Get The App

દેવસર ગામે ભુમાફિયાઓ સામે કડક કાર્યવાહી ગ્રામજનોની ઉગ્ર માંગ

Updated: Nov 28th, 2023


Google NewsGoogle News
દેવસર ગામે ભુમાફિયાઓ સામે કડક કાર્યવાહી ગ્રામજનોની ઉગ્ર માંગ 1 - image


- કલેક્ટર અને ડીએસપી કચેરીએ લેખીત રજૂઆત 

- ભુમાફિયાઓ હથિયારો સાથે ધમકી આપતા હોવાનો વીડિયો વાયરલ, માંગ પૂરી નહીં થાય તો આંદોલનની ચિમકી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજચોરી, દબાણો તેમજ ભુમાફિયાઓની દાદાગીરીના બનાવો વધી રહ્યાં છે, ત્યારે થોડા દિવસો પહેલા ચોટીલા તાલુકાના દેવસર ગામે ગેરકાયદેસર ખનીજચોરી મુદ્દે ભુમાફિયાઓ દ્વારા ગ્રામજનો સાથે ઝપાઝપી કરી હથિયારો સાથે ધમકી આપી હોવાનો વીડિયો સામે આવ્યો હતો. જે મુદ્દે દેવસર ગામના ગ્રામજનો અને આગેવાનોએ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર તેમજ ડીએસપી કચેરી ખાતે લેખીત રજૂઆત કરી હતી.

આ અંગે રજૂઆતમાં જણાવ્યા મુજબ, દેવસર ગામે છેલ્લા ઘણા સમયથી ભુમાફિયાઓ તેમજ માથાભારે શખ્સો દ્વારા ગેરકાયદેસર ખનીજચોરી તેમજ ગામમાં દબાણો કરવામાં આવી રહ્યાં છે. જે અંગે અનેક વખત ગામના સરપંચ સહિત આગેવાનો અને ગ્રામજનોએ સ્થાનિક પોલીસ તેમજ ખાણ ખનીજ વિભાગને લેખીત રજૂઆતો કરી હતી પરંતુ કોઈ જ ઉકેલ આવ્યો નથી.

 તાજેતરમાં ભુમાફિયા અને તેમના સાગરીતો દ્વારા ગેરકાયદેસર ખનીજચોરી મામલે ગ્રામજનો સાથે બોલાચાલી કરી હતી અને બંદુક બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપતો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

 તેમ છતાંય ભુમાફિયાઓ સાથે કોઈપણ જાતની કડક કાર્યવાહી કરવામાં ન આવતા ગ્રામજનોએ જિલ્લા કલેકટર તેમજ ડીએસપીને આ અંગે લેખીત રજૂઆત કરી હતી. જેમાં દેવસર ગામે સરકાર દ્વારા મંજુર કરેલી લીઝોની માપણી અને હદ નિશાન નક્કી કરવા, લીઝોમાં ઉત્પાદન અને નિકાસના આંકડાઓ મેળવવા, ભુમાફીયા ખીમજીભાઈની લીઝ કાયદેસર છે કે કેમ ?, મકાનોમાં કરેલા ગેરકાયદેસર કબજા અંગેની તપાસ સહિતની માંગો અંગે લેખીત રજુઆત કરવામાં આવી હતી.

 તેમજ ભુમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી હતી અને તંત્ર દ્વારા માંગો પુરી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી. આ તકે ગામના સરપંચ, ઉપ-સરપંચ, આગેવાનો, ગ્રામજનો સહિત મહિલાઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. 


Google NewsGoogle News