વસ્તડી ગામને જોડતા ડાયવર્ઝન રસ્તા પર પાણી ફરી વળતાં વાહનચાલકોને હાલાકી
- એક વર્ષ બાદ પણ પુલ ન બનતા ગ્રામજનોમાં રોષ
- રસ્તા પર પાણી હોવા છતાં જીવના જોખમે પસાર થવા વાહનચાલકો અને રાહદારીઓ મજબુર
સુરેન્દ્રનગર : હવામાન વિભાગની આગાહીને પગલે સુરેન્દ્રનગર સહિત ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે વઢવાણના વસ્તડી ગામને જોડતા મુખ્ય ડાયવર્ઝન રસ્તા પર ભોગાવા નદીનું પાણી ફરી વળતાં વાહનચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે. આ રસ્તા પર પાણી ભરાયેલ હોવા છતાં વાહનચાલકો અને રાહદારીઓ જીવના જોખમે પસાર થવા મજબુર થયા છે. ગ્રામજનો દ્વારા અનેક વખત તંત્ર સહિત રાજકીય આગેવાનોને રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો.
વઢવાણ તાલુકાના વસ્તડી સહિતના ગામોને જોડતો મુખ્ય પુલ ગત વર્ષે ૨૪મી સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ ધરાશયી થયા બાદ તંત્ર દ્વારા અવર-જવર માટે ભોગાવો નદીમાંથી વૈકલ્પિક ધોરણે ડાયવર્ઝન રસ્તો બનાવવામાં આવ્યો છે. આ રસ્તો ભોગાવો નદીમાંથી બનાવ્યો હોવાથી દર વર્ષે ચોમાસામાં તેમજ ઉપરવાસમાં ભારે વરસાદ પડતા રસ્તા પર પાણી ફરી વળે છે જેના કારણે વાહનચાલકોને તેમજ ગ્રામજનોને જીવના જોખમે પસાર થવાનો વારો આવી રહ્યો છે. ગત સપ્ટેમ્બર મહિનામાં પડેલા વરસાદ દરમ્યાન પણ આ રસ્તા પર ભોગાવો નદીનું પાણી ફરી વળ્યું હતું.
આ રસ્તા પર મહિના પહેલા એક ખાનગી સ્કુલ બસ પણ રસ્તા પર ફસાઈ હતી. ત્યાં ફરી તાજેતરમાં વઢવાણ, ચુડા સહિત ઉપરવાસમાં પડેલ વરસાદને પગલે ભોગાવો નદીમાં પાણી છોડવામાં આવતાં આ પાણી વસ્તડી ગામને જોડતા ડાયવર્ઝન રસ્તા પર ફરી વળ્યું છે. છેલ્લા બે-ત્રણ દિવસથી પાણી ભરેલું હોવા છતાં બાઈક સહિત નાના-મોટા વાહનચાલકો અને ખાનગી બસો તેમજ સ્કુલ વાહનો આ રસ્તા પરથી જીવના જોખમે પસાર થઈ રહ્યાં છે. પુલ ધરાશયી થયા બાદ નવો બનાવવામાં ન આવતાં ગ્રામજનો, સરપંચ અને આગેવાનો દ્વારા અનેક વખત રાજકીય આગેવાનો સહિત ઉચ્ચકક્ષાએ તેમજ મંત્રીઓ સુધી લેખીત અને મૌખીક રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી. દોઢ વર્ષ બાદ પણ નવો પુલ ન બનતા ગ્રામજનોને દર વર્ષે ચોમાસામાં ડાયવર્ઝન રસ્તા પર પાણી ભરાઈ રહેતા જીવના જોખમે પસાર થવું પડે છે. તંત્ર દ્વારા ડાયવર્ઝન રસ્તાના બદલે નવો પુલ બનાવવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.
જાનહાની કે દુર્ધટના ન સર્જાય તે માટે રસ્તા પર પથ્થરો મુક્યા
વસ્તડીને જોડતા ડાયવર્ઝન રસ્તા પર ફરી કોઈ મોટી દુર્ધટના સર્જાય તે પહેલા નવો પુલ બનાવવામાં આવે તેવી અનેક વખત રજુઆત બાદ પણ કોઈ જ ઉકેલ ન આવતાં લોકોની સલામતીને ધ્યાને લઈ ગામના યુવાનો દ્વારા ડાયવર્ઝન રસ્તા પર બન્ને સાઈડ પથ્થરો મુકવામાં આવ્યા છે.