સુરેન્દ્રનગરમાં 81 હજારના હેરોઈન અને એમડી ડ્રગ્સ સાથે મહિલા ઝડપાઈ

Updated: Apr 29th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગરમાં 81 હજારના હેરોઈન અને એમડી ડ્રગ્સ સાથે મહિલા ઝડપાઈ 1 - image


સ્થાનિક પોલીસ ઉંઘતી રહી ને' એસઓજીનો દરોડો

રાજકોટની મહિલા સામે અગાઉ પણ નાર્કોટિક્સનો ગુનો નોંધાયો હતો 

સુરેન્દ્રનગર :  સુરેન્દ્રનગરના મફતિયાપરામાંથી એસઓજીએ સ્થાનિક સિટી એ-ડિવિઝન પોલીસને અંધારામાં રાખીને હેરોઈન, એમડી ડ્રગ્સના જથ્થા સાથે રાજકોટની મહિલાને ઝડપી લીધી હતી. એસઓજીએ રૃ.૮૧,૨૫૦ની કિંમતનો હેરોઈન અને ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી સિટી-એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠયા છે. 

સુરેન્દ્રનગરના મફતિયાપરા વિસ્તારમાં એક મહિલા પડીકીમાં માદક પદાર્થનું વેચાણ કરતી હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એસઓજી ટીમે દરોડો કર્યો હતો. એસઓજીએ ૪.૯૫ ગ્રામ હેરોઈન કિંમત રૃ. ૨૪,૭૫૦ તથા ૫.૬૫ ગ્રામ એમડી ડ્રગ્સ કિંમત રૃા.૫૬,૫૦૦ સાથે રાજકોટના આનંદનગર મફતીયાપરામાં રહેતી રીનાબેન ઉર્ફે ફાતિમા રણજીતભાઇ ગોહિલને ઝડપી લીધી હતી.

એસઓજીએ ડ્રગ્સ, મોબાઇલ અને રોકડ સહિત કુલ રૃા.૮૬,૬૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. નોંધનીય છે કે, ડ્રગ્સ સાથે ઝડપાયેલી રીના વિરૃદ્ધ અગાઉ પણ નાર્કોટિક્સનો ગુનો નોંધાયેલો છે. હાલ એસઓજીએ મહિલા વિરૃદ્ધ સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.  

મહિલા સુરેન્દ્રનગરમાં અમુક ચોક્કસ લોકોને ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરવા આવતી હોવાની પ્રબળ આશંકાના આધારે મહિલા પાસેથી કોણ કોણ ડ્રગ્સ ખરીદતું હતું તેમજ ચૂંટણીને ધ્યાને લઈ જિલ્લામાં નાર્કોટીક્સની હેરાફેરી વધી હોવાની શક્યતાઓના આધારે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. એસઓજી ટીમે સિટી એ-ડિવિઝન પોલીસ મથકની હદમાંથી ડ્રગ્સ સાથે મહિલાને ઝડપી લેતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠયા છે. 

ઝડપાઇ જતાં જ મહિલાની તબિયત લથડી 

સુરેન્દ્રનગર એસઓજી પોલીસે મહિલાને ડ્રગ્સના ઝથ્થા સાથે ઝડપી લીધી હતી. ઝડપાઇ ગયાં બાદ મહિલાએ પોતાના પગના તળીયા બળતા હોવાનું તેમજ શરીર ખેંચાતા હોવાનું રટણ કરતા પોલીસે મહિલાને સરકારી હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ કરાવી સારવાર આપી, કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.



Google NewsGoogle News