ખેરવા પાસે તળાવમાં કાર ખાબકતા પત્નીનું મોત, પતિનો બચાવ

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
ખેરવા પાસે તળાવમાં કાર ખાબકતા પત્નીનું મોત, પતિનો બચાવ 1 - image


- સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો

- સદાદનું દંપતી મલાતજથી દર્શન કરી પરત ફરી રહ્યું હતું ત્યારે દુર્ઘટના સર્જાઇ

સુરેન્દ્રનગર : દસાડા તાલુકાના ખેરવા ગામ પાસે કારચાલકે સ્ટેયરિંગ  પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો અને કાર તળાવમાં ખાબકતા પત્નીનું મોત નીપજ્યું હતું. જ્યારે કારચાલક પતિનો આબાદ બચાવ થયો હતો.

લખતર તાલુકાના સદાદ ગામે રહેતા દેવજીભાઈ ખોડાભાઈ જીડ અને તેમના પત્ની મધુબેન મલાતજ મેલડી માતાજીના દર્શનાર્થે ગયા હતા. ત્યાંથી કારમાં પરત ફરી રહ્યાં હતાં ત્યારે દેવજીભાઈ કાર ચલાવી રહ્યા હતા. દરમિયાન દસાડાના ખેરવા ગામ પાસે સામેથી આવી રહેલી વાહનની લાઈટથી અંજાઈ જતાં સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી મારી રોડની સાઈડમાં આવેલા તળાવમાં ખાબકી હતી. 

તેમાં પતિ સમયસુચકતા વાપરી કારમાંથી બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો. જ્યારે પત્ની સુતેલી હાલતમાં હોય ડુબી જવાથી મોત નીપજ્યું હતું. જ્યારે આ બનાવની જાણ આસપાસના લોકો તેમજ વાહનચાલકોને થતા ઘટના સ્થળે ઉમટી પડયાં હતાં અને આ મામલે પોલીસ તેમજ ૧૦૮ની ટીમને જાણ કરી હતી. 

 પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને મૃતક પત્નીની લાશનો કબજો લઈ પીએમ અર્થે મોકલવામાં આવી હતી. જ્યારે ઈજાગ્રસ્ત પતિને પણ સારવાર હેઠળ હોસ્પીટલે લઈ જવામાં આવ્યો હતો.  જ્યારે પરિવારમાં માતાના મોતથી એક પુત્ર અને એક પુત્રીએ છત્રછાયા ગુમાવી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે ખેરવા ગામ પાસે આવેલા તળાવ નજીકથી જ સુરેન્દ્રનગર-માલવણ હાઈવેને જોડતો મુખ્ય રસ્તો પસાર થાય છે. તેના પરથી દરરોજ મોટીસંખ્યામાં નાના-મોટા વાહનો અવર-જવર કરે છે પરંતુ તેમ છતાંય જવાબદાર તંત્ર દ્વારા નાળા પર પ્રોટેકશન દિવાલ રાખવામાં આવી નથી. જેના કારણે અવાર-નવાર અકસ્માતો સર્જાય છે. 

તેમજ નાળુ જર્જરીત હોવાનું વર્ષોથી બોર્ડ લગાવવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી રીપેરીંગ કામ કે નવું નાળુ બનાવવાની કામગીરી હાથધરવામાં આવી નથી. આથી ક્યાંકને ક્યાંક અકસ્માતમાં સ્થાનીક તંત્ર પણ જવાબદાર હોય તેવા આક્ષેપો ઉઠી રહ્યા છે. 



Google NewsGoogle News