જન્મદિવસની ઉજવણી કરી હવામાં ફાયરિંગ કરતો વીડિયો વાયરલ
- સુરેન્દ્રનગરમાં કાયદાનું સરેઆમ ઉલ્લંઘન
- વીડિયો તાજેતરમાં મારામારીના ગુનામાં ઝડપાયેલા આરોપીનો હોવાની ચર્ચા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરમાં સોશ્યલ મીડિયામાં જન્મદિવસની ઉજવણી દરમિયાન હથિયાર વડે હવામાં ફાયરિંગ કરતો વીડિયો વાયરલ થયો હતો. બી-ડિવીઝન પોલીસે તાજેતરમાં ઝડપી પાડેલા મારામારીના આરોપીનો વીડિયો હોવાની ચર્ચાએ જોર પકડયું છે. વીડિયો ક્યાંનો અને કેટલો જુનો છે તે અંગે હજુ સુધી કોઈ પુષ્ટી થવા પામી નથી.
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અત્યંત કથળી ચુકી છે અને ગુનેગારોને પોલીસનો ડર ન હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે સોશ્યલ મીડિયામાં જન્મદિવસની ઉજવણી દરમિયાન એક યુવક દ્વારા હવામાં હથિયાર વડે ફાયરિંગ કરતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી છે. જોકે આ વીડિયો ક્યાંનો અને કેટલો જુનો છે તે અંગે હજુ સુધી કોઈ પુષ્ટી થવા પામી નથી.
વાયરલ વીડિયો અનુસર એક શખ્સ કારના બોનટ પર કેક રાખી પોતાના જન્મદિવસની અન્ય એક મિત્ર સાથે ઉજવણી કરતો જણાઈ આવે છે. તેમજ શખ્સ દ્વારા હાથમાં હથિયાર લઈ હવામાં જન્મદિવસની ઉજવણીના ભાગરૃપે ફાયરિંગ કરતો હોવાનું પણ સ્પષ્ટ જણાઈ આવે છે. સોશ્યલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે લોકોના જણાવ્યા મુજબ વાયરલ વીડિયોમાં જન્મદિવસની ઉજવણી કરનાર અને ફાયરિંગ કરનાર શખ્સ ઋતુ રબારી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જે શખ્સ તાજેતરમાં જ બિ-ડિવીઝન પોલીસ મથકના મારામારીના ગુનામાં ઝડપાઈ ચુક્યો છે અને પોલીસે તેનું સરઘસ પણ કાઢયું હતું.