હિરાપુરની સીમમાં ૨૦થી વધુ ખેતરોમાં પાણી ફરી વળ્યા
- માઈનોર કેનાલમાં પાણી છોડાતા
- જીરૂ, એરંડા, વરિયાળી સહિતના રવી પાકને નુક્સાનની ભીતિ
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા તાલુકાના હિરાપુર ગામની સીમમાં નર્મદા કેનાલનું પાણી ઓવરફ્લો થઈને ખેતરોમાં ફરી વળ્યું હતું. જેથી રવી પાકને નુક્સાની જવાની ભીતી સેવાઈ રહી છે.
હિરાપુર ગામની સીમમાં મેથાણથી હિરાપુરની કેનાલમાંથી માઈનોર કેનાલમાં પાણી છોડવામાં આવતા કેનાલ ઓવરફલો થતાં આસપાસના અંદાજે ૨૦ જેટલા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. જેના કારણે ખેડૂતોએ મહામહેનતે વાવેલા જીરૂ, એરંડા, વરિયાળી સહિતના ઉભાપાકોને નુક્સાની પહોંચવાની ભીતિ છે.
ત્યારે નર્મદા વિભાગની બેદરકારીના લીધે અવારનવાર ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટાપાયે નુક્સાન પહોંચતું હોવાનો રોષ ખેડૂતોએ ઠાલવ્યો હતો.
તેમજ સરકાર દ્વારા સર્વે કરી નુક્સાનીનું વળતર ચુકવવામાં આવે તેવી માંગ કરી હતી.