થાનમાં જીવદયા ગુ્રપના સભ્યની પોલીસે અટકાયત કરતા ગ્રામજનોનો રસ્તા પર ચક્કાજામ
- અરજી સંદર્ભે કાર્યવાહી કર્યાનો પોલીસનો દાવો
- દોઢ કલાકના ધરણાં અને ચક્કાજામ બાદ યુવકને જામીન પર છોડાતા મામલો થાળે પડયો
ચોટીલા,સુરેન્દ્રનગર : થાન જીવદયા ગુ્રપના યુવક વિરૂદ્ધ થાન પોલીસ મથકે અરજી કરવામાં આવી હતી. જેમાં પોલીસે યોગ્ય તપાસ વગર જ યુવકને પોલીસ મથકે લઇ જઇ બેસાડી દીધા હોવાના આક્ષેપ સાથે જીવદયા ગુ્રપના સભ્યો તેમજ સ્થાનિકોએ પોલીસ મથક બહાર જ રસ્તો ચક્કાજામ કરી દેતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. જો કે દોઢ કલાક બાદ યુવાનનો જામીન પર છુટકારો થતાં સમગ્ર મામલો થાળે પડયો હતો.
થાનના જીવદયા ગુ્રપના સભ્ય ફિરોઝખાન નામના યુવક વિરૂદ્ધ ધમકી આપવા અંગે થાનના જ મોન્ટુ મહારાજ નામના શખ્સે પોલીસ મથકે અરજી કરી હતી. જેને લઇને થાન પોલીસ દ્વારા ફિરોઝખાનને પોલીસ મથકે બેસાડી દેતા રોષે ભરાયેલા જીવદયા ગુ્રપના સભ્યો થાન પોલીસ મથકે દોડી ગયાં હતાં.
આગેવાનોએ પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી કે, અરજીના આધારે ધરપકડ કરવામાં ન આવે અને તપાસ બાદ જો યુવક દોષિત હોય તો કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી પરંતુ પોલીસે રજૂઆત ધ્યાને ના લેતા આગેવાનોમાં રોષ ભભૂકી ઉઠયો હતો અને થોડા સમયમાં જ આ વાત સમગ્ર શહેરમાં પ્રસરી જતાં લોકોના ટોળા પોલીસ મથકે એકઠા થઇ ગયાં હતાં અને પોલીસ મથક સામે જ લોકોએ રસ્તા પર બેસી જઈ ચક્કાજામ કરી દેતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસ દ્વારા જો ન્યાયિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો જીવદયા ગુ્રપના સભ્યો દ્વારા પાંજરાપોળમાં રાખેલા તમામ પશુઓ પોલીસ મથક સામે લાવી છુટ્ટા મુકી દેવાની તેમજ જીવદયાની તમામ કામગીરી બંધ કરી દેવાની પણ ચિમકી ઉચ્ચારી હતી અને અંદાજે દોઢ કલાક સુધી પોલીસ મથક બહાર હોબાળો અને ચક્કાજામ બાદ અંતે ફિરોઝખાનને તાત્કાલિક જામીન પર મુક્ત કરવામાં આવ્યા બાદ સમગ્ર મામલો થાળે પડયો હતો.
જ્યારે આ મામલે અરજી સંદર્ભે ધોરણસરની કાર્યવાહી કરાઈ હોવાનું તપાસ અધિકારીએ જણાવ્યું હતું.