ચોટીલા તાલુકાના વડાળી ગામે જીલ્લા કલેકટર સહિતના અધિકારીઓએ ખેડુતો સાથે સંવાદ કર્યો
- પ્રાકૃતિક ખેતી તેમજ ખેડુતોની સમસ્યાઓ અંગે ચર્ચા વિચારણા કરાઈ
- ખેડુતોને મોડેલ ફાર્મની મુલાકાત લેવા પણ અનુરોધ કરાયો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લાના ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને સરકારના પ્રાકૃતિક ખેતી માટેના મિશન મોડ અંતર્ગત પ્રાકૃતિક ખેતી કરી સમૃધ્ધ બને તેવા હેતુથી ચોટીલા તાલુકાના વડાળી ગામે જીલ્લા કલેકટર તેમજ જીલ્લા વિકાસ અધિકારીએ પ્રગતિશીલ ખેડુત હિતેશભાઈ મેણીયાના પ્રાકૃતિક કૃષી મોડેલ ફાર્મની રૂબરૂ મુલાકાત લીધી હતી.
આ તકે જીલ્લા કલેકટર કે.સી.સંપટે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટવું, રોગ, જીવાત આવવા સહિતના પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે ખેડુતોને જીલ્લામાં આવેલા અને આત્મા પ્રોજેક્ટ હેઠળ તૈયાર થયેલા મોડેલ ફાર્મ પર મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો તેમજ આસપાસના ગામોના ખેડુતોને પણ પ્રાકૃતિક ખેતીના આ અભિયાનમાં જોડવા માટે પ્રોત્સાહન અને માર્ગદર્શન પુરૂ પાડયું હતું. તેમજ સેન્ટર ફોર એનવાયરમેન્ટ એજ્યુકેશનમાંથી ઉપસ્થિત અધિકારીએ રાસાયણીક ખાતરો પાછળ વધારે ખર્ચ થાય છે તેમજ સામે ઉત્પાદનમાં પણ ઘટાડો થઈ રહ્યો છે આથી ખેડુતોએ પ્રાકૃતિક ખેતી કરી ઉત્પાદન વધારવા જણાવ્યું હતું. જ્યારે આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર દ્વારા પણ ખેડુતોને મગફળીના પાકમાં પીળાશ આવવા બાબતે માર્ગદર્શન પુરૂ પાડયું હતું અને મોડેલ ફાર્મ પર ઉગાડવામાં આવેલ મગફળી મુજબ સાથે ચોળી કે અન્ય કોઈ પાક લેવામાં આવે તો પીળાશ નહિં આવે તેવી પણ સલાહ આપી હતી. આ તકે જીલ્લા કલેકટર કે.સી.સંપટ, જીલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના સહિત ચોટીલા પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ખેતીવાડી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને ખેડુતો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.