સુરેન્દ્રનગર અને વઢવાણમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગર અને વઢવાણમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ 1 - image


- 5 થી 6 દિવસે ડહોળું પાણી આવતા રોષ

- મુખ્ય પાઈપલાઈન તણાઈ જતાં તથા ઈલેક્ટ્રિક મોટરને નુક્શાન પહોંચતા સમસ્યા ઉદભવી 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા આઠ દિવસથી પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાતા શહેરીજનો પાણી માટે વલખાં મારી રહ્યાં છે. ધોળીધજા ડેમમાંથી ભોગાવો નદીમાં પાણી છોડવામાં આવ્યું તે સમયે વરસાદને પગલે ધોળીધજા ડેમથી શહેરમાં પાણી પુરું પાડતી મુખ્ય પાઈપલાઈન પાણીમાં તણાઈ ગઈ હતી. તેમજ વીજ મોટરને પણ નુક્શાન પહોંચતા વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હોવાનો તંત્રનો દાવો છે. 

સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા ધોળીધજા ડેમ મારફતે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા એકાંતરે અથવા બે દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે પરંતુ તાજેતરમાં પડેલા ભારે વરસાદને પગલે ધોળીધજા ડેમ ઓવરફલો થયો હતો.

જેથી તેનું પાણી ભોગાવો નદીમાં છોડવામાં આવ્યું હતું. આ વરસાદને કારણે શહેરીજનોને પાણીપુરી પાડતી મુખ્ય પાઈપલાઈન પાણીમાં તણાઈ જતા તેમજ વિતરણ વ્યવસ્થાની ઈલેકટ્રીક મોટરને પણ નુકશાન થતાં હાલ છેલ્લા ૮ દિવસથી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ છે.

હાલ પાલિકા તંત્ર દ્વારા પાંચ-છ દિવસે એક વખત પાણી આપવામાં આવી રહ્યું છે. પરિણામે ન છુટકે બોરવેલ, કુવા અથવા બહારથી વેચાતા ટેન્કરો ખરીદવાનો વારો આવતા ગરીબ અને મધ્યમવર્ગ પર આર્થિક બોજો વધ્યો છે. જ્યારે શહેરીજનોની મજબુરીનો લાભ લઈ પાણીના ટેન્કરના ભાવમાં પણ અચાનક વધારો કરી રૃા.૧૦૦૦ થી ૧૨૦૦ વસૂલવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી છે. 

 ઉપરાંત હાલમાં વિતરણ કરવામાં આવતું પાણી ખૂબ ડહોળુ હોવાથી પીવાનું તો દૂર, ઘરવપરાશના ઉપયોગમાં પણ લઈ શકાય તેમ ન હોવાનું મહિલાઓએ જણાવ્યું હતું. હાલ ધોળીધજા ડેમ ભરેલો હોવા છતાં તંત્રની બેદરકારીના કારણે લોકોને નિયમીત અને શુધ્ધ પાણી મળતું ન હોવાના આક્ષેપો ઉઠયા છે. તેમજ પાલિકાના સત્તાધીશો દ્વારા સત્વરે કાર્યવાહી કરી રાબેતા મુજબ પાણીનું વિતરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.



Google NewsGoogle News