સુરેન્દ્રનગરમાં મુખ્યમંત્રીના આગમન ટાણે જ રસ્તા ચકાચક બની ગયા
- શહેરીજનો હડદા ખાતા હોવા છતાં પગલાં લેવાતાં નહોતા
- પાલિકા તંત્ર દ્વારા મોટાભાગના વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સફાઈ કરી દેવામાં આવી : રજુઆતો માટે ધક્કા ખાતા નાગરિકોમાં આશ્ચર્ય
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાનાં અનેક રસ્તાઓ ચોમાસા પછી ખાડા ખડીયા અને ગાબડા વાળા બની ગયા છે. લોકો દરરોજ હડદા ખાય છે. ત્યારે અત્યાર સુધી નિંદ્રા માણતી નગરપાલીકાએ મુખ્યમંત્રી આવવાના હોવાથી રસ્તા પર થિગડા મારવાનું અભિયાન ચલાવીને રાતોરાત રસ્તા ચકાચક કરી દીધા હતા. શહેરના મોટાભાગના વિસ્તારોમાં રાતોરાત સફાઈ કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગરમાં અનેક રસ્તાઓ બિસ્માર, ખાડા ખડીયા વાળા બની ગયા છે. શહેરીજનો આવા રસ્તાઓ ઉપરથી પસાર થતી વખતે પારાવાર પરેશાની વેઠી રહ્યાં હોય છે. ચોમાસા પછીતો ઘણા રસ્તા ચારણી જેવા થઈ ગયા છે. શહેરીજનોની આ પરેશાની પ્રત્યે આંખ આડા કાન કરીને નગરપાલીકા તંત્ર ઘોર નિંદ્રા માણતુ હતુ. તેવામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો સુરેન્દ્રનગર આવવાનો પ્રવાસ નકકી થયું હતું. જેને પગલે સફાળા જાગેલા નગરપાલીકા તંત્ર દ્વારા મુખ્યમંત્રીના આગમન પહેલા રાતોરાત મોટાભાગના રસ્તાઓ ચકાચક કરવા પુરજોશમાં કામગીરી કરી હતી. તંત્ર દ્વારા આ ઉપરાંત તાત્કાલીક રસ્તાઓ પરના ખાડા બુરી સમારકામ હાથ ધરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમના સ્થળ તથા આસપાસના વિસ્તારોમાં સફાઈ કરી દેવામાં આવી હતી. નગરપાલીકાની આ કામગીરી લોકોમાં ચર્ચાનો વિષય બની હતી. મુખ્યમંત્રી કે કોઈ મોટા નેતા આવવાના હોય ત્યારે જ રસ્તા સારા કરવા, દવાનો છંટકાવ કરવો જેવી કામગીરી શું કામ થાય છે. જેમણે મત આપીને ચુંટીને મોકલ્યા છે એ મતદારોની સુવિધા અને સરળતા માટે આવી કામગીરી બારેમાસ કેમ થતી નથી..? એવા સવાલો શહેરીજનોમાંથી ઉઠી રહયા હતા.