વઢવાણ 80 ફુટ રોડ પર નવરંગ સોસાયટી પાસે મહિલાઓ અને રહિશોએ ચક્કાજામ કર્યો
- છેલ્લા પાંચ દિવસથી વરસાદી તેમજ ગટરોના પાણીનો નિકાલ ન થતાં રોષ
- પાલિકા પ્રમુખે સ્થળ પર આવી ખાતરી આપી મામલો થાળે પાડયો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા દ્વારા તમામ વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે પરંતુ અમુક વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં તેમજ ભુગર્ભ ગટરની યોગ્ય કામગીરીના અભાવે વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે ત્યારે વઢવાણ ૮૦ ફુટ રોડ પર છેલ્લા પાંચ દિવસથી ગટરોના પાણી તેમજ વરસાદી પાણીનો નિકાલ ન થતાં સ્થાનીક મહિલાઓ અને રહિશોએ રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ કર્યો હતો જેને પગલે પાલિકા તંત્રના સત્તાધીશો દોડતા થયા હતા.
આ અંગે મળતી માહિતી મુજબ વઢવાણ ૮૦ ફુટ રોડ પર આવેલ નવરંગ સોસાયટી સહિત આસપાસના વિસ્તારોમાં ભુગર્ભ ગટરની સફાઈના અભાવે વરસાદી પાણીનો નિકાલ ન થતાં તાજેતરમાં પડેલ ભારે વરસાદને પગલે નવરંગ સોસાયટી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધા બાદ ગટરોને તેમજ વરસાદી પાણી ભરાઈ રહેતા લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે જે અંગે અનેક વખત સ્થાનીક રહિશોએ વોર્ડના ચુંટાયેલા સદ્દસ્યને રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં સ્થાનીક મહિલાઓ અને રહિશોએ ૮૦ ફુટ રોડ પર નવરંગ સોસાયટી પાસે ચક્કાજામ કરી વિરોધ કર્યો હતો જેને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે આ અંગેની જાણ થતાં બી-ડિવીઝન પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વિરોધ કરી રહેલ લોકોને સમજાવવાના પ્રયાસો હાથધર્યા હતા. પરંતુ રહિશોનો રોષ આસમાને પહોંચ્યો હતો અને અંતે પાલિકા પ્રમુખ સહિતનાઓએ સ્થળ પર આવી સમસ્યાનો ઉકેલ લાવવાની ખાત્રી આપતા મામલો હાલ પુરતો થાળે પડયો હતો.