાની
લીંબડી તા. 19 ઓગસ્ટ 2019, સોમવાર
લીંબડી ભાજપ શાસિત નગરપાલિકામાં લોકોને પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે લીંબડી પાલિકાના વોર્ડ નં. ૧ અને ૨ માં આવેલ સીધ્ધનાથ સોસાયટીમાં સફાઈના અભાવે ગંદકી ફેલાય છે અને ભયંકર રોગચાળો ફેલાવવાની શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓ પાલિકા કચેરી ખાતે ઉમટી પડી હતી અને હોબાળો મચાવી ચીફ ઓફીસરને ઉગ્ર રજુઆતો કરી હતી.
લીંબડી નગરપાલિકા વિસ્તારમાં આવેલ સીધ્ધનાથ સોસાયટી, ગાયત્રી સોસાયટીમાં અનેક પરિવારો વસવાટ કરે છે. ત્યારે આ વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા લોકોને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં ન આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. જેમાં સફાઈના અભાવે ગંદકી અને ગટરોના ગંદા પાણી ઉભરાતાં સ્થાનિક રહિશોને પારાવાર હાલાકી પડી રહી છે. તેમજ મચ્છરોનો ઉપદ્રવ વધતાં રોગચાળો ફેલાવની શક્યતાઓ પણ સેવાઈ રહી છે.
જે અંગે અનેક વખત રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં મોટી સંખ્યામાં મહિલાઓ સ્થાનિક સદસ્ય સાથે પાલિકા કચેરી ખાતે આવી ચીફ ઓફીસરને ઉગ્ર રજુઆતો કરી હતી યોગ્ય ઉકેલ નહિં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.
વરસાદે વિરામ લઈ લીધો હોવા છતાં આ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં રોષ જોવા મળ્યો હતો.