સુરેન્દ્રનગરમાં વિચરતી જાતિના પરિવારોના પાણી માટે વલખાં

Updated: Apr 20th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગરમાં વિચરતી જાતિના પરિવારોના પાણી માટે વલખાં 1 - image


- જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત

- પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ના આવતી હોવાના આક્ષેપ 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના નવા જંક્શન રોડ પર આવેલી પંકજ સોસાયટી પાસે રહેતા વિચરતી જાતિના અંદાજે ૧૦થી વધુ પરિવારોને તંત્ર દ્વારા પીવા માટેનું પાણી પુરૂ પાડવામાં ન આવતું હોવાની વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જિલ્લા કલેકટરને લેખીત રજૂઆત કરવામાં આવી હતી.

રજૂઆતમાં જણાવ્યા મુજબ, નવા જંકશન વિસ્તારમાં પંકજ સોસાયટી પાસે વિચરતી જાતિના ૧૦ જેટલા પરિવારો છાપરામાં રહી વસવાટ કરે છે. આ પરિવારો છેલ્લા ૭૦ વર્ષ કરતાં પણ વધુ સમયથી ત્યાં રહે છે અને તેમની પાસે રેશનકાર્ડ, આધાર કાર્ડ સહિતના તમામ પુરાવાઓ હોવા છતાં આ વસાહતોમાં કોઈપણ જાતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવી નથી.

 વધુમાં પીવાના પાણી માટે છેલ્લા ઘણા સમયથી વલખા મારવાનો વારો આવી રહ્યો છે અને આસપાસની સોસાયટીમાંથી માંગીને પાણી લાવે છે. તેમજ બે કિલોમીટર દૂર આવેલા રેલવે જંકશને પાણી ભરવા જવું પડે છે. પીવાના પાણીની સમસ્યાના કારણે આ પરિવારની દીકરીઓમાં અભ્યાસનું સ્તર પણ ધટયું છે અને શાળામાંથી ડ્રોપઆઉટ થઈ જતી હોવાની રજૂઆત કરી હતી. 

 કેટલીક વખત પાણી ન મળે ત્યારે વેચાતા કેરબા લેવા પડે છે. ત્યારે આ પરિવારોના વસાહતોમાં પીવાના પાણીની સુવિધા પુરી પાડવામાં આવે તેવી જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરાઈ હતી.


Google NewsGoogle News